એક હતી ગુજરાતી
તિબ્બતની
સ્વતંત્રતાની ચળવળમાં કાર્યરત એવા ઘણાં તિબ્બતી
મિત્રોને કારણે હાલમાં જ બે-ત્રણ સંગીત-સભામાં હાજરી આપવાની થઈ. ત્યાં મને સહુથી
રસપ્રદ વસ્તુ લાગી તિબ્બતી ગિટાર. આ ગિટાર આપણે જોયેલી વેસ્ટર્ન
ગિટારથી ખૂબ જ અલગ હતી. એનો આકાર નાનો હતો, એમાં પણ છ તાર (strings) હતા. પરંતુ, એ છ તાર બે-બેની જોડીમાં મુકાયેલા હતા, જેથી દૂરથી જોતાં ત્રણ જાડા તાર હોય તેવું લાગતું. આ પ્રકારની અલગ બનાવટના કારણે, તેના સૂર પણ વેસ્ટર્ન ગિટારથી બિલકુલ
અલગ હતા.૧ બીજા શબ્દોમાં કહીએ તો ગિટારમાં તિબ્બતી અવાજ હતો, પશ્ચિમી નહિ.
આ સંગીતસભામાં કેટલાક તિબ્બતી મિત્રોએ દેશની સ્વતંત્રતા અને સ્વમાન
માટે પોતાની ગિટાર પરથી સૂર છેડ્યા. એ કેટલું સારું હોય છે કે, જયારે તમે તમારા દુશ્મનને ઓળખી શકો છો. એ સમયે પોતાની
દરેક જણસ બચાવવાનો પ્રયત્ન કરી શકાય છે, ગિટાર પણ, સૂર પણ, અને અવાજ પણ. શું થશે જો ગુજરાતી અવાજ
જોખમમાં મૂકાશે તો? આપણી પાસે તો એવી કોઈ ગિટાર રહી નથી, જેનાથી આપણે સંપૂર્ણ ગુજરાતી સૂર લગાવી અને આપણાં જ તૂટતા
અને ભુંસાતા અવાજને બચાવી શકીએ. એ સમયે એવી કઈ વસ્તુ હશે કે જેને ગળે
લગાડીને આપણે રડી શકીશું? આપણાં ગરબાના સૂર તો ડી.જે. જેવા સાધનો દ્વારા
ક્યારનાય બજારીકરણની અડફેટમાં આવી ચૂક્યા છે. કે પછી આપણા સૂરનો, આપણા અવાજનો, કોઈ દુશ્મન જ નથી, કે જેને આપણે ખરેખર જોઈ, પારખી અને હરાવી શકીએ?
***
“વેકેશનના સમયે કોલેજની કેન્ટીનમાં બેસી વિદ્યાર્થીની રાહ જોવી”, કદાચ એને જ student-friendly approach કહેવતો હશે. વાત એમ હતી કે મારે એક
વિદેશી વિદ્યાર્થી સાથે ગુજરાત-મધ્યપ્રદેશની હદ પરના કેટલાક
ગામડાઓમાં જવાનું હતું, બે લગ્નમાં હાજરી આપી, ત્યાનું જીવન પણ જોવાનું હતું. હજી
સુધી એ વિદ્યાર્થી પોતાની બાઈક લઈ કોલેજના કેમ્પસમાં પહોંચ્યો
નથી. એના માટે તો ગામડું અને ત્યાંની રહેણીકરણી જોવી એ જ મોટું અચરજ છે, લગ્નના રીતિરિવાજ, શણગાર અને એ સમયનું લોકનૃત્ય તો વધારામાં. એક પછી એક ઓળખીતા વિદ્યાર્થીઓ આવીને ગયા, લગભગ સાંજે ૫.૪૫ વાગ્યે મારો સાથીદાર આવી પહોંચ્યો, અને અમે ગાડી હંકારી કલારાણી તરફ.
આમ જુઓ તો કલારાણી વડોદરાથી માંડ ૮૦
કિલોમીટર હશે, પરંતુ અંધારું થયા પછી ત્યાંના નાનકડા રસ્તા
વસ્તીના અભાવે ખૂબ બિહામણા લાગવા લાગ્યા. રસ્તાનો ભોમિયો હોવા છતાં મને
પોતાને શંકા થવા લાગી કે ખોટા રસ્તે તો નથી ચડી ગયા ને? છેવટે રંગલી ચોકડી આવી ને મારા જીવમાં જીવ આવ્યો. કલારાણીમાં મિત્રને ઘરે પહોચી એને ફોન કર્યો,
એ અમને ૫
કિલોમીટર અંદર આવેલા એક ગામડે લઈ ગયો, જ્યાં એના કાકાના છોકરાનું લગ્ન હતું.
લગ્નના મંડપમાં ગામડાનો અંધકાર તો હતો જ, સાથે બેન્ડવાજા કોઈ ગીત પણ વગાડી રહ્યા હતા, અને ઢોલીનો ઢોલ પણ વાગતો હતો. આ ઓછું
હોય તેમ માઈક પર કેટલીક છોકરીઓ લગ્નગીત ગાઈ રહી હતી. બધું જ એક સાથે
હોવાથી કઈ પણ ન હોવાનો આભાસ હતો. મહેમાનો વરરાજાને ખભા પર બેસાડી ઢોલના
તાલ પર હિલોળા લેતા હતા. તો પછી પ્રશ્ન થયો કે બેન્ડવાજા કોના માટે? મારા મિત્ર સાથે વાત કરતા ખબર પડી કે ઢોલી અહીંની સંસ્કૃતિ છે, અને માઈક પર ગાતી છોકરીઓ કોઈ છોકરાના લગ્નનો સંકેત કરે છે,
જો છોકરીના લગ્ન
હોત તો એ રડતી હોત. જયારે બેન્ડવાજા વરરાજા અને તેના મિત્રોની માંગણી છે.
ગીતોની રીધમ સારી હતી, પરંતુ શું ગાઈ રહ્યા છે તે સમજાતું ન હતું.
ક્યારેક કોઈ શબ્દથી ખબર પડતી કે આ તો ‘ગુજરાતી’માં જ ગાય છે. પરંતુ પછી એ શબ્દ સિવાય
કશું જ સમજાતું નહિ. એ વિશે પૂછતા થોડી મહેનત સાથે અર્થ બેસી જતો.
જમણમાં ગુજરાતી ભોજન હતું, દાળ-ભાત, પૂરી-શાક અને મિઠાઈ, અમારા માટે જુદી વ્યવસ્થા કરવામા આવી હતી. પરંતુ અમારી જીદને કારણે અમને પણ બધા
મહેમાનો સાથે પંગતમાં બેસી જમવાનો અવસર મળ્યો. જમ્યા પછી ઘરના સભ્યો તેમજ
મહેમાનોને મળી અમે લગ્ન-મંડપમાંથી નીકળી ગયા.
***
આ રસ્તાઓ પર રાતની મુસાફરી ખતરનાક
માનવામાં આવે છે, તેથી અમે બધાની સલાહ માની મિત્રને
ત્યાં રાત રોકાઈ સવારમાં આગળ વધવાનું નક્કી કર્યું. આશરે રાતના દોઢ
વાગે અમે ઝાડ નીચે કાથીના ખાટલામાં સુવા પડ્યા. દિવસનો થાક અને ભરપેટ
લિજ્જતદાર ભોજનના કારણે તરત નિંદરમાં સરી પડ્યા. સૂરજનો આછો તડકો, આંબાની ઠંડક અને પક્ષીઓના કલરવ વચ્ચે બીજો દિવસ
ઊગ્યો. અમે
ચા-પાણી કરી જેતપુર જવા નીકળ્યા, અને ત્યાંથી તેજગઢ તરફ આગળ વધ્યા.
તેજગઢથી થોડે અંદર અછાલાનો ડુંગર હતો, જ્યાં મહાભારત કાળ કરતાં પણ જૂના ગુફા-ચિત્રો હતા, જે મોટું આકર્ષણ હતું. વળી, ત્યાં એક સંગ્રહાલય પણ હતું, જે “ભાષા”ઓનો સંગ્રહ કરતું હતું. એક
ભાષાશાસ્ત્રી માટે એનાથી લોભામણું શું હોઈ શકે? ગુફા-ચિત્રો નિહાળ્યા. ડુંગર પરથી નીચે ઉતરી અમે સંગ્રહાલય તરફ ગયા. કાચના બીકરમાં
રાઠવી, ચૌધરી, ભીલી જેવી થોડી ભાષાઓ પણ જોઈ, પણ આનંદ કરતા થાક વધુ ચડિયાતો નીકળ્યો.
એટલે અમે લોકોએ આખું સંગ્રહાલય જોવાને બદલે આરામ કરવાનું
ઉચિત સમજ્યું. એથી અમે એક-એક ચોપડી લઈ ઝાડ નીચે આડા પડ્યા. આડા પડ્યા-પડ્યા હું
ભાષાઓના સંગ્રહાલયની બારીઓને જોઈ શકતો હતો. બધી જ બારીઓ અલગ-અલગ ભાષાઓની જેમ
જ રંગબેરંગી હતી, અને જોનારને અલગ-અલગ દ્રશ્ય પૂરું પાડતી હતી. વળી, આ બારીઓ ભાષાઓની જેમ રહસ્યમય તો ખરી જ. મને લાગ્યું કે સરવૈયાજીનું
પુસ્તકોનું સંગ્રહાલય આમાંની જ કોઈક બારીમાંથી શરૂ થતું હશે૨, પરંતુ મારા પુસ્તકો પ્રત્યેના અપૂરતા જ્ઞાન અને
અપૂરતા મોહને
કારણે હું એ પુસ્તકોનું સંગ્રહાલય ગોતી શક્યો નહી.
હજી તો માંડ કલાક જ થયો હશે ત્યાં બીજા
એક મિત્રનો છોટાઉદેપુરથી ફોન આવ્યો, અમે ગાડીને છોટાઉદેપુર તરફ હંકારી
મૂકી. અડધા કલાકમાં છોટાઉદેપુર , મિત્રને મળ્યા,
નાસ્તો કર્યો
અને આગળ વધ્યા, મધ્યપ્રદેશ તરફ, ખડકવાડા ગામ માટે. ઉનાળાની બપોરનો તડકો, ફૂંકાતી લૂ, નહીંવત ટ્રાફિક, પણ બંને તરફ ખુલ્લા ખેતરો,
લાલ માટી અને
પથ્થરો. મિત્ર પાસેથી જાણવા મળ્યું કે અહીં મુખ્યમંત્રી સાહેબની હરિયાળી ક્રાંતિ
નથી આવી. કદાચ, મંત્રીજી આ વિસ્તારને ગુજરાત ગણવાનું ભૂલી ગયા હશે, કારણ કે અહીંના મોટા ભાગના લોકો “ગુજરાતી” ગણાતી ભાષાને સમજી નહોતા શકતા. કલાકમાં
અમારા મોબાઈલે જણાવ્યું કે અમે મધ્યપ્રદેશમાં પહોંચી ચૂક્યા છીએ, ‘સરહદ વિનાના ભારત’ની વાત કરતા મોબાઈલ નેટવર્ક સરહદના સીમાડા એના વોચટાવરથી સતત જણાવતા રહે છે. જેવા અમે
મુખ્ય સડક છોડી કાચા, પથરાળ રસ્તા પર આવ્યા કે તરત જ અમારા
મિત્રનું ઘર આવ્યું. એનું ઘર ગુજરાતમાં હતું અને ખેતર
મધ્યપ્રદેશમાં. મારા માટે દુઃખની વાત એ હતી કે આટલું ભણવા છતાંય હું
ગુજરાત-મધ્યપ્રદેશને અલગ કરતી એ લીટી નહોતો જોઈ શકતો, અને ત્યાંના રહેવાસીઓને આ લીટી
શોધવામાં રસ નહોતો.
ઘરે પહોંચી બધાને મળ્યા, મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી, તેમની નાની-નાની છોકરીઓ, અને સંબંધીમાં લગ્ન હોવાને કારણે આવેલા
બહેન-બનેવી. બનેવીને અહીં લોકો “બ્હાણા” કહેતા, જે ગુજરાતીના “ભાણા”ને મળતું આવતું હતું. બ્હાણા તીર-કામઠું ચલાવવામાં પારંગત હતા. હાથ-મોં ધોઈ થોડો આરામ કર્યો ત્યાં જમવા
માટેની બૂમ આવી. અમારા માટે ભોજનમાં મકાઈના રોટલા અને ચિકન-મસાલા તૈયાર હતું, પરંતુ, શું અહીં લોકો એને ચિકન-મસાલા કહેતા
હશે? ભાઈ અમારા માટે બિયરની એક બોટલ લઈ આવ્યા, પરંતુ અમે બંને બિયર નહોતા પીતા એટલે
અમારે એમને નારાજ કરવા પડ્યા. ભાભી પીરસવા બેઠા, તે મધ્યપ્રદેશના હતા, તેમને ગુજરાતી બિલકુલ નહોતું આવડતું, તેમણે તૂટ્યા-ફૂટ્યા હિન્દીમાં અમારી
સાથે વાત કરવાની શરૂ કરી. પરંતુ મારું ધ્યાન તો પીરસાયેલી
થાળીમાં હતું, તેની સુગંધ અને સ્વાદ મોહક હતા. હું વિચારતો હતો કે આમને લખતાં-વાંચતાં આવડતું જ નથી, ટીવીનું કોઈ નામોનિશાન નથી,
તો પછી, આટલી સારી રેસીપી ભાભી કેવી રીતે શીખ્યા હશે?
મારાથી ન
રહેવાયું, “ભાભી તમે તરલા દલાલ કે સંજીવ કપૂરનું નામ સંભાળ્યું છે?” મેં પૂછ્યું, એ અચરજ ભરી આંખોથી મારી તરફ જોઈ રહ્યા, જેનો અર્થ મને “ના” લાગ્યો.
સાંજે જમ્યા પછી અમે ઝાડ નીચે ખાટલો
ઢાળી વાતો વાગોળતાં હતાં. અમારી ઈચ્છા હતી કે અમે હમણાં જ નીકળી પાવીજેતપુર
પહોચી જઈએ, સવારે ત્યાંથી વડોદરા. અચાનક એક ભાઈ
દોડતા આવ્યા અને મારા મિત્રને કોઈના અવસાન વિશે વાત કરી. મારા મિત્રે
મને જણાવ્યું કે ગુજરાતીનું અવસાન થયું છે અને અંતિમસંસ્કાર માટે અહીં
લાવ્યા છે, આપણે બધાએ જવું જોઈએ. મેં પ્રશ્ન કર્યો,
“અંતિમસંસ્કાર શા
માટે? પેલા ભાષાઓના સંગ્રહાલયમાં થોડો મસાલો ભરી કેમ ન મૂકી શકાય?”
“એના કોઈ અવશેષ ન બચી જાય, અને એની સદ્-ગતિ થાય એટલા માટે અંતિમસંસ્કાર કરવાના છે.” પેલા આવનાર ભાઈએ જણાવ્યું.
“તો પછી અંતિમસંસ્કાર છેક અહીંયા, ખડકવાડામાં, શા માટે?”
“કારણ કે ગુજરાતીનું અવસાન નથી થયું, પણ તેની હત્યા કરી છે, અને તેમાં અંદરના જ માણસોનો હાથ છે, વાત આગળ ન વધે એટલે બધું કામ અહીં જ પૂરું કરવાનું છે.” પેલા ભાઈએ દબાતા અવાજે આજુબાજુ કોઈ જોઈ ન લે, તેમ જણાવ્યું. મને એ ખબર જ ન પડી કે આ ‘અંદરના માણસો’ હતાં કોણ?
“એના કોઈ અવશેષ ન બચી જાય, અને એની સદ્-ગતિ થાય એટલા માટે અંતિમસંસ્કાર કરવાના છે.” પેલા આવનાર ભાઈએ જણાવ્યું.
“તો પછી અંતિમસંસ્કાર છેક અહીંયા, ખડકવાડામાં, શા માટે?”
“કારણ કે ગુજરાતીનું અવસાન નથી થયું, પણ તેની હત્યા કરી છે, અને તેમાં અંદરના જ માણસોનો હાથ છે, વાત આગળ ન વધે એટલે બધું કામ અહીં જ પૂરું કરવાનું છે.” પેલા ભાઈએ દબાતા અવાજે આજુબાજુ કોઈ જોઈ ન લે, તેમ જણાવ્યું. મને એ ખબર જ ન પડી કે આ ‘અંદરના માણસો’ હતાં કોણ?
અમે બધા એ નાનકડાં ગામને પાદરે એક સૂકા ખેતરના
ખૂણામાં પહોંચ્યા. ચિતા તૈયાર હતી, મોઢું પણ જોવાનું ન હતું. અહીંયા થોડા બીજા પણ “બ્હારવાળા” દેખાતા હતા. એક ખૂણામાં સફેદ ધોતી અને
ગોળ ચશ્મામાં એક વૃદ્ધ ઊભા હતા, એ ખૂબ જ દુઃખી દેખાતા હતા. પછી જાણવા
મળ્યું કે ગુજરાતીને મહત્તા અપાવવા માટેનો સૌપ્રથમ “સાર્થ”ક પ્રયાસ તેમના દ્વારા થયો હતો. બીજી તરફ ડિઝાઈનર ઝભ્ભામાં સજ્જ, વૃદ્ધ કહી શકાય એવા વ્યક્તિ દેખાયા. એમને ગુજરાતીને બચાવવા માટે લોહીના બોટલ એકઠા કરવા ગુજરાતભરમાં રેલી
કાઢી હતી. અહીં, મારા સિવાય બીજા પણ કેટલાક
ભાષાશાસ્ત્રી હતા, તેમની ઈચ્છા હતી કે ગુજરાતીનું સંપૂર્ણ પોસ્ટમોર્ટમ
કરવામાં આવે કારણ કે તેને અને તેના મૃત્યુના કારણોને લોકો હજી સારી રીતે
સમજી શક્યા નથી.
આ બધી ગડમથલની વચ્ચે દિવસની સાથે સાથે
ગુજરાતીની ચિતા પણ શમી ગઈ. હું વિચારતો હતો કે ગુજરાતીમાં આટલાં બધાં પુસ્તકો
લખાયાં છે, ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશે દશકાઓથી લખાતું આવ્યુ છે, રોજેરોજ છાપાં અને ચોપાનિયાં ગુજરાતીમાં છપાય છે, બીજું તો ઠીક,
દર શુક્રવારે
કોઈ ને કોઈ નવી ગુજરાતી ફિલ્મ આવે છે. શાળાઓ મહાશાળાઓમાં ગુજરાતી ભણાવાય છે, તો પછી ગુજરાતી મરી જ કેવી રીતે શકે? અને જો ગુજરાતી મરી શકતી હોય તો આ બધી
નાની-મોટી ભાષાઓ કે જે ભણાવવામાં પણ નથી આવતી એમનું ભવિષ્ય શું?
રાતે બધાં ઝાડ નીચે ખાટલા પાથરી બેઠા હતા, ત્યારે ઘરડા દાદાએ એક વાર્તા શરૂ કરી.
મને દાદાના શબ્દોમાં ઝાઝી સમજ પડી નહોતી,
પણ જે વાર્તા
મને સમજાઈ તે જણાવું: વાર્તા હતી સિંહ અને હાથીની, બંને એક જંગલમાં રહેતા હતા. હાથી
પોતાના સુખી પરિવાર સાથે રહેતો હતો, જંગલમાં બધા એના મિત્રો, ખૂબ જ સમજદાર. એક દિવસ એણે જંગલના રાજા સિંહને જતા જોયો, સૌ પ્રાણીઓ એનો આદર કરતા, મોટાભાગે બીકના કારણે. ગમે તેટલો આદર આપો, તેમ છતાંય એક દિવસ તો સિંહ તમારો શિકાર
કરવાનો જ છે. હાથી આ જોઈ ન શક્યો, એણે સિંહ સામે બાથ ભીડી.
સિંહે જણાવ્યું, “તારી લાયકાત નથી મારી સામે થવાની અને લડવાની.”
હાથીનું આત્મસન્માન ઘવાયું, “કેમ?”
“તું તો કદરૂપો છે, કાળો છે, વળી તારી પાસે અમારી – સિંહોની – ભાષા પણ નથી.”
આટલું બોલી સિંહ તો જતો રહ્યો પરંતુ હાથી ને ઊંડા વિચારમાં છોડી ગયો. તેણે નક્કી કર્યું કે તે સિંહની ભાષા શીખીને જ રહેશે, અને સિંહના સ્થાને પોતાની સત્તા સ્થાપિત કરશે.
સિંહે જણાવ્યું, “તારી લાયકાત નથી મારી સામે થવાની અને લડવાની.”
હાથીનું આત્મસન્માન ઘવાયું, “કેમ?”
“તું તો કદરૂપો છે, કાળો છે, વળી તારી પાસે અમારી – સિંહોની – ભાષા પણ નથી.”
આટલું બોલી સિંહ તો જતો રહ્યો પરંતુ હાથી ને ઊંડા વિચારમાં છોડી ગયો. તેણે નક્કી કર્યું કે તે સિંહની ભાષા શીખીને જ રહેશે, અને સિંહના સ્થાને પોતાની સત્તા સ્થાપિત કરશે.
થોડા દિવસની શોધખોળ પછી હાથીને એક
કાગડો મળ્યો. કાગડાનો દાવો હતો કે તે વર્ષો સુધી સિંહના ટોળા સાથે રહ્યો
હતો, તેમના શિકારમાંથી બચેલું માંસ ખાતો હતો. એટલે એણે સિંહ-ભાષા ખૂબ સારી
રીતે આવડે છે. અને તે હાથી ને શીખવશે.
હાથી તેની પાસેથી ભાષા શીખવા લાગ્યો અને થોડા જ સમયમાં બીજા હાથીઓ અને બીજા નાના પ્રાણીઓ સામે સિંહ-ભાષામાં રૂઆબ છાંટવા લાગ્યો. બધા પ્રાણીઓ માં એનો દરજ્જો વધી
ગયો અને એનું જોઈ બીજા પ્રાણીઓ પણ સિંહ-ભાષા શીખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એક
દિવસ હાથીની મુલાકાત વાઘ સાથે થઇ, હાથીએ તેની સામે પણ સિંહ-ભાષામાં બડાઈ
શરૂ કરી દીધી, પણ વાઘને તેનાથી કઈ જ ફરક ન પડ્યો.
વાઘે હાથીને સમજાવ્યો કે, “સિંહ જંગલનો રાજા ગણાય છે કારણ કે બધા
પ્રાણીઓ તેને જંગલનો રાજા મને છે. સત્તા હંમેશા દ્રિપક્ષી
હોય છે. મારા
માટે સિંહ જંગલનો રાજા નથી કારણ કે હું એને રાજા માનતો નથી. તેથી સિંહ-ભાષાની નારા
પર કાંઈ પણ અસર નહી થાય.” હાથી ઉદાસ થઇ ત્યાંથી જવા લાગ્યો, ત્યારે વાઘે તેને પોતાની ઓળખ, પોતાનું “હાથી-પણું”, સાચવી રાખવાની સલાહ આપી.
ઠંડી-ઠંડી હવાને કારણે મારી આંખ મિંચાઇ ગઈ. વાર્તા તો આગળ ચાલતી રહી હશે પણ હું એ ન જાણી
શક્યો કે સિંહ અને હાથી ફરી મળ્યા કે નહી? હાથીનો સિંહ દ્વારા સ્વીકાર થયો કે
શિકાર થયો? સિંહ-ભાષા અને હાથી-ભાષા વિશે હું આગળ
જાણી શક્યો નહી.
બીજા દિવસે સવારમાં વડોદરા પરત થવા
માટે અમે ગાડી હંકારી, ને જતા જતા ફરી એક વખત ભાષાઓના સંગ્રહાલયની ઊડતી
મૂલાકાત લેવાનું વિચાર્યું. રસ્તામાં એક આદિવાસી પોતાના ખોલરાની ભીંતે
પીઠોરાનું ચિત્ર દોરતો હતો, તેમાં પોતાની પીંછીથી મૃત ભાષાઓની યાદીમાં
ગુજરાતીનું નામ ઉમેરી રહ્યો હતો, એની પોતાની માતૃભાષા એ યાદીમાં સૌથી આગળ હતી.
***
વડોદરા શહેરના રસ્તાઓની બંને બાજુ મોટા મોટા અંગ્રેજી
હોર્ડિંગ જોઈ મને હાથીની યાદ આવી ગઈ અને આગળ શું થયું હશે એનું અનુમાન કરવા
લાગ્યો. મારું મન તો કહેતું હતું કે “હાથી-ભાષા’નો પણ, કોઈને ખબર ન પડે એમ, અંતિમસંસ્કાર થઇ ગયો હશે૩.
નોંધ:
૧. તિબ્બતી ગિટાર વિશેની માહીતી બદલ હું ત્સેવાંગ આર્ય અને મેગ્નસ રોબર્ટસનો આભારી છું.
૨. સરવૈયા, અજય (૨૦૧૦) “તમે જે ચાહો તે અહીં મળશે”. ફેક્ટ અને ફિક્શન અને બીજી વાર્તાઓ: ૨૩-૩૫. નવભારત સાહિત્ય મંદિર.
૩. વિવેચન અને સુચનો બદલ હું ડૉ. રાજેશ પંડ્યા અને ડૉ. એન. એસ. પરમાર નો આભારી છું.
૧. તિબ્બતી ગિટાર વિશેની માહીતી બદલ હું ત્સેવાંગ આર્ય અને મેગ્નસ રોબર્ટસનો આભારી છું.
૨. સરવૈયા, અજય (૨૦૧૦) “તમે જે ચાહો તે અહીં મળશે”. ફેક્ટ અને ફિક્શન અને બીજી વાર્તાઓ: ૨૩-૩૫. નવભારત સાહિત્ય મંદિર.
૩. વિવેચન અને સુચનો બદલ હું ડૉ. રાજેશ પંડ્યા અને ડૉ. એન. એસ. પરમાર નો આભારી છું.
Now, officially published in Parivesh - A Gujarati Quarterly: 76-80 [ISSN 2319-1872] with minor modifications..
Language is an ornamental identity of its region specific. Superb and full of anxiety. I recalled our sudden interaction on language in a stationery shop about the language and its varieties.
ReplyDeletethank you for the comment.. there is an important connection between Language and Identity, but the full-significance is yet to identify. I am taking the route of culture to understand the same.
ReplyDeleteVery nice sir culture and language
ReplyDeletethank you Divya.
ReplyDeleteખૂબ સરસ લખ્યું છે.. અભિનંદન..
ReplyDeleteઆભાર.
Delete