સ્ટ્રીટ આર્ટ: ધ સીટીસ્કેપ

૧.

૧૯૮૪ના જુલાઈ માસમાં પાણીગેટ શાકમાર્કેટની સામે આવેલ બાવચાવાડના સરકારી દવાખાનામાં વડોદરા શહેર-જીલ્લામાં જન્મ થયો. માંડવી-લાડવાળા વિસ્તારમાં થતા નિયમિત કોમી-તોફાનો અને તંગદીલીને કારણે ૧૯૮૬માં જ અણસમજ શહેરને પાવી-જેતપુર જેવા ગામડા ગામમાં બદલાવાનો નિર્ણય લીધો. જેમ અંગ્રેજી સાહિત્યના અભ્યાસ સંદર્ભે કહેવાય છે – Beowul થી Virginia Woolf – તેમ જ મારું પણ KG થી PG પાવી જેતપુર ગામમાં આટોપાય ગયું હોત. પરંતુ સદભાગ્યવશ PGના અભ્યાસઅર્થે હું વડોદરા આવ્યો ૨૦૦૪માં અને ૨૦૦૬ સુધી મારો અનુસ્તાતક પદવીનો અભ્યાસ ચાલ્યો. એ ગાળા દરમિયાન એક શાળામાં નાનકડી નોકરી પણ મળી, જેમાં વડોદરાને વધુ નજીકથી, વધુ સારી રીતે જોવાનો અવસર પ્રાપ્ત થયો. લગભગ ૨૦ વર્ષના અંતરે ફરી વડોદરામાં ઘર થયું. આ ૨૦ વર્ષના જેતપુર-વાસમાં વડોદરાને, અને આ બન્ને જગ્યાઓના અનુભવે, દુનિયાને થોડી તટસ્થતાપૂર્વક જોતા શીખવ્યું.

        વડોદરામાં પુનઃપ્રવેશ બાદના મારા અનુભવો, પ્રશ્નો, અને મારું જુદાપણું, શહેરને જેવું છે તેવું ન સ્વીકારવાની, ન સ્વીકારી શકવાની, વૃતિ, એક તદ્દન અજાણ્યા કલાકારની કૃતિઓમાં મળી. જે કલાકાર સાથે આજે છેલ્લા ૫-૬ વર્ષથી ખુબ સારી મિત્રતા પણ કેળવાઈ. તેણે પણ ૨૦૦૭-૦૮માં વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવવાનો નિર્ણય લીધો અને એ આજે પણ વડોદરામાં જ સ્થિત છે. તેના પણ શરુઆતના અનુભવો અને પ્રશ્નો કદાચ મારા પ્રશ્નો અને અનુભવો જેવા જ હશે. તેના અનુભવો તેણે બનાવેલા “સ્ટ્રીટ આર્ટ” નામના સાત ચિત્રોમાં વ્યક્ત થયા છે. અહિ, એ સાત પૈકી નીચેના ચિત્ર વિષે વિગતે વાત કરીશ, બીજા ચિત્રોનો સંદર્ભ મળતો રેહશે.

૨.

પ્રણબ ચક્રવર્તી મૂળ અગરતલા, ત્રિપુરાના છે, અને એક નામાંકિત કુટુંબના સહુથી નાના પુત્ર છે. કલકત્તાથી ફાઈન આર્ટ્સમાં પેઇન્ટીન્ગનો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કર્યા બાદ એ વડોદરાના કલાત્મક વારસાથી આકર્ષાઈ વડોદરા આવ્યા. અહી તેમના વિચક્ષણ અવલોકનોને આધારે તેમણે સ્ટ્રીટ આર્ટના ચિત્રો તેય્યાર કર્યા. પરમ્પરાગત ચિત્રકલાની શૈલીઓમાં ઓછો વિશ્વાસ ધરાવતા ચક્રવર્તીએ ના ફક્ત આકારો સાથે રમત રમી, પરંતુ ફ્રેમની વિભાવનાને જ પડકાર કરતી કૃતિઓ રચી નવા આયામો રચ્યા. સ્ટ્રીટ આર્ટના બધા જ ચિત્રો ચોક્કસ માળખું અને આકારો લઇ ને આવે છે.

૩.


અર્બન વિષયવસ્તુને લઇ ને આવતા આ ‘સ્ટ્રીટ આર્ટ’ના ચિત્રો, શહેરી જીવન પર સીધો કટાક્ષ કહી શકાય. ઉદાહરણ તરીકે ઉપરની કૃતિ, જે તેજસ્વી અને આકર્ષક રંગોથી સજ્જ છે. આ ચિત્રનું આકર્ષણ તેમાં કંડારાયેલ આકારો છે. ચિત્રમાં મોટાભાગનો ખંડ ફૂટપાથની ટાઈલ્સથી છવાયેલો છે. ચિત્રની મધ્યમાંથી રસ્તાના ડિવાઈડરની વાડ પસાર થાય છે, જે ચિત્રને બે ભાગમાં વહેંચે છે. ચિત્રના નીચેના ભાગમાં સાત ઓટો-રીક્ષાની હરોળ છે, જે શહેરી જીવનને જોડતી એક કડીરૂપ જણાય છે.

        ચિત્રના ઉપરના ભાગમાં સિનેમાના પડદાની જેમ પટ્ટીમાં બાઈકો પર ઉડતા યુવાનીયા દેખાય છે. બાઈક પર બુકાની બાંધી બેસેલી યુવતીઓ અને એકટીવા જેવી ગેઅર વિનાની ગાડીઓ લઇ શહેરના રસ્તા પર ઘૂમતી યુવતીઓ જીન્સ અને ટી-શર્ટમાં નજરે ચડે છે. અને ચિત્રમાં સહુથી ઉપર લાલ પટ્ટીમાં શહેરમાં ફરતા મનુષ્યો, જાનવરો અને રેંકડીઓ નજરે ચડે છે. આમ, એક નાનકડા કેનવાસ પર શહેરમાં જોવા મળતો દિવસ આકાર પામ્યો છે.

૪.

દેખીતી રીતે જ સામાન્ય લગતા આ આકારો એના નામકરણ સાથે જ એક નિવેદન પૂરું પાડે છે. ‘સ્ટ્રીટ આર્ટ’ એ મુખ્યત્વે રસ્તા પર, દીવાલો પર કરાતા ચિત્રો માટે વપરાય છે. આ એક કલાકારનો વિરોધ પ્રદર્શન કરવાનો તરીકો પણ હોઈ શકે, ઘણા કલાકારો એ આ માધ્યમને ખુબ જ શિફત પૂર્વક ઉપયોગમાં લીધું છે. આ પ્રકારના કલાકારો સમાજના લગતા પ્રશ્નો પ્રત્યે સભાનતા ઉભી કરવા પોતાના ચિત્રોમાં એ પ્રશ્નોને વાચા આપતા હોય છે, અને એક વિરોધને લોકો સમક્ષ મુકતા હોય છે. અહી, કલાકારો એક પક્ષ લઇ, પોતાની કલા ને કોઈ મોટા અને નામાંકિત સ્ટુડીઓ કે ગેલેરીમાં પ્રદર્શિત ન કરી તેને કોઈ શેરી કે રસ્તાની બાજુની દીવાલ પર કંડારે છે, જેમાં કલા અને કલાકારની ક્ષણભંગુરતા પણ છુપાયેલી છે.

        “સ્ટ્રીટ આર્ટ” અહી, લોકમાન્ય અને સ્થાપિત વિભાવનાથી વિપરીત છે. અહી, એ જ રસ્તાઓ અને શેરીઓ કેન્વાસ પર મઢાયેલ છે, અને એ શેરીઓ અને રસ્તાઓની સ્થિતિ સમક્ષ બંડ પોકારે છે. ચિત્રની બિલકુલ મધ્યમાં એક મોટા લાલ વર્તુળમાં માંના ગર્ભમાં આકાર પામતા શિશુનો આકાર છે, એ શિશુ આ કૃતિનું સર્જન કરનાર કલાકાર હોઈ શકે, કદાચ એ ચિત્રની ફ્રેમનું નિરીક્ષણ કરનાર દર્શક પણ હોઈ શકે. એ શિશુ આકાર, બીજા ચિત્રોમાં જોવા મળતું વાનર પણ હોઈ શકે. આમ, બંને સંદર્ભે એ આકાર એક ઉત્ક્રાંતિનું પ્રતિક છે. જેમ શહેરી સમુદાય એ ઉત્ક્રાંતિનું ફળ છે. આ ચિત્રમાં જે ઉડીને આંખે વળગે છે, તે છે આકારોની એકલતા, જે શહેરી સમાજની અજાણી ભીડ છે, બધા જ સાથે છે અને તેમ છતાં બધા જ એકલા છે. સાત દિવસની સાત રીક્ષાઓ છે, જે સમાજનો ભદ્ર ચેહરો નથી દર્શાવતો પણ આજે જે રીક્ષા મળી છે જે કાલે નહિ મળે એની સીધી વાત કરે છે, એ રીક્ષા ચાલક આજે પણ અજાણ્યો છે, કાલે પણ એક નવો પણ અજાણ્યો રીક્ષા ચાલક હશે. અને કદાચ એટલે જ બધી રીક્ષાઓ ખાલી છે.

૫.

આવી એકલતા અને ખાલીપણું શહેરના તોફાનોને પોષણ આપે છે. દરેક માણસ પાસે શરીર છે, ચહેરો નથી, અને એટલે જ તેની ઓળખ એક ટોળામાં ખોવાય જાય છે. આ ‘ન ઓળખાતી’ ઓળખ તેમને લાગણીહીન બનાવે છે. રસ્તા પર થયેલા અકસ્માતને ધારી-ધારીને જોતા-જોતા આ સમાજ તેની પાસેથી પસાર થઇ જાય છે, પણ એ લોહીની લાલાશ તેમને વિચલિત નથી કરતી. કેમ? કારણ કે આ લોહીમાં તેમને કોઈ સગાઇ નથી દેખાતી એટલે? રસ્તા પર તમાશો કરતા, ભીખ માંગતા છોકરાઓને જોઇને એમને કઈ નહિ થતું હોય? એમના ભવિષ્યની તેમને ચિંતા નહિ થતી હોય?

        ભારત દેશે વિકાસની હોડ લગાવી અને મોટા-મોટા શહેરો ઉભા કાર્ય. ચારે તરફ મોટી મોટી મિલો અને કારખાનાથી ઘેરાયેલા શહેરો કોઈ જેલની દીવાલોની વચ્ચે ઉભા થયેલા કેદીઓના ઓરડા જેવા બન્યા. આ શહેરોમાં રહેતા લોકોને પણ એવો જ કોઈ રંગ લાગ્યો. મોટા-મોટા મકાનોમાં લોકોએ પોતાને પૂરી લીધા. આ કેવો વિકાસ છે જે ફક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી જ સીમિત છે, સેવાઓ અને સુવિધાઓ વિનાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોના માટે? જે જીવન-તરેહ માણસના જીવનમાંથી તેની માનવતા જ ઝુંટવી લે તો જીવીને શું કામ?

૬.

જાણીતા ફિલસૂફ મિશેલ ફૂકોના અવસાનના એક મહિના પછી, ૨૪ જુલાઈ ૧૯૮૪ના રોજ એનો જન્મ વડોદરા શેહરમાં થયો. આમ જુઓ તો આ દિવસ ઐતિહાસિક દ્રષ્ટીએ સાવ સામાન્ય, એના એક દિવસ અગાઉ વેનેસા વિલિયમ્સે, પેન્ટહાઉસમાં તેની નગ્ન તસ્વીરો પ્રદર્શિત થતા, પોતાનો મિસ અમેરિકાનો ખિતાબ પરત કર્યો હતો. અને બીજા દિવસે, એટલે કે ૨૫ જુલાઈ ૧૯૮૪ના રોજ સ્વેતલાના સ્વીત્સ્કાયા અવકાશમાં ચાલનાર પ્રથમ મહિલા બની હતી. પરંતુ ૧૯૮૪નુ વર્ષ ઓરવેલની નવલકથાના કારણે અગાઉથી ચર્ચામાં જ હતું, ભલે ઓરવેલે લખેલી કોઈ બાબત સાચી નહોતી પડી. પરંતુ આ પુસ્તકનો ઓછો-વધતો પ્રભાવ એમના પર જોવા મળતો, જોવા મળ્યો.

જ. જો ફુકો જીવતા હોત, તો એમણે શું લખ્યું હોત?

અ. ફુકો “હિસ્ટ્રી ઓફ ટેરરિઝ્મ” લખી રહ્યા છે.

જ. તો ઓરવેલજી, એ પાકિસ્તાન કે અફઘાનીસ્તાનમાં ડેટા એકઠા કરતા હશે, બરાબરને?

અ. ના, આ માટેની પ્રાથમિક માહિતી ઈઝરાઈલ અને અમેરિકામાંથી મળે છે.

જ. એવું કેમ?

અ. કારણ કે દુનિયામાં સહુથી મોટી મીડિયા કંપનીઓ અને બેંકો અહિયાં છે અથવા અહીના લોકો દ્વારા ચલાવવામાં આવે છે.

જ. મને તમારી પાસે બોલાવવાનો કોઈ ખાસ હેતુ?

અ. ૧૯૮૪નો વારસો તારે સાચવવો પડશે..

જ. એટલે?

અ. એટલે કે ઓરવેલના ‘ડબલસ્પીક’ને તારે દુનિયા સામે ખુલ્લું મુકવાનું છે.

જ. હું પ્રયત્ન જરૂર કરીશ.. પરંતુ શું ‘૧૯૮૪’ આ કામ માટે પુરતી છે?

અ. પુરતું તો અહિયાં કશું જ નથી, તારી સામે હવે નવા-નવા પ્રકારની કૃતિઓ (Texts) હશે, ફિલ્મો, જાહેરાતો, સમાચાર પત્રો, વિવિધ રમતો, વગેરે. મુખ્ય ઉદ્દેશ્ય છે નાગરિકોને સંદેશ પહોંચાડવા, અને તેમને સંદેશના અતિરેકથી નાગરિકોને એટલા વ્યસ્ત કરી દેવા કે તેઓ પોતાની મૂળભૂત સમસ્યાઓ વિષે વિચાર પણ ન કરી શકે.

        પછીનો સમય ‘જ’ ને ઘડતો ગયો, ૧૯૯૧-૯૨ના તોફાનો, મુક્ત-બજારીકરણ, ટી.વી., ફોન, વગેરે તો તે દશ વર્ષનો થયો તેના પેહલા જ આવી ગયા. ફરી પછી સત્તા બદલાઈ અને પોખરણ ધમાકાની સાથો-સાથ શાળાકીય પુસ્તકોના ભગવાકરણથી એક નવા જ યુગની શરૂઆત થઇ. ભારતીયકરણ ક્યાંક ને ક્યાંક હિંદુ ધર્મ સાથે સાંકળી દેવાયું. વચ્ચે ઈરાકનું યુદ્ધ પણ આવીને ગયું અને CNN જેવી અમેરિકન કંપનીઓને કરોડોનો લાભ કરાવી ગયું. ‘જ’ ને હવે સમજવા લાગ્યું કે આતંકવાદ કઈ રીતે થઇ રહ્યો છે, એ રોજ ૨૪ કલાક ચાલતી ન્યુજ ચેનલો જોતો. એક ચોક્કસ દ્રષ્ટિકોણથી સમાચાર પીરસાતા અને એમાં અવનવી જાહેરખબરો પણ જોવા મળતી. અને સહુ કોઈ એને બ્રહ્મવાણી સમજી સ્વીકારતું. જો આ સમાચાર કંપનીઓ આઝાદી પેહલા હોત તો આપણે ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને આતંકવાદી જ ગણતા હોત.

        એકવીસમી સદી નવી ઉત્ક્રાંતિ લઇને આવી. અમેરિકાએ જ તેય્યાર કરેલ અલ-કાયદા અમેરિકા પર હુમલો કરે છે અને પછી અમેરિકા આખા અફઘાનિસ્તાનને બરબાદ કરે છે. આતંકવાદના બે ચેહરા સામ-સામે જોવા મળ્યા, અંતે નુકશાન બંને દેશના નિર્દોષ નાગરિકોએ સહ્યું. અને અમેરિકાએ શરુ કરેલી આતંકવાદ વિરુદ્ધની લડાઈ હજી સુધી અટકી નથી, અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, પેલેસ્ટાઈન, અને એ પ્રગતિમાં જ છે. ભારતમાં પણ એકવીસમી સદી હિંસા લઈને પ્રવેશી. પહેલા જ દશકામાં ભારતે ક્યારેય ન જોયા હોય એવા કોમવાદી અને જાતીવાદી તોફાનો સર્જાયા. ઘણાને એનાથી ખુબ ફાયદો પણ થયો અને તેથી જ એ તોફાનો રોકાવાના સ્થાને નવા-નવા સ્થાનો પર રોકાવા લાગ્યા. જે તોફાનો પેહલા ફક્ત શહેરોમાં થતા, તે હવે નાના-નાના ગામ સુધી પહોંચી ગયા. અને તેની સાથે પહોંચ્યા વિવિધ સમાચાર ચેનલોના કેમેરા.

        આ બધાની સાથે સાથે એક તરફ શૈક્ષણિક વિભાગમાં સેલ્ફ-ફાયનાન્સ શિક્ષણ શરુ થયું, જેમાં ડીગ્રી આપવી એ આ સંસ્થાઓનું મુખ્ય કામ થઇ પાડ્યું. જેથી ડીગ્રીધારી વર્ગ બહાર આવ્યો, કે જેમનામાં વિવેચનાત્મક બુદ્ધિનો સદંતર અભાવ જોવા મળ્યો, એક આખો અંધ-ભક્ત વર્ગ અસ્તિત્વમાં આવ્યો. દરેક સરકાર માટે આ એક આદર્શ પરિસ્થિતિ હતી, કઈ પણ કર્યા વગર પોતાનો વ્યવસાય કરવાની આ ઉત્તમ તક દરેક નેતાને મળી. અનિવાર્ય સંજોગોમાં તેમેણ ધર્મ કે જ્ઞાતિના નામનો ઉપયોગ કરવો પડતો, પરિસ્થિતિ વધુ વિકટ થાય તો આતંકવાદી હુમલા તેમની મદદે પહોંચતા. કોર્પોરેટ લોકશાહી તેની ચરમ સીમાએ હતી.

૭.

આવા સંજોગોમાં દરેક કૃતિ, સીધી કે આડકતરી રીતે, બીજી ઘણી કૃતિઓ સાથે જોડાયેલી હોય છે. ફક્ત રાજકારણ, કે ફક્ત સંચાર-માધ્યમોનો અભ્યાસ અધુરો રહી જશે. ફિલ્મો જોવી, સમજવી પુરતી નથી, તેની સાથે જોડાયેલ તત્વચિંતનને જાણવું-સમજવું જરૂરી થઇ પડે છે. એક જાહેરાત અગણિત અર્થો લઇને આવે છે. આવી પરિસ્થિતિમાં એક કલાકાર, એક વિવેચક અને એક દર્શક-વાચકની જવાબદારીઓ ખુબ વધી જાય છે. અહી, કૃતિ-લક્ષી (Textual) કે કર્તા-લક્ષી (Authorial) વિશ્લેષણ ના ફક્ત અધૂરું રહે છે પરંતુ એ ભ્રામક પણ નીવડી શકે છે. અહી, કૃતિને સમજવા તેનો સંદર્ભ અને તેનો બીજી કૃતિઓ સાથેનો સંબંધ વધુ અર્થપૂર્ણ થઇ પડે છે. અને અહી કૃતિ કોઈ પુસ્તક કે કોઈ ફિલ્મ પુરતી મર્યાદિત નથી.

        ઉપરનું ચિત્ર ફક્ત શહેરને નાના રૂપમાં રજુ નથી કરતુ, તે શહેરની નાનપ રજુ કરે છે. શહેરમાં રહેતા દરેક વ્યક્તિએ આ બધું જ જોયું છે, જાણ્યું છે પરંતુ તેની સામે પ્રશ્ન નથી કર્યો. કલાકાર એ ન પુછાયેલા પ્રશ્નોને વાચા આપે છે. અર્બન-લેન્ડસ્કેપને ફ્રેમમાં જકડી એની મર્યાદાઓ આપણી સામે મૂકી આપે છે. શહેરી વિકાસના પરપોટાને તીક્ષ્ણ રંગોથી વીંધે છે. જો શહેર વિકાસનું સ્વરૂપ છે, તો અહી પણ વર્ગ-ભેદ, જાતી-ભેદ કેમ? આપણો ‘વિકાસ’ ભેદભાવથી ભર્યો કેમ છે? કેમ ચિત્રમાં ત્રણ અલગ-અલગ સિનેમાસ્કોપ પટ્ટીઓ છે? વાડાબંધી કેનવાસને પણ નથી છોડતી. આ ચિત્ર ફક્ત વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ નથી કરતુ, આ આપણા દેશના દરેક મોટા શહેરની હકીકત છે.

            કેટલાક પ્રશ્નોના ઉત્તરો શોધવાના નહિ પરંતુ બનવવાના હોય છે. અને તેના માટે જરૂરી એ હોય છે કે પેહલા પ્રશ્નને સમજી શકીએ. આજના મિડિયાના યુગમાં દરેક ચિત્ર સાથે એક કોમેન્ટ્રીની જરૂર પડે છે, ત્યારે જ ચિત્રનું મહત્વ સ્પષ્ટ થાય છે. આ કોમેન્ટ્રી કોઈ એક ચોક્કસ દ્રષ્ટિકોણથી પૂરી પડતી હોય છે, અને તેથી જ ચિત્રની બીજી બાજુને આપણે જોઈ અને સમજી નથી શકતા. અને ટી.વી., રેડીઓ, કે સિનેમાનું સત્ય કોઈ એક જ બાજુથી રજુ થયું હોય છે, તેને ફેરવીને તેની ઉલટ-તપાસ નથી થઇ શકતી. એ ચિત્ર પાછળ કોના રંગો અને કોની પીછીઓ છે તે પણ જાણી શકાતું નથી.

૮.

જ. તો આ ચિત્ર વિષે તમારું શું કેહવું છે?

અ. ખુબ સરસ! એક શહેરીને જોઈએ તે બદ્ધું જ આ ચિત્રમાં છે. રંગો, આકર્ષણ, બાઈક્સ, ઓટો રીક્ષા, રસ્તા, ફૂટપાથ, રેંકડીઓ, છોકરીઓ, ‘વિકાસ’, બદ્ધું જ.

જ. તમે આમાં શું ઉમેરવા માંગશો?

અ. કમ્યુનિકેશન. લગભગ દરેક અર્બન સીટીસ્કેપની જેમ અહી પણ સંચારનો અભાવ છે. દરેક ને આગળ વધવું છે, પાર્કિંગમાંથી ફૂટપાથ પર, ફૂટપાથથી ડિવાઈડર, ડિવાઈડરથી રસ્તા, અને રસ્તાથી રેંકડીઓ અને લારીઓ, અને ત્યાંથી પરત થવાનું. પરંતુ આ પરિક્રમાનો હેતુ ગુમ થઇ ગયો છે. સાથે કોઈ નથી, બધા જ સામે છે, બુકાની બાંધી ને, ચશ્માંથી આંખો છુપાવેલી છે. કે કદાચ અસલી ચેહરો સંતાડ્યો છે?

જ. અહી કોઈ સંચારમાધ્યમો પણ નથી અને એવા યંત્રો પણ નથી જે સંદેશની આપ-લે કરી શકે.

અ. યંત્રો અને માધ્યમો તો છે જ પણ વાત સંભાળવાનો-સમજવાનો આશય નથી. કમ્યુનિકેશન દ્વિપક્ષી પ્રવૃત્તિ છે. આધુનિક યુગનો પાયો છે, માધ્યમોનો અતિરેક, કમ્યુનિકેશનનો અતિરેક, માહિતીનો અતિરેક, પરંતુ આંતરસંબંધોમાં અર્થહીન અને અસરહીન સંદેશાઓ.

૯.

પ્રણબ ચક્રવર્તી અગરતલાથી ‘સંસ્કાર નગરી’ના ગુણગાન સાંભળી વડોદરા પહોંચ્યા હશે. ‘નગરી’ તો મળી ગઈ, સંસ્કારો એમણે પોતાના ચિત્રોમાં શોધવાનું શરુ કર્યું. નગરી પર થતી વિવિધ અસરોએ નગરીને જડ-મૂળથી બદલી નાખી, જેમાં રાજકીય પરિબળો મુખ્ય છે. એમના ઈશારે નાચતા સંચારમાધ્યમો એ પણ નગરીના રૂપ-રંગ બદલવામાં કઈ ઓછુ નથી રાખ્યું. કેટલાય કલાકારોના અવાજરૂપી ચિત્રોને રૂંધી નાખવામાં આવ્યા છે. હવે, રંગોની તિરાડોમાં વાંચવાની શક્તિ માણસને સાચવી શકશે; કે પછી કવિઓની અવનવી જોડણી મનુષ્યોને કોઈ નવો અને સાચો સંદેશ પહોંચાડે તો ‘સીટીસ્કેપ’ બહુ જલ્દી નયનરમ્ય થઇ શકશે.

Comments