૧. ૧૯૧૭-૧૮, પહેલા વિશ્વયુદ્ધની કારતુસોનાં ધડાકા સમ્યા નથી, લોહી થીજ્યું નથી. એના નાકમાંથી નીકળતા ઉચ્છવાસના કારણે ધૂળના રજકણો ઉડતા. લોહીનું ખાબોચિયું હવે લાલ રંગના કીચડમાં ફેરવાઈ રહ્યું હતું. એને રંજ હતો એ એના સ્વપ્નોને આકાર ન આપી શક્યો. આ સવાર કેટલાક સમુદાય માટે ખુશીઓ લઇ ને આવી છે. હવે, એ સમુદાય પોતાની ખુશીઓને કઈ રીતે ઉજવે છે એ તો ઈતિહાસ જ બતાવશે. પરંતુ લાશોની ઇંટોથી થયેલા ચણતરને લોહીની સિંચાઈ તો જોઇશે જ. આવા સંજોગોમાં એ જે માનવતાની વાત લઇ ને આવ્યો હતો, તેની વાત અને માનવતા મરણાસન છે. હું, એ આંગળી જેણે એને ગદ્દાર જાહેર કરી એના પર કારતુસ મોકલી હતી, હજી વિચારું છું કે શું આ કારતુસના પૈસા સાચી જગ્યાએ ઉપયોગમાં લેવાયા? જેને ગદ્દાર માન્યો, જેને દુશ્મન ગણ્યો, જેને અલગ ગણી ગોળીએ દીધો, એનું પણ લોહી તો લાલ જ નીકળ્યું. ૨. હથિયાર માણસના હાથ અને માનસ પ્રમાણે બદલાયા છે. શસ્ત્ર, અસ્ત્ર અને ઘણું બધું માણસની હિંસક વૃત્તિઓને સંતોષવા માટે બનાવવામાં આવ્યું. આદિમાનવે પોતાના ગુજરાન માટે શિકાર કરવાનું શરૂ કર્યું, અને શિકાર કરવા માટે પત્થર અને લાકડીઓ જોડી પ્રાથમિક ધોરણના હથિયાર તૈયાર કર્યા. આદિમા...