ગુજરાતી ફિલ્મો : ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ના સંદર્ભે

 

આમ જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જૂની છે અને કેટલાય મહત્વના કલાકારો અને ફિલ્મો આપી ચૂકી છે. પરંતુ આજેય એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ પાછળ દેખાય છે. અહીં, હું ત્રણ ગુજરાતી ફિલ્મો ‘ભવની ભવાઈ, ‘કંકુ અને ‘ધાડ વિશે વાત કરીશ, અને ગુજરાતી ફિલ્મોનાં પટ પર તેમનાં મહત્વ વિશે વાત કરવાનો નાનકડો પ્રયાસ કરીશ.


ભવની ભવાઈ (૧૯૮૦)

કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ભવની ભવાઈ ૧૯૮૦માં પ્રદર્શિત થઈ હતી જે ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી, અને જાતિવાદના મુદ્દા વિશે ખૂબ જ રસપ્રદ રીતે વાત કરે છે. આ ફિલ્મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. મારા માટે ફિલ્મનું સહુથી મહત્વનું દૃશ્ય શરૂઆતની ૬ સેકન્ડ્સમાં જ જોવા મળે છે; એ કહે છે, અસાઈત ઠાકોર અને બેર્તોલ બ્રેખ્તને સમર્પિત. આ એક ફ્રેમ ફિલ્મને ગુજરાતી અને વૈશ્વિક નાટ્યપરંપરા સાથે જોડી આપે છે.


‘ભવની ભવાઈ’ (દિ. મહેતા, ૧૯૮૦)

      ફિલ્મ પોતાની વાત કહેવામાં ભવાઈ નાટ્યપરંપરાનો ઉપયોગ કરે છે, અને એક નવી જ નેરેટીવ પદ્ધતિ વિશ્વ સમક્ષ મૂકે છે. ભવાઈ નાટ્યપરંપરાનો જન્મ અસાઈત ઠાકોરના નામે લખાય છે. તો બીજી તરફ બ્રેખ્તીઅન થિએટર, જે પ્રસંગને નવીન અને અજાણ્યું બનાવીને રજૂ કરવા પર ભાર મૂકે છે. તે લખે છે, "stripping the event of its self-evident, familiar, obvious quality and creating a sense of astonishment and curiosity about them." (quoted in Brooker 1994, 191) અહીં, જાતિવાદની આખી વાત વાર્તામાં વાર્તાના માધ્યમથી રજૂ થઈ છે, જેમાં દલિત સમાજની દયનીય સ્થિતિથી લઈ રાજાશાહી પર થતો કટાક્ષ ખૂબ સિફ્તપૂર્વક વણાયો છે. પરંતુ, અંતના દૃશ્યમાં આપણે અંગ્રેજો સામે લડતા સ્વાતંત્ર્યસેનાનીઓ પણ જોઈ શકીએ છીએ. જે ફિલ્મને રાજા અને રૈયતના દૃષ્ટિકોણથી નહિ, પરંતુ જુલ્મ કરનાર અને જુલ્મ સહેનારના સંદર્ભમાં ફિલ્મને જોવા માટે પ્રેરે છે. એની સાથોસાથ ફિલ્મ એક સાથે વાર્તાના બે અલગ-અલગ અંત પણ બતાવે છે: એક છે આદર્શ, “ખાધું-પીધું અને રાજ કર્યું” વાળો અંત, જયારે બીજો છે વાસ્તવિક, જ્યાં એક ઘટના આખી ક્રાંતિને, એક જન-આંદોલનને, જન્મ આપે છે. અસાઇત ઠાકોર અને બ્રેખ્ત, બંનેએ પોતાની કળા સાધનાથી સમાજની રૂઢિઓને પડકારી હતી. બ્રેખ્તિયન થિએટરના સિદ્ધાંતોને સિનેમા માટે પણ વિસ્તૃત કરવામાં આવ્યા. રોબર્ટ સ્તામ (૨૦૦૦) એના વિશે વિસ્તૃત ચર્ચા કરે છે, અને એ સિદ્ધાંતો આ ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે વણી લેવાયા છે. પહેલો મુદ્દો છે કે અહીં પ્રેક્ષકોને નિષ્ક્રિય નથી રાખવા, અને તેથી જ સિનેમાની ‘fourth wall’ને તોડી નાખવી છે.


ભવાઈની રજૂઆત (ભવની ભવાઈ, દિ. મહેતા, ૧૯૮૦)


(દિ. મહેતા ૧૯૮૦)




(દિ. મહેતા, ૧૯૮૦)

અહીં, પ્રેક્ષકોની ઈચ્છાઓ સંતોષવા માટે નહીં પરંતુ તેને એક નવી દિશા પૂરી પાડવા માટે કામ થાય છે.  સિનેમા ફક્ત મનોરંજનનું માધ્યમ ન રહેતાં, પરિવર્તનનું માધ્યમ બને છે. આમ, આ ફિલ્મ એક નવો જ અધ્યાય લઈને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશે છે.


૧૯૮૦ પહેલાં ગુજરાતી ફિલ્મ

સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ, ૧૯૩૨માં આવી હતી. પૂર્ણ કક્ષાનું ગુજરાતી ચલચિત્ર (ટોકી – Talkie) એપ્રિલ ૧૯૩૨માં નરસિંહ મહેતા, દિગ્દર્શક નાનુભાઈ વકીલ દ્વારા રજૂ થયું હતું. ત્યાર પહેલાં બે ગુજરાતી ટૂંકી ફિલ્મો રજૂ થઈ હતી. ૧૯૩૨થી ૧૯૪૭ વચ્ચે માત્ર ૧૨ ગુજરાતી ચલચિત્રો પ્રદર્શિત થયાં હતાં. પરંતુ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ અચાનક ગુજરાતી ફિલ્મોમાં ઉછાળ આવ્યો. (Gangar 2013). ૧૯૪૮માં જ ૨૬ ચલચિત્રોનું નિર્માણ થયું. અહીં મોટાભાગની ફિલ્મો ઐતિહાસિક અથવા માયથોલોઝિકલ પાત્રો પર આધારિત હતી, અથવા તો કૌટુંબિક કથાવસ્તુની વાત કરતી. કેટલીક ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પર પણ આધારિત હતી. ૧૯૫૧થી ૧૯૭૦ના સમયગાળામાં ગુજરાતી ચલચિત્ર નિર્માણમાં ઘટાડો જોવા મળ્યો. મુંબઈ રાજ્યના ભાષાકીય દૃષ્ટિકોણથી થયેલ ભાગલામાં, ચલચિત્ર નિર્માણનું ગઢ ગણાતું મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં જતું રહેવાના કારણે આવું બન્યું હોય એ શક્ય છે, કારણ કે તે સમયે ગુજરાતમાં કોઈ મોટો ફિલ્મ સ્ટુડીઓ અસ્તિત્વ ધરાવતો ન હતો. ૧૯૭૦ના દાયકામાં ગુજરાત સરકારે ગુજરાતી ચલચિત્ર નિર્માણ માટે આર્થિક સહાય તેમજ કરવેરામાં છૂટછાટ આપવી શરુ કરી. આ નીતિઓને કારણે સિનેજગતમાં આર્થિક લાભ મેળવવા માટે એવા લોકોએ ભાગ લેવાનું શરુ કર્યું જેમને તકનિકી જાણકારીનો અને કલાકારીની કળાનું કોઈ જ્ઞાન નહોતું અને તેને કારણે ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તામાં ઘટાડો થયો. ૧૯૮૦માં આ સહાયમાં ૭૦% જેટલો ઘટાડો કરવામાં આવ્યો.

      કેટલાક આપવાદને બાદ કરતાં, મોટાભાગની ફિલ્મો ડાકુઓ અને દેવી-દેવતાઓને કેન્દ્રમાં રાખીને બનતી જે મુખ્યત્વે ગામડાના દર્શક-વર્ગને આકર્ષતી. આવા સમયમાં ભવની ભવાઈ ફિલ્મ આવી જે ના ફક્ત નવું વિષય-વસ્તુ લાવી, પરંતુ સાથો-સાથ એક ટેકનીકલી સજ્જ એવો નિર્દેશક, હિન્દી સિનેમામાં કાર્યરત એવા કલાકારો પણ લાવ્યો. ફિલ્મ ગામડાની જ વાત કરતી, પણ અહીં, ડાકુ, જમીનદાર અને બદલો જેવા ચવાયેલા મુદ્દા ન હતાં. ફિલ્મ એક સાચો અને જરૂરી મુદ્દો – જાતિવાદ – ની વાત કરતી હતી, અને રાજાશાહી પર એક આકરો રાજનૈતિક કટાક્ષ પણ.


કંકુ (૧૯૬૯)

કાંતિલાલ રાઠોડ દ્વારા દિગ્દર્શિત અને પન્નાલાલ પટેલની વાર્તા અને લેખન પર આધારિત ૧૯૬૯ની ફિલ્મ કંકુ ગુજરાતી સિનેમામાં એક આગવું મહત્વ ધરાવે છે. અહીં, હું અમૃત ગંગર (૨૦૧૪, ૧૩૭) ના વિચાર, “કંકુ ફિલ્મકૃતિ પથેર પાંચાલી (સત્યજિત રે, ૧૯૫૫)ના ઘરાણાની લાગે છે.” વધુમાં ઉમેરીશ કે જો આ ફિલ્મને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે વધુ ગંભીરતાથી લીધી હોત તો આજે ગુજરાતી સિનેમા અલગ સ્તર પર ઊભું હોત. આ ફિલ્મ પણ સાહિત્યકૃતિ આધારિત છે અને ફિલ્મના દિગ્દર્શક પણ ફિલ્મ નિર્માણની ટેકનીકલ તાલીમથી સજ્જ હતા. વળી, કાંતિલાલ રાઠોડ, કેતન મહેતાની જેમ, હિન્દી ફિલ્મો બનાવવા તરફ વળ્યા હતા. કાંતિલાલ રાઠોડે કેટલીક હિન્દી ફિલ્મો બનાવી, સાથે જ ઘણી શોર્ટ-ફિલ્મો અને ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ આપી.

      કંકુ ફિલ્મ એક આધુનિક વિચારો ધરાવતી હિંમતવાન સ્ત્રીની કથા છે. ફિલ્મની શરુઆતમાં જ તે લગ્ન કરી નવા ગામમાં, પોતાના સાસરામાં, પ્રવેશે છે. ત્યાં એકઠી થયેલ સ્ત્રીઓ તેના ગોરા વર્ણ અને ખૂબસુરતીની વાત કરે છે, પરંતુ એનું ખરું વ્યક્તિત્વ તો જયારે બારણું રોકીને ઊભેલી બહેનને આપવા માટે એ પોતાના હાથનું ગરેણું કાઢીને આપે છે ત્યારે જ છતું થઈ જાય છે. અહીં જ પ્રેક્ષકગણને કહી દેવામાં આવ્યું છે કે આ સ્ત્રીને પોતાનું અસ્તિત્વ ટકાવવા કોઈ પુરુષના સહારાની જરૂર નથી, તે પોતાના નિર્ણય પોતાની જાતે લઈ શકે છે, અને પોતાની મેળે પોતાના સંબંધો બનાવી અને સાચવી શકે છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તે પોતાના પતિની ઉપેક્ષા કરશે; એ પોતાનો સુખી સંસાર ઉભો કરે છે, દરેક બાબતમાં પતિની પડખે છે. પરંતુ, પતિનું ગામની રક્ષા કરતા દુઃખદ અવસાન થાય છે. તે પોતાના છોકરાની જવાબદારી એકલી ઉપાડે છે અને સગાં-સંબંધી અને ગામ લોકોના લાખ પ્રયત્નો છતાંય બીજું લગ્ન નથી કરતી. જુવાન છોકરાનાં લગ્ન સમયે ગામના શેઠ મલકચંદ સાથે ખોટું પગલું ભરી બેસે છે, અને ગર્ભવતી થઈ જાય છે. આ એક ખોટું પગલું તેની બાળકને મોટું કરવાની વર્ષોની તપસ્યાને ધોઈ નાખે છે.

      ફિલ્મમાં ખૂમા, કંકુના પતિનું મૃત્યુનું દૃશ્ય ખાસ છે. ફિલ્મનો આ એક ટર્નીંગ પોઈન્ટ છે, વત્તા ખૂમાનું મૃત્યુ પાણીથી ગામને બચાવવામાં થાય છે. આમ જોઈએ તો ખૂમાએ ગામ માટે શહીદી વહોરી છે. પરંતુ, તે સમયે આપણા હાલના કોમ્પ્યુટર ગ્રાફિક્સ ન હતાં, વળી, બજેટની પણ સમસ્યા. તો આવું કપરું દૃશ્ય કઈ રીતે ફિલ્માવાય? અહીં, દિગ્દર્શકની ગ્રાફિક અને એનિમેશન કલા નજરે પડે છે. આ સિક્વન્સ માટે દિગ્દર્શક કેટલાક સ્ટીલ-ફોટોગ્રાફનો ઉપયોગ કરે છે અને તેના પર ગામના લોકોના સંવાદ સંભળાય છે. આ એક દૃશ્ય ફિલ્મકારની શક્તિઓને છતી કરે છે. કથાનું, ગામનું, કંકુનું જીવન આ એક તોફાનથી




(દિ. રાઠોડ, ૧૯૬૯)

બિલકુલ બદલાઈ ગયું. કંકુ માટે તો જેમ અહીં ફ્રેમ સ્થગિત થઈ છે તેમ જીવન સ્થગિત થઈ ગયું, પરંતુ તે પોતાના જીવનને એક નવો આકાર આપે છે, પોતાના દીકરા માટે. ફિલ્મ એક નારી સંવેદનાની સાથોસાથ વિધવા વિવાહ, સિંગલ પેરેન્ટિંગ, લગ્નેતર સંબંધ, સ્ત્રીની આર્થિક સ્વતન્ત્રતા, બાળકના પિતાનું નામ, વગેરે જેવા મહત્વના, પરંતુ તે સમયના ટેબુ જ્ઞાતા પ્રશ્નો ઉઠાવે છે.


ભવની ભવાઈ પછી

૧૯૮૦ના દાયકામાં પણ ગુજરાતી ફિલ્મો લગભગ પહેલાનાં જેવી જ રહી. વ્યક્તિકેન્દ્રિત ફિલ્મો, સૌરાષ્ટ્રનો સિંહ – છેલભાઈ (૧૯૮૦), જીવી રબારણ (૧૯૮૦), સોરઠની પદ્મિની (૧૯૮૦), અમર દેવીદાસ (૧૯૮૧), મેહુલો લુહાર (૧૯૮૧), શેઠ જઘડુસા (૧૯૮૧), સંત રોહીદાસ (૧૯૮૨), નાગમતી નાગવાળો (૧૯૮૪), પર્સી (૧૯૮૯), બનતી રહી, જેમાં કેટલાંક કાલ્પનિક પાત્રો હતાં તો કેટલાક ઐતિહાસિક અથવા માયથોલોઝિકલ. તદુપરાંત, સામાજિક ડ્રામા અને પ્રેમકથાઓ તો ખરી જ: લોહીની સગાઈ (૧૯૮૦), જોગ સંજોગ (૧૯૮૦), કોઈનો લાડકવાયો (૧૯૮૦), જાગ્યા ત્યારથી સવાર (૧૯૮૧), ભવ ભવના ભેરું (૧૯૮૧), વાંસળી વાગી વાલમની (૧૯૮૧), માં વિના સુનો સંસાર (૧૯૮૨), પારકી થાપણ (૧૯૮૨), ઢોલામારુ (૧૯૮૩). ઢોલામારુ અને પારકી થાપણ ઘણી સફળ પણ રહી હતી. પર્સી ફિલ્મ એક પારસી સમાજ પરની કોમેડી ફિલ્મ હતી, જેને ૧૯૮૯ની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળ્યો હતો.

      ૧૯૯૦ના દાયકાની આર્થિક ઉદારીકરણની નીતિનો ગુજરાતી ફિલ્મો પર બહુ ઝાઝો પ્રભાવ ન દેખાયો. આ ગાળા દરમિયાન હું, હુંશી, હુંશીલાલ (૧૯૯૨), માનવીની ભવાઈ (૧૯૯૩), છૂટાછેડા (૧૯૯૬), ઊંચી મેડીના ઊંચા મોલ (૧૯૯૭), દેશ રે જોયા દાદા પરદેશ જોયા (૧૯૯૮), દરિયા છોરું (૧૯૯૯) જેવી ફિલ્મો ખૂબ સફળ રહી હતી. હું, હુંશી, હુંશીલાલ, છૂટાછેડા, અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી ફિલ્મો આધુનિક મધ્યમ વર્ગના દર્શકોને ધ્યાનમાં લઈને બનાવાઈ હતી. પરંતુ, ૨૦૦૦નો દાયકો એક મહત્વપૂર્ણ વળાંક લઈ ને આવ્યો, અને ગુજરાતી ફિલ્મના શીર્ષકમાં અંગ્રેજી શબ્દો પણ પ્રવેશ્યા, જે એ વાતની ગવાહી હતી કે હવે ગુજરાતી ફિલ્મો ફક્ત ગામડા માટે જ નહિ પરંતુ ભણેલા, આધુનિક, મધ્યમવર્ગ માટે પણ બનવા લાગી છે. ધૂળકી તારી માયા લાગી (૨૦૦૩), લવ ઇઝ બ્લાઈન્ડ (૨૦૦૫), મુરતિયો નં. ૧ (૨૦૦૫), વનેચંદનો વરઘોડો (૨૦૦૭), બેટર હાફ (૨૦૦૮) જેવી ફિલ્મોનું આવવું એ એક નોંધપાત્ર બદલાવ હતો. આ બદલાવનો શ્રેય મલ્ટીપ્લેક્સ કલ્ચરને જાય છે. ધૂળકી તારી માયા લાગી ફિલ્મ રાઠવા સમાજ વિશે હતી અને તે રાજપીપળા, છોટાઉદેપુર, બોડેલી, નસવાડી જેવા વિસ્તાર કે જે આદિવાસી વસ્તીથી ઘેરાયેલા છે ત્યાં ખૂબ જ સફળ નીવડી હતી (વધુ માહિતી માટે જુઓ, ખત્રી ૨૦૧૨). આ ફિલ્મે આદિવાસી સમાજના યુવાનો પર એક દુજે કે લિયે (૧૯૮૧) ફિલ્મ જેવો પ્રભાવ પાડ્યો હતો. ૨૦૧૦નો દાયકો “અર્બન વેવ” લઇને આવ્યો. વધુને વધુ ફિલ્મો શહેરી મુદ્દાઓ અને પાત્રોને લઈને આવવા લાગી. ફિલ્મોનાં કથાવસ્તુમાં કોલેજ અને કોર્પોરેટ પણ આવ્યાં. કેવી રીતે જઈશ? (૨૦૧૨), ધ ગુડ રોડ (૨૦૧૩), બે યાર (૨૦૧૪), ગુજ્જુભાઈ ધ ગ્રેટ (૨૦૧૫), છેલ્લો દિવસ (૨૦૧૫), રોંગ સાઈડ રાજુ (૨૦૧૬), કરસનદાસ પે એન્ડ યુઝ (૨૦૧૭), લવની ભવાઈ (૨૦૧૭), ધાડ (૨૦૧૮), ગુજ્જુભાઈ – મોસ્ટ વોન્ટેડ (૨૦૧૮), રેવા (૨૦૧૮), (૨૦૧૮), ચાલ જીવી લઈએ (૨૦૧૯), હેલ્લારો (૨૦૧૯), શોર્ટ-સર્કીટ (૨૦૧૯), રઘુ સીએનજી (૨૦૧૯), વગેરે ફિલ્મો આ દાયકામાં આવી અને ઘણી ફિલ્મોએ ના ફક્ત બોક્ષ-ઓફીસ પર, પરંતુ વિવેચકો, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ-ફેસ્ટીવલ પણ શોભાવ્યા.


ધાડ (દિ. નાયક, ૨૦૧૮)

ઉપરોક્ત મોટાભાગની છેલ્લા દાયકાની ફિલ્મો શહેરી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખી બની છે. પરંતુ તે ફક્ત શહેરલક્ષી કથાવસ્તુ લઈને નથી આવતી. ગામડાંઓને અને ગુજરાતના મોટાં શહેરોથી દૂર-દૂરના નાનાં-નાનાં ગામડાંઓની સમસ્યાઓને પણ ઉજાગર કરે છે. ધાડ અને હેલ્લારો બંને ફિલ્મો કચ્છનું વિષયવસ્તુ લઈને આવે છે. પરેશ નાયક દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ધાડ જયંત ખત્રીની ટૂંકી વાર્તા પર આધારિત છે, જે કચ્છી નાયક ઘેલાના જીવનની વાત લઈને આવે છે. પરંતુ આ જીવન એક બહારના માણસ, પ્રાણજીવનના દૃષ્ટિકોણથી બતાવ્યું છે. રાવજી સોંદરવાની સિનેમેટોગ્રાફી ખરેખર માણવા યોગ્ય છે, જે કચ્છની ભૂમિના બધા જ રંગોને છતા કરે છે. કે. કે. મેનન, નંદિતા દાસ, રઘુવીર યાદવ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારોએ સ્મરણીય અભિનય આપ્યો છે.

      શાહ (૨૦૧૮) ફિલ્મના પ્રતીકો વિશે લખતાં જણાવે છે,

“મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર કરે છે. જેને લીધે ફિલ્મમાં ઘેલો કચ્છની ધરતી-સંસ્કૃતિનાં પ્રતીકરૂપે સ્પષ્ટપણે ઉપસી આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘેલો કચ્છની ધરતી જેવો જ મોહક, ક્રૂર ને નપાણિયો છે. ને બીજી તરફ દાજી શેઠનું પાત્ર આધુનિક અર્થવ્યવસ્થાનાં પ્રતિનિધિરૂપ છે. શોષણખોર, રંગહીન પરંતુ ફળદ્રુપ. પોતાનો વંશવેલો આગળ ધપાવી શકનાર. ફિલ્મના અંતે ઘેલાને દાજી શેઠની સગર્ભા દીકરીના પેટને જોઈને થતો પક્ષાઘાતનો હુમલો - એ ખરેખર તો આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા સામે થતી કચ્છી ધરતીની હાર છે.”

બીજી તરફ મહેશ્વરી (૨૦૨૦) ફિલ્મને ‘ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ” કહે છે. રૂપાંતરની પ્રક્રિયાને કેન્દ્રમાં રાખી તરુણ બેન્કરે (૨૦૨૦: ૧૩૦-૧૫૦) સુદીર્ઘ લેખ કર્યો છે. હું અહીં ફિલ્મ વિશે જ વાત કરીશ. અગાઉની બે ફિલ્મો: કંકુ અને ભવની ભવાઈ, ગુજરાતી સમાજના કેટલાક ચોક્કસ ભાગ વિશે વાત કરે છે. ગામડાના લોકો, અભણ, અલગ-અલગ જાતિ તેમજ આર્થિક વર્ગના લોકો બંને ફિલ્મોમાં દર્શાવાયા છે તેમ છતાં ભાષાકીય દૃષ્ટિએ, તેમની બોલીમાં કોઈ વધારે તફાવત જોવા મળ્યો ન હતો. જયારે, ધાડ ફિલ્મના ડાયલોગમાં કચ્છી ગુજરાતીની છાંટ દેખાય છે, તે પરિવેશને વધુ પ્રમાણિકતા બક્ષે છે. (ધૂળકી તારી માયા લાગી અને હેલ્લારો ફિલ્મો આ કારણે જ વધુ સફળ બની.) પશ્ચાદભૂમાં વાગતાં લોકગીતો ઘણાં માટે સમજવા અઘરાં થતાં. આપણી હિન્દી ફિલ્મો પણ આ પ્રમાણભૂતતામાં કાચી પડે છે (cf. Khatri, 2020).

      અહીં, આખી ફિલ્મ પ્રાણજીવનના દૃષ્ટિકોણથી બતાવાઈ છે, શરૂઆતમાં જ ઘેલાની સળગતી ચિતા દેખાય છે, અને પ્રાણજીવનને ઘેલાના શબ્દો યાદ આવે છે. આખી કથા કચ્છ અને ત્યાંના લોકોના સંઘર્ષની છે, પરંતુ એ એક બહારના વ્યક્તિ, પરદેશીના માધ્યમથી આપણી સમક્ષ મૂકાય છે, આપણે આખું ગામ એની આંખોથી જોઈએ છીએ. જે બધું જ ત્યાંના લોકો માટે સામાન્ય થઈ ગયું હતું, એની સામે પ્રાણજીવન પ્રશ્નાર્થની દૃષ્ટિથી જુએ છે અને બીજા પણ એ રીતે જ જુએ એવી અપેક્ષા સેવે છે. આ પ્રાણજીવન એ બીજું કોઈ નહિ, થિએટરમાં ફિલ્મ જોવા આવેલ પ્રેક્ષક : એને ફિલ્મમાં નાયક જોવો છે, નાયિકા જોવી છે, અને દરેક સમસ્યાઓનો સુખદ અંત જોવો છે. એક પ્રેક્ષક પણ પ્રાણજીવનની જેમ ફિલ્મ-કથામાં પ્રવેશે છે, એને મન ઘેલો એક નાયક છે. પરંતુ, કથા જેમ-જેમ આગળ વધે છે, એમ ખ્યાલ આવે છે કે ઘેલો નાયક નથી, બધા જ ગુણ-અવગુણથી ભરેલો સામાન્ય માણસ છે, જેનો સંપૂર્ણ સંઘર્ષ એ અસ્તિત્વનો છે અને પ્રેક્ષક એ લડતનો સાક્ષી બને છે. એ સંઘર્ષ રોજના દાલ-રોટલા રળવાથી લઈ સંતાન-પ્રાપ્તિની ઈચ્છા સુધી ફેલાયેલો છે, ઘેલાનો ગુસ્સો અને સ્વભાવ એ એની ઓળખ છે, જે લોકો – પ્રેક્ષકો યાદ રાખશે, આમ, પરોક્ષ રીતે તે અસ્તિત્વમાં રહેશે. પ્રાણજીવન આખા ગામમાં ફરે છે, બધાને મળે છે, ઘેલાની આગલી પત્નીઓને પણ મળે છે, ભાગી જવાનો મોકો હોવા છતાં ધાડમાં જોડાય છે, કારણ કે પ્રેક્ષકો પણ એ ધાડના સાક્ષી બનવા આવ્યા છે. પ્રાણજીવન મોંઘીને તો ત્યાં સુધી કહે છે, “ના, પણ ઘેલો એવો માણસ છે એવું માનવા મારું મન રાજી જ નથી.” આ વાક્ય પ્રેક્ષક-ગણનું પાત્ર-કેન્દ્રી નેરેટીવના મધ્ય અને અંતની ખેવના વ્યક્ત કરે છે, અને છેવટે કચ્છની સૂકી ધરતીના પ્રતીકાત્મક કરૂણ અંતનો સાક્ષાત્કાર કરે છે.



પ્રાણજીવનની દૃષ્ટિથી ઘેલાનું ગામ (દિ. નાયક ૨૦૧૮)

      ફિલ્મમાં ઘણાં પ્રતીકાત્મક સંવાદ છે, પરંતુ જયારે ઘેલો મોંઘીને ઉઠાવી લાવે છે તે ઘટના ખૂબ જ રસપ્રદ રીતે રજૂ થઇ છે. પિતાને માર મારી તેની જ પાઘડીથી તેની દીકરીને તેના જ ઊંટ પર બાંધી લઈ જાય છે. આમ, એક જ ઘટનાક્રમમાં એક માનવી પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે, વ્હાલસોયી દીકરી, માથાની પાઘડી કે જે ઇજ્જતની પ્રતીક છે, અને પોતાનું મોંઘેરું ઊંટ. અને જે રીતે ઊંટને તાલીમ આપીને કાબુમાં રખાય છે, તેવી જ કંઈક તાલીમથી ઘેલો પોતાની પત્નીઓને પણ આપે છે, અને પ્રાણજીવન પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે, ઘેલો એક સમયે કહે પણ છે, “મને રાડો પાડતી બાયડી કે રાડો પાડતો સાંડ્યો ન ખપે”, જે એક શ્વાસે માણસ અને પ્રાણીને એક હરોળમાં મૂકી દે છે.


(દિ. નાયક ૨૦૧૮)

      આમ જોઈએ તો ફિલ્મ અંતરિયાળ ગામની વાત કરે છે, પરંતુ ફિલ્મની માવજત અને કલાકારોનું ચયન એ બતાવી દે છે કે ફિલ્મ ફક્ત ગામડાંના દર્શકો માટે નથી. આ ફિલ્મ અને આવી બીજી ઘણી ગુજરાતી ફિલ્મો જે કોઈ સાહિત્યકૃતિ પર આધારિત હોય છે, તેમની માવજત અલગ જ પ્રકારની હોય છે, અને દિગ્દર્શક પાસેથી પોતાની રચનાત્મકતાની સાથોસાથ અસલ કૃતિ સાથેની વફાદારીની પણ અપેક્ષા રહે છે.


ઉપસંહાર

દુનિયાના મહાનતમ  ગણાતા દિગ્દર્શકોએ પોતાની ફિલ્મના કથાવસ્તુ માટે હંમેશા સાહિત્ય કૃતિ પર પોતાની પસંદગી ઉતારી છે. અકીરા કુરોસાવાથી લઈને અલ્ફ્રેડ હિચકોક હોય કે, સત્યજિત રેથી લઈને સ્ટેન્લી ક્યુબ્રિક હોય, આ બધા જ દિગ્દર્શકોની શ્રેષ્ઠ ગણાતી ફિલ્મો કોઈ ને કોઈ સાહિત્ય કૃતિ પર આધારિત હતી. ગુજરાતી સિનેમામાં પણ સાહિત્ય કૃતિ આધારિત ફિલ્મો બની છે, પરંતુ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. ઉપર જે ત્રણ ફિલ્મો વિશે વાત કરી તે ત્રણેય ફિલ્મો સાહિત્ય કૃતિ આધારીત છે. ઘણી હિન્દી ફિલ્મો પર ગુજરાતી નવલકથા અથવા નાટકના આધારે બની છે, તેમ છતાંય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓ હજી પણ ગુજરાતી ફિલ્મ દિગ્દર્શકોની નજરોથી છેટી રહી ગઈ છે. જાણીતાં અભિનેત્રી આશા પારેખે  નિવેદન આપ્યું હતું કે ગુજરાતી ફિલ્મકારોએ સારી સામગ્રી પ્રસ્તુત કરવા ગુજરાતી સાહિત્ય પર ધ્યાન આપવું જોઈએ (The Hans India, 2019). જે બદલાની લડાઈ અને પારિવારીક ફિલ્મો બની રહી છે, તે દરેક ભાષામાં બની રહી છે, તેમાં ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિની વિશેષતા દેખાતી નથી. જો ગુજરાતી સિનેમાએ રાષ્ટ્રીય કે વિશ્વ સ્તર પર કંઈક નવું મૂકવું હોય તો ગુજરાતી સાહિત્ય જેવો બીજો કોઈ માર્ગ નથી. આપણા દર્શકો પણ હિન્દી સિનેમા તરફ વધુ આકર્ષાય છે કારણ કે ગુજરાતી સિનેમામાં નાવીન્ય નથી મળતું. સારું કામ થયું છે, વધુ સારું કામ થઈ શકે છે. ગુજરાતી સાહિત્યને ફંફોસી નવી સામગ્રી લઈ આજના યુવા કલાકારો, જે ટેકનીકલી પણ સજ્જ છે, નવ્ય ગુજરાતી સિનેમાનો આરંભ કરે તો દર્શક અને કળા જગત બંને તેમનું આભારી રહેશે.


સંદર્ભ

૧. બેન્કર, તરુણ. ૨૦૨૦. કથા સાહિત્ય અને સિનેમા. વલ્લભ વિદ્યાનગર: લજ્જા પબ્લિકેશન્સ.

૨. Brooker, Peter. 1994. "Key words in Brecht's theory and practice of theatre". In Thomson, Peter and Glendyr Sacks (eds.) The Cambridge companion to Brecht: 185-200. Cambridge: Cambridge University Press.

૩. Gangar, Amrit. 2013. "Gujarati Cinema: Stories of sant, sati, shethani and sparks so few". In Gokulsing, K. Moti & Wimal Dissanayake (eds.) Routledge Handbook of Indian Cinemas: 88-101. NY: Routledge.

૪. ગંગર, અમૃત. ૨૦૧૪. રૂપાંતર. અમદાવાદ: અરુણોદય પ્રકાશન.

૫. Hans India, The. 2019. “Gujarati filmmakers should make more use of Guajrati literature to make content oriented films says Asha Parekh”

https://www.thehansindia.com/cinema/bollywood/milind-somans-new-pic-a-la-akshay-in-laxmii-655771?infinitescroll=1  

૬. ખત્રી, જાવેદ. ૨૦૧૨. “ધૂળકી તારી માયા લાગી: એક અવલોકન”. આદીલોક. (મે-જુન ૨૦૧૨) ૪(૩): ૩૨-૩૪.

૭. Khatri, J.A.H. 2020. “Favored variety and cultural othering: Semantic enclave in Hindi cinema.” Language in India. March 2020. 20(3): 222-241.

૮. મહેતા, કેતન (દિ.). ૧૯૮૦. ભવની ભવાઈ. સંચાર ફિલ્મ કોઓપરેટીવ લિમિટેડ. ધીરુબેન પટેલના નાટક પર આધારિત. (૧૩૫ મિનિટ.)

૯. મહેશ્વરી, માવજી (૨૦૨૦) “ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે.” મિડ-ડે.com.

https://www.gujaratimidday.com/news/articles/columnist-dhaad-film-is-the-latest-documentary-of-kutch-116496

૧૦. નાયક, પરેશ (દિ.) ૨૦૧૮. ધાડ. જયંત ખત્રીની વાર્તા પર આધારિત. (૧૩૫ મિનિટ)

૧૧. રાઠોડ, કાંતિલાલ (દિ.). ૧૯૬૯. કંકુ. આકાર ફિલ્મ્સ. પન્નાલાલ પટેલની કૃતિ પર આધારિત (૧૪૮ મિનિટ.)

૧૨. શાહ, સાગર. ૨૦૧૮. “ધાડ : મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર”. ઓપિનિયન.

https://opinionmagazine.co.uk/details/3335/dhaad-mool-vaartaanee-prateekaatmakataan-vistaar

૧૩. Stam, Robert. 2000. Film theory: An introduction. Oxford: Blackwell Publishing.


Published at: https://gujaratisahityaparishad.com/virtual/ujani/15nov20/index.html 

Comments

  1. Very good and inspirational

    ReplyDelete
  2. ગુજરાતીમાં આવું વાંચવા મળે તે જોઈને આનંદ થાય છે. ગુજરાતી ભાષા અને તેના ચાહક બંનેની આશા ટકી રહે છે.

    ReplyDelete

Post a Comment