Skip to main content

હાથ, હથિયાર, હાદસા...

૧.

૧૯૧૭-૧૮, પહેલા વિશ્વયુદ્ધની કારતુસોનાં ધડાકા સમ્યા નથી, લોહી થીજ્યું નથી. એના નાકમાંથી નીકળતા ઉચ્છવાસના કારણે ધૂળના રજકણો ઉડતા. લોહીનું ખાબોચિયું હવે લાલ રંગના કીચડમાં ફેરવાઈ રહ્યું હતું. એને રંજ હતો એ એના સ્વપ્નોને આકાર ન આપી શક્યો. આ સવાર કેટલાક સમુદાય માટે ખુશીઓ લઇ ને આવી છે. હવે, એ સમુદાય પોતાની ખુશીઓને કઈ રીતે ઉજવે છે એ તો ઈતિહાસ જ બતાવશે. પરંતુ લાશોની ઇંટોથી થયેલા ચણતરને લોહીની સિંચાઈ તો જોઇશે જ. આવા સંજોગોમાં એ જે માનવતાની વાત લઇ ને આવ્યો હતો, તેની વાત અને માનવતા મરણાસન છે. હું, એ આંગળી જેણે એને ગદ્દાર જાહેર કરી એના પર કારતુસ મોકલી હતી, હજી વિચારું છું કે શું આ કારતુસના પૈસા સાચી જગ્યાએ ઉપયોગમાં લેવાયા? જેને ગદ્દાર માન્યો, જેને દુશ્મન ગણ્યો, જેને અલગ ગણી ગોળીએ દીધો, એનું પણ લોહી તો લાલ જ નીકળ્યું.

૨.

હથિયાર માણસના હાથ અને માનસ પ્રમાણે બદલાયા છે. શસ્ત્ર, અસ્ત્ર અને ઘણું બધું માણસની હિંસક વૃત્તિઓને સંતોષવા માટે બનાવવામાં આવ્યું. આદિમાનવે પોતાના ગુજરાન માટે શિકાર કરવાનું શરૂ કર્યું, અને શિકાર કરવા માટે પત્થર અને લાકડીઓ જોડી પ્રાથમિક ધોરણના હથિયાર તૈયાર કર્યા. આદિમાનવની બીજી અને વધુ મહત્વની જરૂરિયાત હતી, સ્વરક્ષણ. પોતાને જંગલી જાનવરોથી બચાવી ને રાખવા, જ્યાં સ્વ-બચાવ માટે આ હથિયાર વરદાન બન્યા. સમય જતા આ જરૂરિયાતો શોખ બનવા લાગી, પ્રાણીઓ એ ના જાણે કેટલા માણસોનો શિકાર કર્યો હશે, જેનો બદલો લેવાનો સમય હવે પાકી ગયો હતો, અને એટલે જ સામાજિક પ્રાણીએ અ-સામાજિક પ્રાણીઓનો શિકાર કરવો શરૂ કર્યો. અને એ પ્રક્રિયા હજી સુધી ચાલી રહી છે, ચાલશે, જ્યાં સુધી આ બચ્યા-કુચ્યા પ્રાણીઓ પણ માનવ-ઉપયોગની શરણે ના આવી જાય. પરંતુ આ પ્રાણીઓના શિકારમાં તેને મઝા ન લાગી, એટલે એ બીજા માણસોના શિકાર પર નીકળ્યો. અને હિંસા એ માણસની વૃત્તિ બની ગઈ. પેહલાનું નિશાન, એટલે કે પ્રાણીઓ, દેખીતી રીતે જ એક અલગ વર્ગ હતો અને એટલે જ એનો શિકાર કરવામાં માણસને કોઈ પુરાવા કે સાબિતીઓની જરૂર ન પડી. પણ માણસ બીજા માણસ નો શિકાર કરે તે પેહલા એ કેટલો અલગ છે? કેટલો હિંસક છે? કેટલો ભયજનક છે? ક્યાં વર્ગીકૃત થયો છે? એવા બધા માપદંડ ઉભા કરવા રહ્યા. શરુઆત અલગ કરવાથી થઇ, બીજું બધું આપ-મેળે આવી ગયું. બીજો ધર્મ, બીજી ભાષા, બીજો દેશ, બીજું કુળ કરતા કરતા આ ભેદ બીજા શરીર સુધી પહોંચી ગયો છે. એ દિવસ દુર નથી કે જયારે માણસ અલગ કંપનીનો મોબાઈલ વાપરે છે કે અલગ ટી.વી. કાર્યક્રમ જુવે છે એના માટે પણ એનો શિકાર કરવામાં આવે.

મેકલુહાન માણસની ઉત્ક્રાંતિનો શ્રેય માણસની વૃત્તિઓને આપે છે. એમના મતે હથિયાર એ બીજું કશું જ નહિ માણસના નખનું વિસ્તરણ માત્ર છે. માણસની ગાળનું વિસ્તરણ આજે બંદુકની ગોળી છે. જયારે ગાળ બિન-અસરકારક લાગે ત્યારે ગોળીઓ મદદે આવે છે. જયારે નખના ઉઝરડાથી સંતોષ ન થાય ત્યારે તલવાર, ચાકુ અને ભાલાનો સહકાર લેવાય છે. પણ આ બધું શેના માટે? દુનિયા ના દરેક યુદ્ધ પાછળ કોઈ ને કોઈ રૂડું-રૂપાળું કારણ બતાવાયું છે, એ પછી સત્યનો અસત્ય પર વિજય હોય, કે ધર્મની ધજા ફરકાવવી હોય કે પછી પરિપૂર્ણ માનવ-સમુદાયને સત્તા આપી આદર્શ વિશ્વની સ્થાપનાનો ઉપક્રમ હોય. દરેક કારણ આજના દ્રષ્ટિકોણથી સદંતર નિષ્ફળ દેખાય છે. અસત્ય અને અધર્મથી ભર્યું-ભાદર્યું વિશ્વ આદર્શ વિશ્વની વિભાવના સુધી પણ પહોંચી શક્યું નથી.

૩.

એનું નામ, હિંસામાં મરનાર હજ્જારો-લાખોની જેમ, મને આજે પણ ખબર નથી, તમનેય નહિ ખબર હોય. જયારે યુદ્ધમાં બે ટુકડીઓ બની ત્યારે એ સામેની ટુકડીમાં જોડાયેલો. ત્યાર પેહલા અમે એક જ ટેબલ પર બેસી સાથે જમતા હતા.
“તું સામેની ટુકડીમાં કેમ ગયો?” જયારે મેં એને પૂછ્યું.
“એમની પાસે હથિયાર નથી, એટલે હું એમની સાથે જોડાયો. હવે અમારી પાસે અમારૂ નિર્દોષ-પણું જ છે, જે અમારે બચાવવાનું છે. જો હાથમાં હથિયાર હોત તો એ બચાવવાનું કામ કપરું થઇ પડત.” એણે પોતાની રોટલીના ટુકડા કરી મારી થાળીમાં મુકતા કહ્યું.
“પણ તમે તો સાવ ઓછા છો. શું કરશો?”
“પ્રેમ અને શાંતિ ફેલાવવા માટે આટલા લોકોનું લશ્કર તો બહુ થઇ ગયું. તમને યાદ છે, ઇસુ મસીહ સાથે તો ફક્ત બાર જ લોકો હતા.”

૪.

સ્ટીવન પીન્કર કહે છે કે હિંસામાં ઘટાડો થયો છે. અને એમના મતે વર્તમાન સમયનું આ સહુથી મોટું આશાનું કિરણ છે. પરંતુ જો આપણે નજર ફેરવીશું તો એમની વાત ગળે ઉતારવા માટે પણ આપણા જ ગળા પર હિંસાનો ઉપયોગ કરવો રહ્યો. શું માપદંડ હશે એમના પરીક્ષણના, જે તેમને આ ઉપસંહાર પર લાવે છે? શું એ પણ શાંતિના નોબલ પુરષ્કાર માટેના માપદંડનો જ ઉપયોગ કરતા હશે? ઓબામાં સાહેબને પણ હજારો અફઘાની, ઈરાકી, સિરિયન અને પેલેસ્તીનિયન નિર્દોષોને “શાંત” કરવા બદલ શાંતિનો નોબલ પુરષ્કાર મળી ચુક્યો છે (જ્યોર્જ બુશ એનાથી ઘણા નારાઝ જણાય છે).

હથીયાર શબ્દને ધ્યાનથી જોતા એ વર્ગમાં ઘણી બધી એવી વસ્તુઓ પણ જોવા મળે છે જે ખરેખર હથીયાર તરીકે બની જ નથી. અંગ્રેજો સામેની લડાઈમાં મોહનદાસ ગાંધી અને નેલ્સન મંડેલા પાસે સત્ય અને અહિંસા નામના હથિયાર હતા. તો બીજી તરફ એવા જ એક સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચે ગુવેરા અને ફિડેલ કાસ્ત્રો ગોરિલ્લા સિપાહી બની બોમ્બ લઇ ત્રાટકતા. બીજા વિશ્વયુદ્ધનું એકમાત્ર કારણ ગણાતા હિટલર પાસે તો કોઈ અણુ-બોમ્બ ન હતો, તેમ છતાં બીજું વિશ્વયુદ્ધ પૂરું કરવા અમેરિકાને જાપાન પર અણુ-હુમલો કરવો પડ્યો, જર્મની પર નહી. જે લડાઈ શરૂ થઇ હતી આર્યનના નામ પર ખ્રિસ્તી-યહૂદી સમાજ વચ્ચે, હજ્જારોનો ભોગ લઇ જાપાન પરના અવિસ્મરણીય નરસંહારથી તેનો અંત આવ્યો. શું હિટલરને જે કરવું હતું, તે થયું? સિકન્દર દુનિયા જીતવા નીકળ્યો હતો, શું એ જીતી શક્યો? આ એ લશ્કર હતા જેમને શારીરિક અને માનસિક રીતે સમ્પૂર્ણ હથીયારોથી સજ્જ કરવામાં આવ્યા હતા. જે-તે સમયના અત્યાધુનિક હથીયાર તેમની પાસે હતા, અને બીજાઓ માટેની નફરત તેમનામાં ભરવામાં આવી હતી. તો પછી એમની હિંસાને ધ્યેય પ્રાપ્તિ કેમ ન થઇ?

આ અને આવા બીજા ઘણા પ્રશ્નો લઇ હું ઉત્ક્રાન્તિના યાનમાં બેસી ગયો. ઘણા નાનાં-મોટાં સ્ટેશનો અને જંકશન આવ્યા ને ગયા. સહુથી મોટું જંકશન હતું બીજું વિશ્વ યુદ્ધ. ત્યાર પેહલા ૧૯૨૦-૩૦ ના ગાળામાં એક તરફ ઈઝરાઈલ મજબુત બન્યું તો બીજી તરફ સંતરાની ખેતી માટે નવા સંતરાનો સંઘ રચાયો. તો એની સામે જ અહી ખજુરની ખેતી માટે પણ લીગ ઊભી થઇ. બીજા વિશ્વયુદ્ધ પછી ભારત દેશે આઝાદી મેળવી, અંગ્રેજોના શાસનમાંથી અને ઘણા-બધા નિર્દોષ મનુષ્યોમાંથી. પરંતુ ભારતદેશ પાસે ભાષા વૈવિધ્યની સાથે-સાથે વૈવિધ્ય સભર સાંસ્કૃતિક વારસો પણ હતો. મેં વિચાર્યું કે અહી આટ-આટલી સંસ્કૃતિઓ હોવાથી હથિયારો વિશે સારામાં સારું જ્ઞાન આ ભૂમિમાંથી મેળવી શકાશે. અને હું અહી ભારતભૂમિમાં જ રોકાઈ મારા પ્રશ્નોના ઉત્તર શોધવામાં લાગી ગયો.

અહી તો સ્વતન્ત્રતા મળતાની સાથે જ સાંસ્કૃતિક હથિયારોએ એમની ધાર બતાવવાનું શરૂ કર્યું. ક્યારેક કોઈ હદ નામની વણ-દેખાતી લીટી હથિયાર બની તો ક્યારેક કોઈકની દાઢી, અને કોઈકનું તિલક, ક્યારેક સુઅરનું માંસ હથિયાર હતું તો ક્યારેક ગાયનું. મસ્જીદ થી લઇ ટ્રેનના ડબ્બા સુધી દરેક નાની-મોટી વસ્તુનો અહી એક અથવા બીજી રીતે હથિયાર તરીકે ઉપયોગ થઇ ચુક્યો, હવે નવું શું હશે એની જ કલ્પના રહી? વાણી-સ્વાતંત્ર્ય અને લોકશાહીમાં કોઈ ના મોબાઈલ પર આવેલ સંદેશ પણ હથિયાર તરીકે ઉપયોગમાં લેવાઈ ગયા.

૫.

અ: આજના સંદર્ભમાં જોઈએ તો આપણી પાસે સહુથી ખતરનાક અને જીવલેણ હથિયાર કયું છે?
બ: અણુબોમ્બ.
ક. ન્યુક્લીઅર હથિયાર
અ: કેમ?
બ: કારણ કે આ હથિયારોથી તમે એકસામટા હજ્જારો લોકોને મારી શકો છો.
અ: પણ હથિયારનો તો પહેલો ઉદ્દેશ્ય છે સ્વ-રક્ષણ. તમે જીવશો તો અણુબોમ્બ નો ઉપયોગ કરશો ને? કાલે કોઈ પરગ્રહવાસી આ પૃથ્વી પર હુમલો કરશે તો તમે પૃથ્વી ને કઈ રીતે બચાવશો? જો બચ્યા તો વળતો હુમલો કરી શકશો ને?
ક: એવી તક ન લેવાય. હવે તો પહેલા જ હુમલો કરવો પડે, ભલે પછી એ કોઈ પરગ્રહવાસી જ કેમ ન હોય.
અ: એ શત્રુ છે કે મિત્ર એનો અંદેશો કઈ રીતે આવશે?
ક: એમની ભાષા, એમના કપડા, એમના વર્તન પરથી.
અ: પણ એના પેહલા તો તમે હુમલો કરવાની વાત કરો છો. આપણે ‘પર’ધર્મી, ‘પર’દેશી, ‘પર’ભાષીને સાંખી નથી શકતા તો પર-ગ્રહવાસી આ બધા પુર્વગ્રહોથી મુક્ત કઈ રીતે થઇ શકશે?
બ: તમે હથિયાર વિશે પૂછવા માંગો છો કે બીજું કઈ?
અ: હથિયાર તો આજે પણ નિર્જિવ જ છે. એને એની ઘાતકતા તો આપનું મન અને તન પ્રદાન કરે છે. તમને યાદ હશે ને, ‘બંદૂક જાતે ગોળી નથી છોડતી, કોઈ હાથ એ બંદૂકની ગોળી છોડે છે.’
ક: તમારે સ્વ-રક્ષણની વાત કરવી છે કે બહાદુરી અને ખુમારી ભર્યા વિજયની?
અ: મારે જીવનના મૃત્યુ પરના વિજયની વાત કરવી છે. જે હથિયાર દ્વારા તો શક્ય નથી લાગતું.
બ: સારું તમે જ કહો કે જો પરગ્રહવાસી આ પૃથ્વી પર હુમલો કરે તો આપણી પાસે એવું કયું હથિયાર છે, જેના થકી આપણે જીતી અને જીવી શકીશું? પરમાણું હથિયાર જ કામ લાગશે ને?
અ: પરમાણું હથિયાર ત્યારે કામ લાગે જયારે દુશ્મનનો પ્રદેશ ચોક્કસપણે ઓળખાયેલો હોય અને ત્યાં ફક્ત અને ફક્ત દુશ્મન જ હોય. જો દુશ્મન ક્યાંથી આવ્યો છે એ જ ન ખબર હોય તો શું કરશો? અને જેણે દુશ્મન ગણો છો એ આપણામાંથી જ એક હોય તો?
ક: બંદૂક, તલવાર, ખંજર, તોપ. કેટલાંય હથિયાર છે આવા દુશ્મનો માટે.
અ: પણ દુશ્મન તમારી સામે આવે જ નહિ તો મુકાબલો કઈ રીતે કરશો? અથવા તમને ખબર જ ન હોય કે જેને તમે મિત્ર માનો છો એ જ તમારો શત્રુ હોય તો? જેને તમે એક નામ આપીને શત્રુ ઘોષિત કરી દીધો છે, શું એ ખરેખર શત્રુ છે? તમારી હિંસા તો હથિયારથી નહિ પણ પરિકલ્પના માત્રથી જ શરુ થઇ જાય છે. જિન્નાહ, મુસ્લિમ લીગ, અને કોંગ્રેસના પ્રયાશોથી એક પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ આઝાદીના ૫૦-૬૦ વર્ષોમાં ભારતના દરેક મોટા શહેરમાં એક-એક ‘મીની-પાકિસ્તાન’ અસ્તિત્વમાં આવ્યા. શું જરૂર હતી? એ વિસ્તારમાં રહેતા લોકોને અલગ કરવા માટે માત્ર આ એક નામ પુરતું હતું. આ નામ માત્ર એક હથિયાર બની ગયું?? આ હથીયાર તો શાબ્દિક અને વૈચારિક સ્તર પર જ કાર્યરત થઇ જાય છે.

૬.

એવું જ કઇંક ‘બ્રિક મેન્સન્સ’ માં પણ થયું, ગોરા અંગ્રેજો એ નીગ્રો અમેરિકનનો ને અલગ તારવવા બ્રિક મેન્સન્સ વિસ્તારને મુખ્ય આબાદીથી એક દીવાલ દ્વારા અલગ કરી દેવામાં આવ્યો. ડેટ્રોઈટ શહેરના મેયર અને સરકારના મતે આ વિસ્તારમાં ફક્ત ગુનાહિત પ્રવૃત્તિઓ જ થાય છે અને ત્યા ફક્ત નીગ્રો અમેરિકન જ રહે છે, જે બધા જ ગુનેહગાર ગણાય છે. તેમને આપવામાં આવતી બધી જ સવલતો પણ બંધ કરી દીધેલ છે, અહી સુધી કે આ વિસ્તારમાં કોઈ શાળા કે દવાખાનું પણ નથી. આમ, શહેરમાં જ નીગ્રો અને ગોરા અમેરિકનો વચ્ચે દીવાલની સરહદ ઉભી કરી દીધેલ છે.

આવી પરિસ્થિતિ પછીનું પગલું છે, આખે આખા બ્રિક મેન્સન્સને નેસ્તનાબૂદ કરી દેવો, કે જેથી એ જમીન અમીર બિલ્ડરોને પોતાની ઇમારતો બનાવવાના ખપમાં લાગે. અને ‘ગુનેહગાર’ ગણતા વર્ગની હત્યા માટે કોઈ વાજબી કારણ આપવાનું રેહતું નથી. અહીના બધા જ નીગ્રો રેહવાસીઓને ગુનેગારનું બિરુદ આપી દેવાયું છે, કારણ કે તે નીગ્રો છે અને તેમણે બ્રિક મેન્સનમાં જન્મ લીધો છે. આ હિંસા શબ્દાર્થથી શરુ થઇ જાય છે, અહી કોઈ હથિયારની શી જરૂર? અહી તો નામ માત્ર હથીયાર બની ગયું છે.

૭.

દિલ્હીથી વડોદરાનો રસ્તો માંડ ૧૫ કલાકનો હશે, પણ જયારે ટ્રેનમાં રીઝર્વેશન ન મળે ત્યારે એ ઘણો લાંબો લાગતો હોય છે. હું પણ એવા પ્રવાસીઓને જોતો-જોતો મારુ પુસ્તક વાંચી રહ્યો હતો. સવાર ઉગી નીકળ્યું હતું, ટ્રેન મધ્યપ્રદેશના કોઈ મોટા જંકશન પાસેથી પસાર થઇ રહી હતી. મોટાભાગના પ્રવાસીઓ જાગી ગયા છે, ઘણા ઉતરવાની તેય્યારીમાં છે. હું સાઈડ બર્થ પર બારીઓ ખુલ્લી રાખી ઠંડા-ઠંડા પવનમાં પુસ્તક વાંચી રહ્યો છું.
“સુનિયે” મારા કાન પર અજાણ્યો અવાજ પડ્યો, મેં ઉપર જોયું, એક શીખ-મિત્ર સામે ઉભા હતા, હમણાં જ પાઘડી સરખી કરી છે, મોઢા પર પાણીના ટીપા છે. હાથમાં ખુબ સાચવીને રખાયેલું નાનકડું પુસ્તક 
છે.
“આપકો અગર એતરાજ ના હો તો, મેં સામનેકી ખિડકી પર બેઠ કર ગુરબાની કા પાઠ કરલું, આપકો ડીસ્ટર્બ તો નહિ હોગા ના?”
“જી જરૂર, લેકિન અવાજ થોડી ઉંચી રખિયેગા, તાકી મેં ભી સુન પાઉં.” મેં એમના તરફ જોઈ કહ્યું. એ મારી સામે બેઠા અને ગુરબાનીનો પાઠ શરુ કર્યો. આ તરફ મેં મારી પાસે રહેલ Intimate Enemiesને વિસામો આપ્યો.

૮.

ભારત દેશ ‘મીની-પાકીસ્તાનો’થી ઉભરાઈ રહ્યો છે, કદાચ પાકિસ્તાનમાં પણ ‘મીની-હિન્દુસ્તાનો’એ  અસ્તિત્વ જમાવી દીધું હશે. હિંદુ અને મુસ્લિમ વિસ્તારોને જુદી કરતી વાડ કે દીવાલ હવે ‘બોર્ડર’ના નામે ઓળખાય છે, દુઃખ એટલું જ છે કે બોર્ડરની બંને તરફ એક જ દેશના, એક જ રાજ્યના અને એક જ ભાષા બોલતા લોકો વસે છે.

ગુજરાતીમાં કહેવાય છે, “હાથે ચઢ્યું તે હથિયાર”, હવે કહેવું પડશે, ‘જીભે જડ્યું તે હથિયાર’, કારણ કે હાથ પર ચઢેલા હથિયાર કરતા ભાષાના માધ્યમથી જીભ પર રેહતા હથિયારો માણસના વર્ગીકરણમાં વધારે મહત્વનો ભાગ ભજવે છે. મીની-પાકિસ્તાન કે બ્રીક મેન્સન એ ફક્ત નામ નહી પણ એક વર્ગ ઉભો કરે છે, અને એ વર્ગના અસ્તિત્વના મૂળમાં છે દ્વેષ.

હથીયારના વિવિધ સ્વરૂપને હાદસાઓમાં બદલાતા રોકવા માટે, કદાચ, ભાષાનો હથિયાર તરીકે થતો ઉપયોગ રોકવો એ આજનું સહુથી મહત્વપૂર્ણ પાસું છે. ભાષા દ્વારા ઉભા થતા વર્ગો માણસોને - તદ્દન અજાણ્યા લોકોને વિરોધી અથવા દુશ્મન તરીકે રજુ કરી દે છે. ભાષારૂપી હથીયાર બીજા બધા જ હથીયારને મજબુત બનાવે છે, હથીયાર ઉચકતા હાથને નફરતનું જોમ પૂરું પાડે છે. આ પૂર્વગ્રહો યુક્ત ભાષા ઈતિહાસને પણ તોડી-મરોડી આપણી સમક્ષ મુકતી હોય છે, કોઈ રાજા, રાજા તરીકે નહિ પણ મુસ્લિમ રાજા તરીકે કે કોઈ ગવર્નર ખ્રિસ્તી ગવર્નર તરીકે રજુ થાય છે. જયારે કોઈ સ્વાતંત્ર્ય સેનાની હિન્દુસ્તાની નહિ પણ એક હિંદુ કે શીખ હોય છે. આ ભેદ જેટલા જલ્દી ભૂસાય તેટલો જલ્દી માનવ-સમાજ એક થાય. શૈક્ષણિક પદ્ધતિઓમાં કંઇક એવા પુસ્તકો જોડાય કે જે પૂર્વગ્રહોને દુર કરી શકે. માણસ જયારે માણસને માણસ તરીકે જ જોઈ શકશે ત્યારે હથીયારોની જરૂર ફક્ત સંગ્રહાલયોમાં જ પડશે.

નોંધ:

૧. Cf. Pinker, Steven (2007) “The Decline of Violence” in What are you Optimistic about?: Today’s Leading Thinkers Lighten Up (ed.) John Brockman: 3-5. London: Simon & Schuster.

૨. “સંતરાની ખેતી” – વિશાલ ભાદાણી. storykathagujarati.blogspot.in


૩. “Brick Mansions” (2014) Directed by Camille Delamarre, written by Luc Besson and Robert Mark Kamen. Time: 90 minutes.

Comments

  1. Replies
    1. Thank you, so much. Please do read other posts and give your feedback. Looking forward to your constructive comments.

      Delete

Post a Comment

Popular posts from this blog

ગુજરાતી ફિલ્મો : ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ના સંદર્ભે

  આમ જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જૂની છે અને કેટલાય મહત્વના કલાકારો અને ફિલ્મો આપી ચૂકી છે. પરંતુ આજેય એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ પાછળ દેખાય છે. અહીં , હું ત્રણ ગુજરાતી ફિલ્મો ‘ ભવની ભવાઈ ’ , ‘કંકુ ’ અને ‘ ધાડ ’ વિશે વાત કરીશ, અને ગુજરાતી ફિલ્મોનાં પટ પર તેમનાં મહત્વ વિશે વાત કરવાનો નાનકડો પ્રયાસ કરીશ. ભવની ભવાઈ (૧૯૮૦) કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ ભવની ભવાઈ ’ ૧૯૮૦માં પ્રદર્શિત થઈ હતી જે ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી , અને જાતિવાદના મુદ્દા વિશે ખૂબ જ રસપ્રદ રીતે વાત કરે છે. આ ફિલ્મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. મારા માટે ફિલ્મનું સહુથી મહત્વનું દૃશ્ય શરૂઆતની ૬ સેકન્ડ્સમાં જ જોવા મળે છે; એ કહે છે, અસાઈત ઠાકોર અને બેર્તોલ બ્રેખ્તને સમર્પિત. આ એક ફ્રેમ ફિલ્મને ગુજરાતી અને વૈશ્વિક નાટ્યપરંપરા સાથે જોડી આપે છે. ‘ભવની ભવાઈ’ (દિ. મહેતા , ૧૯૮૦)       ફિલ્મ પોતાની વાત કહેવામાં ભવાઈ નાટ્યપરંપરાનો ઉપયોગ કરે છે, અને એક નવી જ નેરેટીવ પદ્ધતિ...

Mikhail Bakhtin and his Dialogic Imagination

Book: The Dialogic Imagination: Four Essays (1981) Author: M. M. Bakhtin Translated by: Caryl Emerson & Michael Holquist Edited: Michael Holquist Austin & London: University of Texas Press "The Dialogic Imagination: Four Essays" by Mikhail Bakhtin is already considered a classic not only from the perspective of literary genre but also as an important work on the philosophy of language. The present book contains the four essays: 1. Epic and Novel, 2. From the Prehistory of Novelistic Discourse, 3. Forms of Time and of the Chronotope in the Novel, 4. Discourse in the Novel and an Introduction and Glossary by the editor. The essays are a commentary on the  historical development of novel form and how it is different from the other literary form. His argument is that as the novel form is different from the other literary forms, we need a different type of stylistic and poetic analysis and dogmas for that in order to truly evaluate the Novel. He tries ...

Maqbool: Adaptation of Macbeth

Many films have been made from the plays of William Shakespeare. When a literary work or a part of a literary work is used as a base for a film or TV Series, it is called adaptation. It is a form of Translation, known as Transmutation: A change from one semiotic system to another semiotic system. Here written text is turned into visual text, Linguistic signs are replaced by the Visual signs. Few of Shakespearean works have been adopted in Indian films, too. 2003 film  Maqbool  by Vishal Bhardwaj is an adaptation of Shakespeare's one of the best tragedies, Macbeth. Maqbool was Vishal Bhardwaj's second film as a director. The film had its North American premiere at the 2003 Toronto International Film Festival. And it was also screened in the Marché du Film section of the 2004 Cannes Film Festival. The film has a great star-cast: Pankaj Kapoor (he wins two awards for this role), Irrfan Khan, Tabu, Naseeruddin Shah, Om Puri, and Piyush Mishra. The...