અકુતાગાવાના “રાશોમોન”થી કુરોસાવાના “રાશોમોન” તરફ: કેટલાક અવલોકન



 

 

૧.

માનવિય દ્રષ્ટિકોણ બહુમુખી હોય છે. પરંતુએ જોવાની રીત અને જોયેલા દ્રશ્યોને શબ્દરૂપી અથવા બીજા કોઈ સંકેતોમાં રજુ કરવા એ વધુ રસપ્રદ છે. બીજા શબ્દોમાં મુકું તોઆપણા દ્રષ્ટિકોણની પૂર્ણ રજૂઆત ખુબ જ મહત્વની છેકારણ કે આ રજૂઆત હંમેશા પૂર્વગ્રહ મુક્ત હોઈ શકતી નથી. કોઈ પણ પ્રકારનું વર્ણન આપણા પૂર્વગ્રહકલ્પનામર્યાદા અને પ્રાથમિકતાથી દુષિત હોય છે. જાપાનીઝ ફિલ્મ ‘રાશોમોન’ (Rashomon)1 એક જ ઘટનાની ઘણી બધી રજુઆતો પ્રેક્ષક સમક્ષ મુકે છે. જંગલમાં એક ઘટના ઘટે છેત્રણ વ્યક્તિ એ ઘટનામાં સંકળાયેલ છેએકનો બળાત્કાર થાય છે અને એકનું મૃત્યુ. દરેક રજૂઆતમાં આ સાતત્ય છે. દરેક વ્યક્તિ પોતાની એક અલગ રજૂઆત મુકે છેદરેકનું પોતાનું એક સત્ય છે. એક પ્રેક્ષક તરીકે આપણને કોઈ એક ચોક્કસ સત્ય મળતું નથી. પરંતુઆ વર્ણનો એક જ ઘટના પરના વિવિધ દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે. ફિલ્મમાંથી કોઈ એક સત્ય શોધવું શક્ય નથી લાગતું. આપણે અહીવર્ણનોના કારણો અને પરિણામોની વાત કરીશું.

 ૨.

રાશોમોન’ ફિલ્મ જાણીતાં જાપાનીઝ વાર્તાકાર અકુતાગાવાની2 બે ટૂંકીવાર્તાઓ પર આધારિત છે. રાશોમોન ગેટનું સેટિંગ અને ત્યાનું વર્ણન “રાશોમોન”3 વાર્તા પર આધારિત છેજયારે ફિલ્મનું મુખ્ય વિષય-વસ્તુએટલે કે જંગલમાં બનેલી ઘટના અને એના વિષે બેઠેલી કોર્ટ “ઇન અ ગ્રુવ” (In a Grove)4 નામની વાર્તા પર આધારિત છે. મુખ્યત્વેફિલ્મ એ એક વાર્તાનું સેટિંગ અને બીજી વાર્તાના પાત્રો અને વિષય-વસ્તુનું મિશ્રણ છે.

            ખુબ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ત્રણ વ્યક્તિ રાશોમોન ગેટમાં આશ્રય લે છે: એ ત્રણ વ્યક્તિ છેકઠિયારો (woodcutter)પાદરી અને એક સામાન્ય માણસ (commoner). વૂડકટર થોડો વ્યાકુળ છેઅને સમય પસાર થાય માટે કોમનર એને પોતાના વ્યગ્ર હોવાનું કારણ પૂછે છે અને એણે જે અનુભવ્યું છે એ વાત ને રજુ કરવાનું કહે છે. કઠિયારો કોર્ટમાં જે થયું એ કહે છે. કુખ્યાત લુંટારો તાજોમારું (Tajomaru) એના ગુના બદલ પકડાયો છે. આખી ઘટનાની ત્રણ અલગ-અલગ આવૃત્તિઓ છે: ડાકુની કથાસામુરાઈની કથા અને સમુરાઈની પત્નિની કથા. કોઈએ પણ ખૂન અને બળાત્કારનો ઇનકાર નથી કર્યોતેમ છતાં દરેકના કથાનકમાં અંતર છે. જેનું જંગલમાં ખૂન થયું છેએ સામુરાઈની આત્માને બોલાવવામાં આવે છેજે પોતાની કથા રજુ કરે છે. પરંતુ કઠિયારો કહે છે કે એ બધા જ જુઠું બોલતા હતા અને એ પોતાની આવૃત્તિ કહે છે. અચાનક એ લોકો નાના બાળકના રડવાનો અવાજ સાંભળે છે. આમઆદમી એ બાળકનું કીમોનો લઇ લે છે અને ત્યાંથી જતો રહે છે. જયારે કઠિયારો પાદરીને કહે છે કે એ આ બાળકની પોતાના બાળકો સાથે સંભાળ લેશે. પાદરી કહે છે કે આ ચેષ્ટાથી એનો માણસાઈમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે. અને વરસાદ થંભે છે અને એ લોકો રાશોમોન ગેટ છોડી જતા રહે છે.

૩.

એકબીજાને મળતા આવતાતેમ છતાં અલગ-અલગએવા કથાનકનું વિશ્લેષણ કરવું ખુબ અઘરું છે. પરંતુ આ ફિલ્મ આવા જ કેટલાક કથાનકથી બનેલ છે. આપણે ફિલ્મના પાત્રોની રજૂઆતના આધારે તેમના કથાનકના વિશ્વમાં આગળ વધીશું.

    પાદરીના વર્ણન પ્રમાણે તેણે શરૂઆતમાં સામુરાઈ અને તેની પત્નિને જંગલના રસ્તે જતા જોયા હતા. એનો દાવો હતો કે તેણે ત્રણ દિવસ પેહલા તેમને સેકીયામાંથી યામાંશીના જતા જોયા હતા. એનું પેહલું જ વાક્ય હતું કે એણે જે વ્યક્તિનું ખૂન થયું છે એને ત્રણ દિવસ પેહલા મળ્યો હતો. આમએનું કથાનક સામુરાઈના ખૂનની ઘટના પર ભાર આપે છે. એ ઉમેરે છે કે પરદાના કારણે એ સામુરાઈની પત્નિને બરાબર જોઈ શક્યો ન હતો. માહિતી આપ્યા બાદ એ બે વાક્યોમાં જીવનની ક્ષણભંગુરતા વિષે નાનકડો ઉપદેશ પણ પાઠવે છે.

    કઠિયારાના વૃતાંત પ્રમાણે એ પણ ત્રણ દિવસ પેહલા જંગલમાં લાકડા એકઠા કરવા ગયો હતો. અને જંગલના રસ્તામાં એને એક મૃતદેહ મળ્યો હતો. એ મૃતદેહ સામુરાઈનો હતો જેના વિષે એણે પોલીસને જાણ કરી હતી. કોર્ટમાં એણે એવું પણ કહ્યું હતું કે એણે સ્ત્રીની ટોપી અને સામુરાઈની ટોપી પણ જોઈ હતી. મૃતદેહ પાસે દોરડીનાં ટુકડાં પણ હતા અને એક ચમકદાર લાકડાનું ખોખું પણ જોયું હતું જે ચપ્પુ મુકવા માટે ઉપયોગમાં લેવાતું. એણે તલવાર કે એવી કોઈ વસ્તુ જોયા હોવાનો સાફ ઇનકાર કર્યો હતો.

    લુંટારાનું કથન શરુ થાય એ પેહલા એને પકડનાર વ્યક્તિ પણ કોર્ટ સમક્ષ પોતાની વાત મુકે છે. તે દરમિયાન, લુંટારો તાજોમારું ઉપર આકાશમાં એકધારું જોયા કરે છે. ઘોડાએ તાજોમાંરુને ફેંકી દીધો હશે એવા ક્યાસથી એ નાખુશ પણ થઇ જાય છે. તેનું હાસ્ય ગૌરવ અને આત્મવિશ્વાસથી ભરેલું છે. ગિરફ્તાર કરનાર વ્યક્તિ લુંટારા પાસેથી મળેલી વસ્તુઓ પણ કોર્ટની સમક્ષ હાજર કરે છે.

    તાજોમારું લુંટારાને પોતાની જાત પર અને પોતે જે કાર્યો કર્યા છે તેના પર ખુબ ગર્વ હતું, અથવા ખુબ જ ઘમંડ હતું એમ પણ કહી શકાય. તેનું પેહલું જ વાક્ય એ વાતની કબુલાત હતી કે તેણે સામુરાઈની હત્યા કરી છે. ત્યાર બાદ એ ઉમેરે છે કે એણે સામુરાઈ અને તેની પત્નીની જોડીને ત્રણ દિવસ પેહલા જંગલમાં જોયા હતા. હવાની એક લહેરના કારણે પત્નીના ચેહરાનો પડદો ઉડ્યો હતો અને તાજોમારુંએ તેનો ચેહરો જોઈ લીધો હતો. આખી ઘટનાનો દોષ એ હવાની લહેર પર નાંખે છે. પત્નીના ચેહરાની એક ઝલકે જ એને સામુરાઈને પોતાની ઝાળમાં ફસાવીને કેદ કરવા પર મજબુર કર્યો હતો. લુંટારાના મતે સામુરાઈની પત્નીએ શરૂઆતમાં વિરોધ દર્શાવ્યો, પરંતુ છેવટે તાબે થઇ ગઈ. એનો ભોગ કર્યા બાદ એ બંનેને છોડી દેવા માંગતો હતો પરંતુ પત્નીએ તેને વિનંતી કરી કે એ કાં તો એને મારી નાખે અથવા તેના પતિ સાથે લડાઈમાં ઉતરે કારણ કે તે બે પુરુષો સાથેના સહવાસનો અપરાધભાવ લઇને નહિ જીવી શકે. જે જીતશે અને જીવશે એની સાથે સ્ત્રી જશે. લુંટારો સામુરાઈને છોડે છે અને તેની સાથે તલવારબાજીમાં ઉતરે છે. લુંટારો કહે છે કે સામુરાઈ ખુબ કુશળતાપૂર્વક લડ્યો પરંતુ તે હાર્યો અને માર્યો ગયો. પરંતુ તે દરમિયાન, સ્ત્રી ત્યાંથી ભાગી ગઈ. લુંટારો બધો જ દોષ પ્રકૃતિ, સ્ત્રીની સુંદરતા અને તેની તેના પતિ સાથે લડવાની શરત પર મુકે છે. એ પોતે સામુરાઈને મારવા નહોતો ઈચ્છતો.

    પત્નીનું કથન એના પર લુંટારા દ્વારા થયેલ બળાત્કાર પછી શરુ થાય છે, એની પેહલા શું અને કેવી રીતે થયું એના વિષે એ વાત નથી કરતી. એ જણાવે છે કે એને ભોગવી લીધા બાદ લુંટારો ત્યાંથી જતો રહે છે અને એ પોતાના પતિને આઝાદ કરે છે. પરંતુ પતિના ચેહરાને જોઇને એને અંદાઝ આવી જાય છે કે જે કઈ થયું એનાથી એનો પતિ ખુશ નથી. એ પોતાની કટારી પતિના હાથમાં આપે છે અને એ કટારી દ્વારા એનો વધ કરી દે એવી વિનંતી કરે છે પરંતુ કોઈ પ્રતિક્રિયા મળતી નથી. એ આઘાતમાં બેહોશ થઇ જાય છે. જયારે એ હોશમાં આવે છે તો પતિની લાશ જુએ છે; એની છાતીમાં એ જ કટારી છે. આ આઘાતને કારણે તે જંગલમાંથી બહારની તરફ ભાગે છે. એનું કથન લુંટારાના કથન કરતા અલગ છે. એના કથન પ્રમાણે લુંટારા અને સામુરાઈ વચ્ચે કોઈ તલવારબાજી થઇ નથી. અને સામુરાઈનું મૃત્યુ કટારીથી થયું છે, તલવારથી નહિ. આ કથન સંપૂર્ણપણે સામુરાઈના મૃત્યુ વિષે વાત કરે છે, બળાત્કાર વિષે કોઈ શબ્દ ઉચ્ચારતો નથી.

    સામુરાઈના મૃત્યુના કારણે તેનું કથન એક માધ્યમ દ્વારા લેવામાં આવે છે. તેનું કથન પણ બળાત્કાર પછીની ઘટનાનું વર્ણન કરે છે. તે જણાવે છે કે બળાત્કાર પછી લુંટારો સામુરાઈની પત્નીને તેની સાથે થઇ જવા માટે સમજાવે છે, અને તે તેય્યાર પણ થઇ જાય છે. પણ પછી તે લુંટારાકુને સામુરાઈની હત્યા કરવાનું કહે છે. જો એ તેની હત્યા કરશે તો જ તે એની સાથે જશે. તેની આ માંગણીથી લુંટારો પણ ગુસ્સે થઇ જાય છે અને સામુરાઈને પૂછે છે કે આવી સ્ત્રીનું શું કરવું જોઈએ. તે દરમિયાન પત્ની ત્યાંથી ભાગી જાય છે, લુંટારો તેને પકડવાનો પ્રયાસ કરે છે પણ પકડી શકતો નથી. છેવટે, તે પાછો આવે છે અને સામુરાઈને મુક્ત કરીને જતો રહે છે. સામુરાઈને તેની પત્નીની કટારી મળે છે, જેનાથી તે આત્મહત્યા કરી લે છે. તે એવું પણ જણાવે છે કે થોડાં સમય પછી કોઈ ત્યાં દબાતા પગલે આવે છે અને કાળજીપૂર્વક કટારી એની છાતીમાંથી કાઢી લે છે. અહીં પણ સામુરાઈના મૃત્યુને મહત્વ આપ્યું છે. સામુરાઈ બંધનમાંથી મુક્ત થયા બાદ પણ પોતાની પત્નીના બળાત્કારનો બદલો લેવાનું વિચારતો નથી અને ચુપચાપ લુંટારાને જવા દે છે.  

    આ બધા જ વર્ણન કોર્ટમાં થાય છે, પરંતુ કોઈ ચુકાદો આવતો નથી. આ બધા જ વર્ણનના દ્રશ્યોને એ રીતે રજુ કરવામાં આવ્યા છે જેમાં દર્શક પોતે જ એક ન્યાયાધીશ હોય અને પાત્રો એની સમક્ષ પોતાની રજૂઆત કરતા નજરે પડે. પ્રેક્ષકગણમાની દરેક વ્યક્તિ પોતાની ખુરશીમાં જ એક ન્યાયાધીશ છે જે પોતાના અનુભવ અને વિવેકબુદ્ધિ પ્રમાણે પોતાનો ચુકાદો આપશે. પરંતુ, ફિલ્મ અહિયાં પૂરી થતી નથી. કોર્ટની ઘટનાનું વર્ણન કરનાર વ્યક્તિ, કઠિયારા, પાસે બીજી પણ કંઇક માહિતી છે જે તેને રજુ કરવી છે. એ કહે છે કે કોર્ટમાં કોઈ પણ વ્યક્તિએ જંગલની ઘટના વિષે સંપૂર્ણ અને સાચી વાત કહી નથી. એ માહિતી આપે છે કે સામુરાઈનું મૃત્યુ તલવારથી થયું હતું અને ત્યાં કોઈ કટારી હતી જ નહિ.

    કઠિયારાના બીજા કથન પ્રમાણે એણે ત્યાં જંગલની ઝાડીઓમાં જે કઈ થયું એ બધું જ જોયું હતું. સ્ત્રીના બળાત્કાર પછી ડાકુ એને પોતાની સાથે આવવાની વિનંતી કરે છે. સ્ત્રી જણાવે છે કે એક સ્ત્રી હોવાના કારણે આ નિર્ણય એ પોતે નથી લઇ શકતી; એ બાબતનો નિર્ણય તો પુરુષોએ જ અંદરોઅંદર લેવો રહ્યો. એ લુંટારાને સામુરાઈની હત્યા કરી, તેને પોતાની સાથે લઇ જવા મતે ઉશ્કેરે છે. પરંતુ જ્યારે સામુરાઈને આઝાદ કરવામાં આવે છે તો એ કહે છે કે એ આ ચરિત્રહીન સ્ત્રી કરતાં પોતાના ઘોડા માટે લડવાનું વધુ પસંદ કરશે. સ્ત્રી બંનેને ઉશ્કેરે છે અને કહે છે કે તે બંને “પુરુષ” જ નથી. છેવટે તે બંને અત્યંત હાસ્યાસ્પદ તલવારબાજી કરે છે અને તેમાં સામુરાઈ માર્યો જાય છે. પરંતુ તે દરમિયાન સ્ત્રી ત્યાંથી ભાગી છૂટે છે.  

    આગળ લખ્યું એમ, આ ફિલ્મ બે વાર્તાઓના આધારે બનાવાઈ છે, અને ઉપરના કથન અકુતાગાવાની “In a Grove” વાર્તા પ્રમાણે છે. પરંતુ ફિલ્મના દિગ્દર્શક, કુરોસાવા, એ વાર્તાને ફિલ્મમાં બદલવાની પ્રક્રિયામાં વાર્તાના કથાનકમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. મૂળ વાર્તામાં સામુરાઈની પત્નીની માતાની પણ સાક્ષી લેવાય છે, જે ફિલ્મમાંથી બાકાત રાખવામાં આવી છે. તેવી જ રીતે, કઠિયારાનું બીજું નિવેદન ઉમેરવામાં આવ્યું છે. આ બીજું નિવેદન કુરોસવાની દ્રષ્ટીએ મૂળ વાર્તાનું વાંચન અને વિશ્લેષણ હોઈ શકે. કારણ કે આ નિવેદન સ્પષ્ટપણે જાપાનની સામુરાઈ-પરંપરા અને સ્ત્રીઓની સ્થિતિ પર કટાક્ષ કરે છે. મૂળ કથા, વિવિધ પાત્રોની સાક્ષીના આધારે, ઘટનાને વાચકો સમક્ષ મૂકી આપે છે. અહી, કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કે ટીપ્પણી આપવામાં આવ્યા નથી. વાર્તા-લેખક, વાચકને ન્યાયાધીશ બનાવે છે; વાચકે પોતે ઘટનાને મુલવવાની છે. પરંતુ, ફિલ્મમાં રાશોમોન-ગેટ પર બેસેલા ત્રણ પાત્રો પોતાનું અર્થઘટન રજુ કરે છે અને ઘટના પર પોતાનો અભિપ્રાય આપે છે. ફિલ્મમાં ઘટનાનું સંપૂર્ણ અર્થઘટન પ્રેક્ષક પર નિર્ભર નથી રેહતું, પત્રોનું વિશ્લેષણ પ્રેક્ષકને માર્ગદર્શન આપે છે.

૪.

ફિલ્મના દિગ્દર્શક, કુરોસાવા, અકુતાગવાની વાર્તા “In a Grove”ને પાયો બનાવી પોતાની ફિલ્મ રજુ કરે છે . પરંતુ, એ વાર્તાનાં પોતાના વિશ્લેષણ પ્રમાણે ફિલ્મ બનાવે છે; અને તેથી જ મુખ્ય કથામાં કેટલાક મૂળભૂત ફેરફાર કરે છે. તે કઠિયારાનું બીજું કથન ઉમેરે છે, જે ના ફક્ત કોર્ટની બહાર છે, પરંતુ નિર્ણાયક પણ છે.  તદુપરાંત, એક પણ પાત્રનું નામ ઉપયોગમાં લેવાયું નથી; મુખ્ય વાર્તામાં દરેક પાત્રનું એક નામ છે. પરંતુ, ફિલ્મમાં દરેક પાત્ર નામ-વિહોણું છે અને તેથી જ પોતાની એક આગવી ઓળખથી વંચિત છે. બર્ઝર અને લુકમાન5 (1966: 152) કહે છે, “Every name implies a nomenclature, which in turn implies a designated social location. To be given an identity involves being assigned a specific place in the world. As this identity is subjectively appropriated by the child, so is the world to which this identity points.” પાત્રોને વ્યક્તિવાચક સંજ્ઞા (proper noun) અપાઈ નથી, તેમનો ઉલ્લેખ જાતિવાચક સંજ્ઞાથી થયો છે, જેમ કે, લુંટારો, પાદરી, કઠિયારો, આમઆદમી, સામુરાઈ, પત્ની. ફિલ્મમાં નામ છે માત્ર લુંટારાનું, લુંટારો તાજોમારું, જે તેની વિશિષ્ટ ઓળખને સૂચવે છે; ઘણા બધા લુંટારા છે, પરંતુ આ લુંટારો – તાજોમારું – કુખ્યાત છે. જયારે બીજા પાત્રો માટે તેમના નામ જ તેમને વ્યાખ્યાયિત કરતા માપદંડ છે. ઉદાહરણ તરીકે, સામુરાઈ નામ જ પાત્રના આગવા ગુણ રજુ કરે છે, એક આદર્શ સામુરાઈના દરેક ગુણ આપણે એક પ્રેક્ષક તરીકે આ પાત્ર સાથે જોડી શકીએ.

    આ પરિવર્તનને થોડું ઊંડાણપૂર્વક જોઈએ. જાતિવાચક અને વ્યક્તિવાચક સંજ્ઞામાં શું ભેદ હોય છે? ઉદાહરણ તરીકે, લુંટારો - એ જાતિવાચક સંજ્ઞા છે, જયારે તાજોમારું - એ વ્યક્તિવાચક. જયારે આપણે એક સામાન્ય સંજ્ઞા ‘લુંટારા’ વિષે વાત કરીએ અથવા ઉલ્લેખ કરીએ, ત્યારે આપણે આ સંજ્ઞાની સામાન્ય લાક્ષણિકતાઓનો સંદર્ભ લઈએ છીએ, જેમ કે તે લુંટફાટ કરે છે, એ અસામાજિક તત્વ છે, એ હિંસા આચરે છે. આપણી એક રૂઢી-બદ્ધ ધારણા એ પણ છે કે લુંટારો, મોટેભાગે, પુરુષ જ હોય. પરંતુ, જો આપણે ‘લુંટારો’ સંજ્ઞાના સ્થાને વ્યક્તિવાચક સંજ્ઞા ‘તાજોમારું’ લઈએ, આપણી પાસે એ સંજ્ઞા માટે કોઈ તેય્યાર પૂર્વધારણાઓ નહિ હોય. આપણે પેહલા એ વ્યક્તિને ઓળખવો પડશે અને એની વ્યક્તિગત વિશેષતાઓ જાણવી પડશે. જેમ કે, તાજુમાંરુની બાબતમાં આપણે જાણ્યું કે એ અભિમાની છે, એને સ્ત્રીઓનો ભોગ કરવો પસંદ છે, એ એવું મને છે કે એ ખુબ જ અદ્ભુત તલવારબાજ છે, અને એને એકલું જ કામ પાર પાડવું પસંદ છે. પરંતુ, ફિલ્મના સંદર્ભમાં જોઈએ તો બીજા કોઈ પણ પાત્રનું પોતાનું નામ નથી, અને તેથી જ એમની ઓળખ શબ્દકોશ અને રૂઢી-બદ્ધ માન્યતાઓ કરતા વધારે નથી. દાખલા તરીકે, પાદરી એક પવિત્ર પુરુષ છે જે ધર્મ વિષે શીખવે છે. પાદરીની આ વ્યાખ્યાને આધારે આપણે, પ્રેક્ષક તરીકે, ફિલ્મમાં તેના કથાનક પર શંકા નથી કરતા અને આપણે એવું વિચારતા પણ નથી કે એણે પેલી કીમતી કટારીની ચોરી કરી હશે.

    સામુરાઈ, જાતિવાચકસંજ્ઞા, એ પાત્ર માટે ઉપયોગમાં લેવાઈ છે જેનું જંગલની વૃક્ષવાટિકામાં મૃત્યુ થયું છે. તેનું પોતાનું કોઈ જ નામ નથી. સામુરાઈ શબ્દ એ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતો જે સામંતશાહી જાપાનીઝ સમાજમાં શક્તિશાળી લશ્કરી જમાતનો સભ્ય હોય. તેઓ યોદ્ધા હતા અને તેઓ કડક શિસ્તમાં માનતા. તેનો જે રાજાની સેવા કરતા તેના નામથી જ ઓળખાતા. અહિયાં ફિલ્મમાં, આપણી સામે એવો એક સામુરાઈ છે જે પોતાની જ પત્નીને લુંટારાથી બચાવી નથી શકતો. એ વૃક્ષવાટિકામાં એવી લડતમાં મૃત્યુ પામે છે જેને બહાદુરી સાથે ન સરખાવી શકાય. સામુરાઈની પત્નીનાં પણ કેટલાક પરંપરાગત લક્ષણો હોય છે અને તેમાં લાજ અને કીર્તિ મોખરે છે. સામુરાઈની પત્ની લુંટારાને તાબે થઇ જાય છે. એ શરૂઆતમાં પોતાની કટારીથી સ્વરક્ષણનો પ્રયત્ન કરે છે, પરંતુ એ કટારી પણ એ ખોઈ બેસે છે. પરંપરા પ્રમાણે જોઈએ તો, એ કટારીનો મુખ્ય ઉપયોગ આવા સંજોગોમાં આત્મહત્યા કરવા માટે જ છે, પરંતુ પત્ની એની આ ફરજનું પાલન કરવામાં ચુકી ગઈ. બાળાત્કાર પછી પણ એ જીવતી રેહવા ઇચ્છતી હતી. અને એ એવી અપેક્ષા રાખતી હતી કે તેના માટે લુંટારો અને સામુરાઈ લડે અને એને જીતે. સામુરાઈ પોતાની પત્ની માટે લડવાનો ઇનકાર કરી દે છે અને કહે છે કે એના સ્થાને તે પોતાના ઘોડા માટે લડવાનું વધુ પસંદ કરશે, કારણ કે પત્નીએ સામુરાઈ પરંપરાનો ભંગ કર્યો છે.

    આમઆદમી (commoner) પણ એક જાતિવાચક સંજ્ઞા છે. પાત્રની પોતાની આગવી ઓળખ નથી. તે આપણામાનો કોઈ પણ હોઈ શકે. એનું વર્તન પણ એક સામાન્ય નાગરિક કે જે પોતાની રોજીંદી રોજી-રોટી માટે લડી રહ્યો હોય, તેટલા પુરતું જ મર્યાદિત છે. એને ઘટના સાથે, પાદરીની જેમ, કોઈ નૈતિક દુવિધાની લાગણી નથી. એ રોશોમોન ગેટ પર વરસાદને કારણે ફસાયો છે અને એટલે ઘડીભર સમય પસાર કરવા પુરતો જ એ ઘટના સાંભળવામાં રસ લે છે. કદાચ, એ દર્શક-વર્ગનો અસલી ચેહરો છે, જે સિનેમાઘરના દરવાજામાં આવ્યો છે અને થોડા કલાકો પછી એ ઘટનાને જોયા બાદ ત્યાંથી નીકળી જશે, પરંતુ એના પર એ ઘટનાથી કોઈ જ બદલાવ નહિ જોવા મળે. એને વ્યક્તિનીષ્ઠ મૂલ્યાંકન કે કોર્ટના ચુકાદામાં પણ કોઈ રૂચી નથી.

 ૫.

In a Grove” વાર્તા એ વિવિધ પાત્રોની ગવાહીથી વિશેષ કંઈ જ નથી, એમાં ચુકાદાનો એક પણ શબ્દ ઉમેરવામાં આવ્યો નથી. લેખકે આ શૈલીનો ઉપયોગ કરી વાર્તાના વાચકોને ન્યાયાધીશ બનાવી દીધા. જયારે વાર્તાને ફિલ્મમાં રૂપાંતરિત કરવાની વાત આવે, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે દરેક રૂપાંતર અને ભાષાંતર એ જે-તે સાહિત્યકૃતિનુ એક અર્થઘટન પણ છે. આમ, આ વાર્તાને પોતાની ફિલ્મમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયામાં કુરોસાવા પોતાનો ચુકાદો, વાર્તાનું પોતાનું વિશ્લેષણ પણ મૂકી દે છે. પરંતુ, એ હેતુ માટે એને એક મજબુત ભૂમિકા જોઈએ જે વાર્તાને ના ફક્ત આનંદમય  પરંતુ ગ્રાહ્ય પણ બનાવે. આ પ્રક્રિયામાં એ જ લેખકની બીજી વાર્તા કરતા સારું શું હોય શકે? અહિ, કુરોસાવા જેવા દિગ્દર્શકની પ્રતિભા છતી થાય છે.

    ફિલ્મનું શીર્ષક – રાશોમોન - બીજી અને ફિલ્મના દ્રષ્ટીકોણથી ઓછી મહત્વની વાર્તા પરથી આવેલ છે. એ શબ્દનો અર્થ છે, ‘શહેર દ્વાર’. રાશોમોન વાર્તામાં દ્વારની ક્ષતિગ્રસ્ત અવસ્થા પર ભાર મુકવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે કે આ દરવાજો હવે ચોરો અને બદમાશોની સંતાવાની જગ્યા માત્ર બની ગયો છે. લોકો મડદાંઓને અહિયાં સંતાડે. કુરોસાવા આ દ્વાર બતાવીને જાપાનીઝ સમાજ અને સંસ્કૃતિની નૈતીક અણે ભૌતિક પડતીને પ્રતીકાત્મક રીતે રજુ કરે છે. પરંતુ, વધુ મહત્વની બાબત એ છે કે આ શીર્ષક ફિલ્મની મુખ્ય કથાવસ્તુ અને ઉદ્દેશ્યને સંતાડવાનું કાર્ય કરે છે. એને એ દર્શકોની નજરોથી દુર મૂકી આપે છે. ફિલ્મનું શીર્ષક “In a Grove” રાખીને મુખ્ય કથાને દર્શકની દ્રષ્ટિ સમક્ષ મૂકી શકાઈ હોત. પરંતુ, દિગ્દર્શકને વાર્તાને એક અલગ બાંધામાં મુકવી હતી. એ દ્વાર પર ત્રણ અજાણ્યા પાત્રોને એકઠા કરે છે; જે પૈકી બે બીજી વાર્તાના પાત્રો છે. સામાન્ય માણસ બે માંથી કોઈ પણ વાર્તાનું પાત્ર નથી, એનું અસ્તિત્વ ફિલ્મનો પડદો જ છે, જેમ દર્શકવર્ગ ફિલ્મના પડદાના માધ્યમથી જોડાય છે તેમ. અને તે બધા જ ત્યાં વનવાટિકામાં બનેલ ઘટના પર પોતાનો ફેસલો સંભળાવવા એકઠા થાય છે, પાત્રો પણ અને દર્શકો પણ. બે પાત્રો પોતાને ચશ્મદિદ ગવાહ કહે છે અને તેમના જ વર્ણનના આધારે આ ચુકાદો નક્કી થઇ રહ્યો છે. આમ, દ્વાર પ્રતિકાત્મક રીતે એક ન્યાયનું સ્થળ બની ગયું છે અને દર્શક ન્યાયાધીશ.

૬.

સૌથી અગત્યનું પાસું છે ફિલ્મ અને વાર્તામાં મળેલ ઘટનાનું વર્ણન અને તેનું વિવિધ પાત્રો દ્વારા થયેલ ઘડતર. લુંટારાના વૃતાંત સિવાય બીજા એક પણ વર્ણનમાં બળાત્કારની વાત નથી આવી. બધા જ વૃતાંતમાં સામુરાઈના મૃત્યુ વિષે વિગતવાર માહિતી છે, ભલે એમાં હત્યા અને આત્મહત્યાનો પ્રશ્ન ઉભો રહે છે. આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે બળાત્કારની ઘટનાની આ વર્ણનોમાંથી બાદબાકી કેમ થઇ? આખી ચર્ચાનો મુદ્દો એટલો જ હતો કે હત્યા કોણે કરી અને કેવી રીતે? જાણે કે એક સ્ત્રીનો બળત્કાર એક સામાન્ય ઘટના હોય, એ કોઈ ગુનો જ ના હોય. હા, બળાત્કારની ઘટના ઘટી એમાં કોઈ જ સંદેહ નથી અને આપણે સહુ જાણીએ છીએ કે ગુનેગાર કોણ છે. પરંતુ, કોર્ટ અને રાશોમોન ગેટ પરની ચર્ચા ફક્ત હત્યા વિષે છે, બળત્કાર વિષે નહિ. એનું એક કારણ એ હોઈ શકે કે બળાત્કાર વિષે વાત કરવી સભ્ય સમાજમાં ખરાબ માનવામાં આવે છે, એ એક ટેબુ (taboo) મુદ્દો છે. અને તેથી જ, જે એક માત્ર વ્યક્તિ એના વિષે વાત કરે છે તે અસામાજિક તત્વ છે. આ મુદ્દો ટેબુ હોઈ તે બાબત સીધેસીધી સમાજમાં સ્ત્રીની પરિસ્થિતિ વિષે આંગળી ચીંધે છે. સામુરાઈની પત્ની પોતે જ કહે છે કે એક સ્ત્રી તરીકે તે નિર્ણય નથી લઇ શકતી, નિર્ણય તો પુરુષોએ લેવો પડશે. એક સ્ત્રી પોતાના મતે પુરુષની પસંદગી પણ નથી કરી શકતી, પોતે પોતાનું બાકી જીવન કોની સાથે વિતાવશે એનો નિર્ણય પણ પુરુષ પર જ છોડવો પડે?

    જયારે સામુરાઈને લુંટારા સાથે લડવા માટે મુક્ત કરવામાં આવ્યો, ત્યારે તેનો જવાબ છે કે એ આ સ્ત્રી કરતા પોતાના ઘોડા માટે લડવાનું વધુ પસંદ કરશે. આમ, એક સ્ત્રીને, પોતાની પત્નીને, એ એક પશુ કરતા પણ હલકી મુલવે છે. એ સામુરાઈ હતો કે જે તેની રક્ષા ન કરી શક્યો, એ ડાકુ હતો કે જેણે તેના પર બળાત્કાર કર્યો, પરંતુ એ સ્ત્રી છે જેને આ બધું જ સહન કરવું પડયું. સ્ત્રીને શારીરિક,માનસિક અને સામાજિક યાતનાઓનો ભોગ બનવું પડ્યું.

    સામુરાઈની મૃત્યુ વિષે તો કોઈ જ સંદેહ નથી, પરંતુ પ્રત્યેક કથાનક મૃત્યુ વિષે કંઇક અલગ જ વાત કરે છે. લુંટારાના વર્ણન પ્રમાણે, સામુરાઈ અને એના વચ્ચે જબરદસ્ત તલવારબાજી થઇ હતી, સામુરાઈ ખુબ સારું લડ્યો પણ, છેવટે તે માર્યો ગયો. સામુરાઈની પત્ની કહે છે કે તેણે સામુરાઈને દોરડાંનાં બંધનમાંથી મુક્ત કર્યો અને તેને પોતાની કટારી આપી કે જેનાથી સામુરાઈ પત્નીની હત્યા કરી શકે અને પછી પત્ની બેશુધ થઇ જાય છે. પરંતુ જયારે તે હોશમાં આવે છે તો તે જ કટારીથી મૃત્યુ પામેલ પોતાના પતિનો મૃતદેહ જુએ છે. તે માને છે કે તેના પતિએ આત્મહત્યા કરી લીધી હોવી જોઈએ. પોતાની વાતમાં સામુરાઈ જણાવે છે કે તેણે આત્મહત્યા કરી હતી પરંતુ તે પેહલા જ તેની પત્ની ત્યાંથી પલાયન થઇ ગઈ હતી. ગુનામાં સંકળાયેલ એવા ત્રણેય પક્ષો ગુના વિષે અલગ-અલગ વાત કરે છે. સામુરાઈની હત્યા થઇ હોય કે એણે આત્મહત્યા કરી હોય, પરંતુ બંને સંજોગોમાં પત્ની ઉશ્કેરણી કરનાર છે, અને આ દ્રષ્ટીએ એ મુખ્ય દોષી બને છે.

    સૌ પ્રથમ આપણે બંને પુરુષ પાત્રોને જોઈએ. સામુરાઈના મૃત્યુ વિષે લુંટારા અને સામુરાઈના કથનમાં વિરોધાભાસ છે. લુંટારો કહી શકતો હતો કે સામુરાઈએ આત્મહત્યા કરી લીધી. આમ, કહી એ સખત સજામાંથી બચી શકતો હતો. પરંતુ તેણે એમ ન કર્યું, એ એક વિચારવા જેવી બાબત છે. તાજોમારું લુંટારો ફિલ્મનું એક માત્ર પાત્ર છે કે જેનું પોતાનું નામ છે, આમ, એ લુંટારો તો છે પણ સામાન્ય નહિ, બીજા લુંટારાઓ કરતા અલગ એની એક આગવી ઓળખ છે. વર્ષો સુધી એણે પોતાની એક કુખ્યાત લુંટારા તરીકેની ઓળખ આખા વિસ્તારમાં જાળવી રાખી. જો લોકોને એમ ખબર પડે કે તેણે એક મહાન તલવારબાજ એવા સામુરાઈને તલવારબાજીમાં મોતને ઘાટ ઉતાર્યો છે તો તેની સિદ્ધિ કેહવાય. આ સમાચાર તેને એક મજબુત તલવારબાજ કે જે સામુરાઈને પણ હરાવી શકે એવા વ્યક્તિત્વ સાથે લોકો સામે મુકે. સામાન્ય રીતે, વ્યક્તિ એવી વાત મુકે કે જેથી તેના અને સામેવાળી વ્યક્તિના સામાજિક મોભાને કોઈ નુકશાન ન થાય, જો નુકશાન થતું હોય તો એને, pragmaticsની ભાષામાં, face-threatning acts કહેવાય6. આમ, આ રીતે સામુરાઈના મૃત્યુની જવાબદારી લઇને તેણે પોતાની એક લુંટારા તરીકેની સામાજિક-ઓળખને મજબુત કરી. એની સાથો-સાથ એણે પોતાના હરીફ, સામુરાઈની ઓળખને હલકી બનાવી. અહિ, સામુરાઈ એવા બે કર્યો કરે છે કે જેનાથી તેની સામુરાઈ તરીકેની ઓળખને કલંક લાગે છે: પહેલું, જે સામુરાઈ રાજા-રજવાડાની રક્ષા કરવાની તાલીમ લિધેલ છે, તે પોતાનાં ઘર એટલે કી પત્નીની રક્ષા કરી શકતો નથી; અને બીજું, એની આખો સમક્ષ આટલી શરમજનક ઘટના ઘટ્યા છતાં પણ એ પોતાની પત્ની અને લુંટારાની દયા પર જીવવા અને લડવા તેય્યાર છે. સામુરાઈની પત્નીની વિનંતી પર લુંટારો સામુરાઈને છોડે છે. આમ, પોતે ન કરેલ હોય એવા ગુનાનો સ્વીકાર કરી તાજોમારું પોતાની જાતને સામુરાઈ કરતા વધુ બળવાન બનાવી દે છે. 

    બીજી તરફ, સામુરાઈની આત્મહત્યાની કબુલાતથી લુંટારા અને સામુરાઈની પત્નીની સામાજિક છબીને નુકશાન થાય છે. એની આત્મહત્યા એ વાતનો પુરાવો છે કે લુંટારાએ એની સાથે લડાઈ નહોતી કરી, બલકે એ તો ત્યાંથી ભાગી ગયો હતો, જે એ વાતનો સંકેત કરે છે કે તાજોમારું કપટી અને ડરપોક હતો. પરંતુ, આ કબુલાત પત્ની માટે વધુ ઘાતક હતી. એ ફક્ત એક પત્ની ન હતી, એક સામુરાઈની પત્ની હતી. તેને સામુરાઈની પરંપરા પ્રમાણે એક કટારી આપવમાં આવી હતી. તેને એ કટારી કઈ રીતે પોતાની જાત પર ચલાવવી એનું પ્રશિક્ષણ આપવામાં આવેલ હતું. કોઈ પરિસ્થિતિમાં જો તેનું ગૌરવ કે ઈજ્જત ખતરામાં હોય તો આ કટારીના સાચા ઉપયોગથી એ પોતાનો જીવ લઇ પોતાની આબરૂ બચાવે એ સામુરાઈ પરંપરા પ્રમાણે ઉચિત હતું. પરંતુ આ સ્ત્રીએ પોતાની કટારી છોડી દીધી અને પોતે ડાકુના તાબે થઇ. ફિલ્મમાં આ દ્રશ્ય રૂપકાત્મક ઢબે બતાવાયું છે. જયારે લુંટારો તેની આબરૂ હણવાનો પ્રયાસ કરતો હતો, તો પેહલા તેનો વિરોધ કર્યો, પણ જયારે લુંટારો તેને બળજબરી પૂર્વક ચુંબન આપે છે ત્યારે તેના હાથમાંથી કટારી પડતી બતાવાઈ છે, જે તેની શરણાગતીનું સુચક છે. સામુરાઈ આત્મહત્યા માટે કટારીનો ઉપયોગ કરે છે, તલવારનો નહિ; એ સત્યનું સૂચક છે કે સામુરાઈ એ કરી રહ્યો છે જે એની પત્નીએ કરવું જોઈતું હતું પરંતુ તે નિષ્ફળ રહી. આમ, સામુરાઈનું આ કૃત્ય તેની પત્નીને લુંટારા કરતા પણ મોટી ગુનેગાર બનાવી દે છે.

૭.

આગળ વાત થઇ તેમ, બધા જ પાત્રોના નામ જાતિવાચક છે, વ્યક્તિ-વાચક નહિ. બીજા શબ્દોમાં કહીએ તો આ પાત્રો પોતાના સમુદાયની મેટોનીમ (metonym) તરીકે રજુ થયા છે, ઉદાહરણ તરીકે, સામુરાઈનું પાત્ર આખા સામુરાઈ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એમની પોતાની કોઈ આગવી ઓળખ નથી. સામુરાઈની પત્ની પણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તે એક સામુરાઈની પત્ની તરીકેનું વર્તન કરવામાં નિષ્ફળ રહે છે. અને તેથી જ સામુરાઈ તેનો સ્વીકાર કરતો નથી અને પોતાની આત્મહત્યા માટે તેને જ જવાબદાર ઠેરવે છે. પત્નીનું વર્તન નક્કી કરાયેલ સામાજિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે.

    તલવાર અને કટારી પુરુષ અને સ્ત્રીના રૂપક છે. અને તેમાં પણ તલવાર લુટારા સાથે સંકળાયેલ છે જયારે કટારી સામુરાઈની પત્ની સાથે. બે કથનમાં સામુરાઈનું મૃત્યુ કટારીથી થાય છે અને તેથી તેનું મૃત્યુ સ્ત્રેણ લક્ષણો સાથે સંકળાય છે, અને તેથી જ તેની આત્માના માધ્યમ તરીકે પણ એક સ્ત્રી છે. સ્થળ-નિર્ધારણ પણ પ્રતીકાત્મ છે. વન-વાટિકા એવી જગ્યા છે જ્યાં જનસંસ્કૃતિ (civilization) નથી, જયારે કોર્ટ એક સુસંસ્કૃત સમાજનું ચિન્હ છે પરંતુ રાશોમોન ગેટ એ બંનેનું મિશ્રણ છે. કોર્ટની જેમ ત્યાં પણ મૂલ્યાંકન અને ચુકાદા અપાય છે તો જંગલની જેમ ત્યાં કાયદા પણ તોડાય છે. કેટલાક આલોચકોએ આ આખી ઘટનાને બાઈબલ સાથે સરખાવી છે. વન-વાટિકા એ સ્વર્ગ છે જ્યાં આદમ અને ઈવ રેહતા હતા; અહી સામુરાઈ અને તેની પત્ની આદમ અને ઈવના પ્રતિક છે. લુટારો એ શેતાન છે. કોર્ટ એ ઈવના કાર્ય પર ભગવાન સામેની પેશી છે, અને ધોધમાર વરસાદ એ સ્વર્ગને સ્વચ્છ કરતું રૂપક છે. ફિલ્મમાં આ પાત્રો પડદાના માધ્યમથી પ્રેક્ષકો સમક્ષ હાજર થયા છે અને ફિલ્મ મતે દર્શક જ ભગવાન છે.

 ૮.

કોઈ પણ અનુભવ કે દ્રષ્ટિકોણ રજુ કરવા માટેનું એક માત્ર માધ્યમ છે ભાષાઅને આ ભાષા એક સામાજિક રચના છે. ‘ભાષા’ શબ્દ અહી વ્યાપક અર્થમાં લેવોજે દ્રશ્ય અને શ્રાવ્ય બંને પ્રકારના સંકેતોનો સમાવેશ કરે છે. વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ભાષા તટસ્થ નથીતો પછી એના દ્વારા “રજૂઆત” પામેલ અનુભવો અને દ્રષ્ટિકોણ કઈ રીતે તટસ્થ હોય“રાશોમોન” ફિલ્મ એક સાથે ઘણા બધા મુદ્દા આપણી સમક્ષ મુકે છે. સહુથી મહત્વની વાત છે, “સત્ય”ની પ્રકૃતિ. દરેક વ્યક્તિની પોતાની એક આવૃત્તિ છે, જે તેની માનસિક અને સામાજિક પરિસ્થિતિ પર આધારિત છે. લુંટારાનું એક સત્ય છે, જયારે સામુરાઈનું બીજું એક સત્ય છે. દરેકનું સત્ય સ્વાર્થથી રંગાયેલું છે. કઠિયારાનું છેલ્લું કથન પણ આવા જ કોઈ સ્વાર્થથી સંચાલિત હોય, કદાચ એણે જ પેલી કિમતી કટારી ચોરી હોય. ફિલ્મ આપણી સાંભળી-જોઈને સમજવાની શક્તિ અને સામેવળી વ્યક્તિ પર વિશ્વાસ મુકવાની આપણી વૃત્તિ સામે પ્રશ્નાર્થ મુકે છે.

 End Notes:

1. Rashomon (1950) Di. Akira Kurosawa. Language: Japanese. Length: 88 minutes.

2. રયુંનોસુકે અકુતાગાવા (Ryunosuke Akutagawa) જાપાનીઝ ટૂંકી વાર્તાના પિતા કહેવામાં આવે છે અને તેમના નામ પર સાહિત્યનો પુરષ્કાર, ‘અકુતાગાવા પારિતોષિક’ પણ અપાય છે. તેમણે ૩૫ વર્ષની વયે આત્મહત્યા કરી લીધી હતી.

3. “રાશોમોન” વાર્તા ૧૯૧૫માં જાપાનીઝમાં પ્રકાશિત થઇ હતી. અહી, તેના અંગ્રેજી ભાષાંતરનો આધાર લેવાયો છે. આ ભાષાંતર રેને માલેન્ફંટ (Rene Malenfant) દ્વારા થયું છે, અને http://sites.google.com/site/renemalenfant/rashomon પર ઉપલબ્ધ છે.

4. “ઇન અ ગ્રુવ” વાર્તા ૧૯૨૨માં જાપાનીઝમાં પ્રકાશિત થઇ હતી. અહી, તેના અંગ્રેજી ભાષાંતરનો આધાર લેવાયો છે. આ ભાષાંતર તકાશી કોજીમા (Takashi Kojima) દ્વારા થયું છે, અને http://www.scribd.com/doc/3682435/In-a-Grove-byRyunosuke-Akutagawa પર ઉપલબ્ધ છે.

5. Berger, Peter L. & Luckman, Thomas (1966) Social Construction of Reality: A Treatise on Sociology of Knowledge. London: Penguin Books.

6. Brown, Penelope and Levinson, Stephen C. (1987) Politeness: Some universals in language usage. Cambridge: Cambridge University Press.


Published with modifications in Shabdashrusti (Issue 6, Continuous Issue 429) June 2019: 60-69. [2319-3220]

Comments