રોલાં બાર્થ: સંકેત અને પ્રતિબદ્ધતા


Image result for roland barthes"

*

એમ.એ.ના અભ્યાસ દરમિયાન જાહેરાત પર શોધનિબંધ કરતો હતો ત્યારે મારા શિક્ષક તેમજ માર્ગદર્શક અજય સરવૈયાએ મને રોલાં બાર્થ (Roland Barthes)નું Mythologies પુસ્તક સૂચવ્યું, અને ત્યારથી શરુ થયો મારો રોલાં બાર્થ સાથેનો સંબંધ. બાર્થનું સંકેતવિજ્ઞાન પરનું કામ મારા રસનો વિષય હતું, જે આગળ જતાં મારાં બીજાં સંશોધનમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડ્યું. આજે પણ બાર્થનું કામ વિવિધ વિદ્યાશાખાઓ અને અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અઢળક લખાણ તેમજ પ્રભાવ છતાં પણ “બાર્થીયન” કહેવાતા અભ્યાસીઓ કે શાખા જન્મી નથી. એનું એક મુખ્ય કારણ છે કે બાર્થ અલગ-અલગ અભ્યાસુઓ માટે અલગ-અલગ અર્થ ધરાવે છે, ઘણા માટે એ સંરચનાવાદી સંકેત-વિજ્ઞાની છે, તો ઘણા માટે એ અનુ-આધુનિકતાવાદી છે. એમનું કામ ફેશનની ટેગ-લાઈનથી લઈ ક્લાસિકલ સાહિત્ય સુધી વિસ્તરેલ છે. બાર્થના લેખનનું વિષયવસ્તુ એના સમય પ્રમાણે ખૂબ જ આધુનિક અને અલગ હતું. એમણે ફોટોગ્રાફીથી લઈ ફિલ્મો પર પણ લખ્યું; રેસલિંગ ફાઈટથી લઈ ક્લાસિકલ ડ્રામા, જાહેરાત, રાજકારણ, પેરીસ, આઇન્સ્ટાઇનનું મગજ, વગેરે. એમના કામમાં સંકેતવિજ્ઞાનના સિદ્ધાંત, સાહિત્યિક વિવેચન, ઇતિહાસને લગતું લેખન, મનોવૈજ્ઞાનિક લેખન, તેમજ વ્યક્તિગત લેખનનો સમાવેશ થાય છે. પોતાની આખી કારકિર્દીમાં બાર્થ ભાષા અને તેના દ્વારા સૂચવાતા અને ઉપયોગમાં લેવાતા માનવીય સંબંધોને સમજવાનો પ્રયત્ન કરે છે.
          રોલાં બાર્થનો જન્મ ચેરબર્ગ (Cherbourg)માં ૧૯૧૫માં થયો હતો. જન્મનાં વર્ષની અંદર જ એમના પિતાનું મૃત્યુ થયું હતું, તેથી એમનો ઉછેર માતા અને દાદા-દાદી સાથે થયો હતો. ૧૯૩૪થી ૧૯૪૭ના ગાળા દરમિયાન એઓ ક્ષયરોગથી પીડાતા રહ્યા. અને રોગમુક્ત થવા માટેના આરામના ગાળા દરમિયાન એમણે ખૂબ જ ગહન વાચન અને અધ્યયન કર્યું, જેના ફળસ્વરૂપે એમણે પોતાનો પહેલો લેખ આન્દ્રે ઝિદ (Andre Gide) પર પ્રકાશિત કર્યો. એમનું મૃત્યુ ૧૯૮૦માં પેરીસ (Paris) ખાતે એક અકસ્માતમાં  થયું.

*

બાર્થ ૧૯૫૦માં ફ્રેંચ વિવેચનાત્મક કાર્યમાં પ્રવેશ્યા. બાર્થ પર માર્કસવાદ અને અસ્તિત્વવાદી ફિલોસોફી અને સાહિત્યનો પ્રભાવ જોવા મળે છે. તે જીન-પોલ સાર્ત્ર (Jean-Paul Sartre) ના કામથી પણ ખૂબ પ્રભાવિત હતા. બાર્થનું પુસ્તક “Writing Degree Zero (Barthes 1968) સાર્ત્રના “What is Literature?(Sartre, 1949) થી ખૂબ જ પ્રભાવિત હોવા છતાં, “પ્રતિબદ્ધતા” (Commitment)ના મુદ્દે એનાથી અલગ પડે છે. સાર્ત્રનું લખાણ ખૂબ આદર્શવાદી હતું, જે સહેલાઇપૂર્વક અનુસરી શકાય એમ ના હતું. ‘What is literature?’નું મોટાભાગનું લખાણ લેખકની સ્વતંત્રતા અને પ્રતિબદ્ધતા સામેના પ્રશ્નો અને પડકારો વિષે હતું. સાર્ત્રના આશાવાદી વલણ છતાં, એણે ક્યા લેખનને ‘પ્રતિબદ્ધ’ કહેવું એ સૂચવ્યું નથી. સાર્ત્રના વિશ્લેષણમાં સાહિત્યિક સ્વરૂપ (Form) વિષે પૂરતું ધ્યાન અપાયું નથી. બાર્થ પોતાનું કામ આ – સ્વરૂપના – મુદ્દાથી શરુ કરે છે.
          આ પુસ્તક સૈદ્ધાંતિક અને ઐતિહાસિક એમ બે ભાગમાં વહેચાયેલું છે. બાર્થનું ઐતિહાસિક આલેખન, સાર્ત્રે આપેલ ઐતિહાસિક વિકાસ કરતાં અલગ, ભાષા, શૈલી અને લેખન (écriture) પર આધારિત છે. જો, સાર્ત્ર કહે છે તેમ, પ્રતિબદ્ધતા એ લેખકે પસંદ કરેલ વિકલ્પો પર આધારિત હોય તો, બાર્થના મતે, લેખકે પોતાની પસંદગીની સ્વતંત્રતા જે ક્ષેત્રમાં ઉપયોગમાં લીધી હોય તે ક્ષેત્રનો આપણે અભ્યાસ કરવો રહ્યો. લેખકોનું અસ્તિત્વ અને પસંદગીની સ્વતંત્રતા ભાષા પર આધારિત હોય છે. લેખક જે સાહિત્યિક ભાષામાં અસ્તિત્વ ધરાવે છે તેનું પોતાનું સ્વરૂપ હોય છે, પરંપરા હોય છે, તેના પ્રકાર અને સંહિતા (code) પણ હોય છે. કોઈ પણ લેખક પોતાની સાહિત્યિક ભાષાને જન્મ આપતો નથી; સ્થાપિત થયેલ ભાષા અને તેની સાથેના સંઘર્ષથી લેખક બનતો હોય છે. સાર્ત્ર માટે પ્રતિબદ્ધતા લેખનના સંદેશ (Message) સાથે સંકળાયેલ છે, જયારે બાર્થ માટે પ્રતિબદ્ધતા લેખન દ્વારા થતા પ્રત્યાયન (Communication) સાથે સંકળાયેલ છે. અહીં, બાર્થ લેખનને સીધે-સીધું વિચારધારા (Ideology) સાથે જોડે છે.
          બાર્થ મિશલે (Michelet) વિષે લખતા કહે છે કે તેના ઇતિહાસ પરના વિચારો સાવ સામાન્ય છે, તેને એક ઇતિહાસવિદ તરીકે નહિ પરંતુ એક લેખક તરીકે જોવો વધુ રસપ્રદ છે. રોબ-ગ્રીયે (Robbe-Grillet)ની નવલકથાઓ વિષે વાત કરતા બાર્થ કહે છે કે એ એક નવીન પ્રકારનું લખાણ ઉત્પન્ન કરે છે, જે બુર્ઝવા સાહિત્યના બંધનોથી મુક્ત છે. પરંતુ આવાં-ગાર્ડ (Avant-Garde)નું લેબલ લગાવી આવા સાહિત્યને બુર્ઝવા સંસ્કૃતિમાં સમાવિષ્ટ કરવાના પ્રયત્નો થાય છે. બાર્થ માટે કળા ત્યારે જ ક્રાંતિકારી બને છે જયારે તે વિશ્વ સમક્ષ પ્રશ્નો ઊભા કરે; એ પ્રશ્નો દ્વારા બુર્ઝવા સમાજે જેને સાચું, સહજ અને સ્વાભાવિક તરીકે સ્વીકાર્યું અને રજૂ કર્યું છે, તેને ખુલ્લું પાડે ત્યારે જ કળા સાચા અર્થમાં ક્રાંતિકારી બની રહે. વિવેચકની પ્રતિબદ્ધતા કોઈ એક જ ઢબના લેખન પ્રત્યે અથવા તો કોઈ ચોક્કસ સાહિત્યિક કે બૌદ્ધિક ચળવળ પ્રત્યે નહિ, પરંતુ સ્વતંત્ર અને સતત વિવિધ ચળવળ સાથે અનુકુલન સાધતી હોવી જોઈએ. બાર્થનું માનવું હતું કે લેખન હમેશાં રાજનૈતિક અને નૈતિક જવાબદારીથી ભરેલું હોય છે; એ સામાજિક સંબંધો સમજવાનું એક સાધન બની રહે છે. બાર્થ માટે સાહિત્ય લેખન એ રૂઢિવાદનો વિરોધ, વિચારોની મોકળાશ અને સાહિત્યિક રજૂઆતમાં જ ઘર કરી બેઠેલા વિચારો પર પ્રહાર કરતું એક માધ્યમ છે. “Writing Degree Zero” માં બાર્થ કહે છે કે ભાષા એક સ્વાયત્ત સંરચના છે, અને સાહિત્યિક કૃતિ (Text) કોઈ વિચારધારાનું માધ્યમ નથી. બાર્થ માટે બુર્ઝવા યુગ એ સાહિત્યને સત્યાભાસ તરીકે પ્રસ્થાપિત કરતી વિચારધારાનો યુગ છે. શૂન્ય ડીગ્રીનું લેખન, તેનાથી વિપરીત, શૈલીની શૂન્યતાને કારણે પોતાના તરફ ધ્યાનાકર્ષિત કરે છે. શૈલી એ વાતનો પુરાવો છે કે લેખન કાર્ય સાહજિક નથી હોતું, અને એને સાહજિક તરીકે મૂકવું એ એક વિચારધારા છે.

*

સ્યોસુર (Saussure) પોતાના પુસ્તક “Course in General Linguistics (Saussure 1983) માં એવા વિજ્ઞાનની કલ્પના બાંધે છે જે માનવીય સંકેતોની રચનાને વ્યવસ્થિત રીતે વાંચી શકે. સ્યોસુર સંકેત (Sign) ની વિભાવના બાંધતા કહે છે કે એ સંકેતક (Signifier) અને સંકેતિત (Signified) નું સંયોજન છે. સંકેતક અને સંકેતિતનો સંબંધ યાદચ્ચિક (arbitrary) હોય છે. ભાષાવિજ્ઞાન (Linguistics) ફક્ત ભાષાકીય સંકેતોનો અભ્યાસ કરતું, જયારે બાર્થ સંકેતવિજ્ઞાન દ્વારા દરેક અર્થસૂચક પાસાંનો અભ્યાસ કરવા માંગતા હતા, ભલે પછી એ ભાષા હોય, છબી હોય કે કોઈ સાંસ્કૃતિક નમૂનો હોય. બાર્થે સંકેતવિજ્ઞાન અને તેના વિવિધ વિભાવોને ભાષા સિવાયના સંકેતો પર લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો. સંકેતવિજ્ઞાન એ ભાષા આ વિશ્વને કઈ રીતે વાચા આપે છે એનો અભ્યાસ છે, અને તેથી જ બાર્થ માને છે કે એ ભાષાવિજ્ઞાનની શાખા નથી, પરંતુ વ્યાપક ભાષાવિજ્ઞાન સંકેતવિજ્ઞાનની શાખા છે. સંકેતવિજ્ઞાની ફક્ત ભાષા પર નિર્ભર રહી શકતો નથી. દરેક વસ્તુ જેને નામ અપાયું છે તે અર્થસભર છે અને જેને નામ નથી અપાયું તે અર્થહીન છે એવું માનવું યોગ્ય છે.
          સ્યોસુરની સંકેતની વિભાવના વિચારધારા-રહિત/તટસ્થ (neutral) હતી. બાર્થનું સહુથી મહત્ત્વનું પ્રદાન છે કે એણે સંકેતને વિચારધારા સાથે જોડી આપ્યો. આ કાર્ય માટે તેણે સંકેતવિજ્ઞાન (Semiotics/Semiology) માં મીથ (Myth) નું મોડલ ઘડયું. “માયથોલોઝીઝ” (Barthes 1972) પુસ્તકમાં બુર્ઝવા (bourgeois) સમાજ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર બાર્થના વિચારો પ્રકટ થાય છે, છેલ્લા નિબંધ, “Myth Today”, માં એમણે પોતાનું સંકેતવિજ્ઞાનનું મોડલ આપ્યું છે, જે “મીથ” (Myth) ના નામથી જાણીતું બન્યું છે. એમનું આ મોડલ સ્યોસુરના સંકેતના ખ્યાલના આધારે ઘડાયું છે, પરંતુ તેના કરતા એક ડગલું આગળ વધી, એ વિચારધારા પર કામ કરે છે. એમના માટે ભાષા એ સામાજિક અને સાંસ્કૃતિક માળખાને સમજવાનો એક આધાર હતો. બાર્થના નિદર્શન પ્રમાણે, સંકેત બે સ્તર પર કામ કરે છે: પહેલું સ્તર સ્યોસુરની સંકેતની વિભાવના છે, જેમાં સંકેત સંકેતિત અને સંકેતકથી બનેલો છે, આ બંને ભેગા મળી એક સંકેતનું નિર્માણ કરે છે. પરંતુ બીજા સ્તર પર આ આખો સંકેત માત્ર સંકેતક બની રહે છે. બાર્થ કહે છે કે પહેલું સ્તર ભાષાકીય સંરચના છે જયારે બીજું સ્તર મીથની સંરચના બને છે. બાર્થ કહે છે કે આજે મીથ એ એક સંદેશ છે, કોઈ ધારણા કે વિચાર નથી. મીથ એ વાણીની બનાવટ છે, ભાષાની નહિ. બાર્થ કહે છે કે મીથ કશું સંતાડતી નથી અને તેથી જ તેનો પ્રભાવ નિ:શંક છે, એની પ્રગટીકરણની શક્તિ એ જ તેનું વિકૃતીકરણનું માધ્યમ છે. જો મીથની વિચારધારા દેખીતી હોય તો એ મીથ નથી, મીથ બનવા માટે એ સહજ હોવી જોઈએ. સફળ મીથ એ જ છે જે મીથ તરીકેનું વિશ્લેષણ ન પામી શકે.
 Image result for barthes model of myth"
બાર્થનું મીથનું મોડલ. (Barthes 1991: 113)

          બાર્થ ગુલાબના ફૂલના ઉદાહરણ દ્વારા મીથ વિષે વાત કરે છે. ઉપર આપેલ ઉદાહરણ બાર્થના લખાણમાં નથી, હું આ ઉદાહરણ લઈ આગળ વાત કરીશ. અહી, ઉપરની આકૃતિમાં ઘોડાની નાળનું ઉદાહરણ આપેલ છે. અંગ્રેજીમાં આ ચોક્કસ ધ્વનિ-સાંકળ અથવા અંગ્રેજી ભાષાની આ વર્ણમાળા-હરોળ (H-O-R-S-E-S-H-O-E) મનુષ્યના મનમાં એક ચોક્કસ વિભાવનું ઉદ્દીપન કરે છે. અહીં, આ ધ્વની-સાંકળ અથવા વર્ણમાળા-હરોળ સંકેતક છે અને “ઘોડાની નાળ”નો  વિભાવ સંકેતિત છે. બંને એકઠા મળી “નાળ”ના સંકેતને જન્મ આપે છે. અહી સુધી બાર્થ સ્યોસુરના મોડલનું અનુશરણ કરે છે, એને બાર્થ ભાષાકીય વ્યવસ્થા કહે છે, જે પ્રથમ ક્રમની સાંકેતિક વ્યવસ્થા છે. દ્વિતીય ક્રમની વ્યવસ્થા, એટલે કે મીથની વ્યવસ્થામાં, પ્રથમ ક્રમનો સંકેત સંકેતક બની જાય છે અને “નાળના શુભ હોવાનો ખ્યાલ”, એ એનો સંકેતિત બને છે. આ સંકેતક અને સંકેતિત ભેગા મળી એક નવા મીથીક સંકેતને જન્મ આપે છે, જેનો અર્થ થાય છે કે “ઘોડાની નાળ શુભ છે.” આ માન્યતા જે-તે સમાજ અને સંસ્કૃતિ આધારિત છે. મીથનું કામ આવી માન્યતાઓને સ્વાભાવિક બનાવવાનું છે.  
          બાર્થનું સંકેતવિજ્ઞાનનું કામ સ્યોસુરના ભાષાના સંરચનાત્મક મોડલ પર આધારિત છે, પરંતુ એનાથી એક પગલું આગળ વધીને બાર્થ પ્રાકૃતિક ભાષા અને બીજા સંકેતોની રચના-વ્યવસ્થા (Sign system) વચ્ચેનો સંબંધ તપાસે છે. બાર્થ પોતાના મીથના મોડલને દ્વિતીય ક્રમની સાંકેતિક રચના (Second order semiological system) કહે છે, ભાષાની વ્યવસ્થા પ્રાથમિક છે.  બાર્થ માટે આ દ્વિતીય ક્રમની સાંકેતિક રચના પણ એક ભાષા છે, ભલે પછી એ શાબ્દિક હોય કે દ્રશ્ય-વિષયક. એમના ચિંતનનો એક વિષય એ પણ હતો કે આ દ્વિતીય ક્રમની રચના પ્રાથમિક રચનાથી કઈ રીતે અલગ પડે છે, અને સંકેતવિજ્ઞાનના ઉત્કર્ષ માટે આ દ્વિતીય ક્રમની રચના કેટલી મહત્ત્વની છે. મીથ એ પહેલાથી અસ્તિત્વ ધરાવતી સાંકેતિક સાંકળ ઉપર બનવા પામે છે. દ્વિતીય ક્રમના અર્થ વિષે વાત કરતા બાર્થ સૂચિતાર્થ (Connotation) વિષે પણ વાત કરે છે જેને એ ‘ભાષા’ પર નભતું પરોપજીવી કહે છે. દ્વિતીય ક્રમ સુધી પહોંચવામાં પ્રથમ ક્રમના ભાષાકીય સંકેતના વિભેદ્ક (differential) અને યાદચ્ચિક (arbitrary) ગુણધર્મોમાં ઘટ જોવા મળે છે. દ્વિતીય ક્રમના સંકેત હમેશા પ્રથમ ક્રમ પર નિર્ભર રહે છે, જેમ સુચિતાર્થ અર્થસૂચકતા (denotation) પર અને મીથ ભાષા પર નિર્ભર છે. દ્વિતીય ક્રમમાં સંકેતક અને સંકેતિત વચ્ચેના આંતરસંબંધને બાર્થ signification કહે છે. આ signification પ્રથમ ક્રમની સાંકેતિક પ્રક્રિયાનું જ સ્વાભાવિક પરિણામ હોય એ રીતે સામે આવે છે. પ્રાથમિક વ્યવસ્થામાંથી દ્વિતીય વ્યવસ્થાના આ રૂપાંતરમાં યાદચ્છિકનું પ્રેરીતમાં, કૃત્રિમનું સ્વાભાવિકમાં અને સાંકેતિક મૂળનું તથ્યમાં રૂપાંતર જોવા મળે છે. વાચક મીથને નિર્દોષપણે સ્વીકારે છે કારણ કે એ એને સાંકેતિક રચના તરીકે નહિ પરંતુ તાર્કિક રચના તરીકે જુએ છે, એ કૃતિ (Text) એના માટે પ્રત્યક્ષ પ્રમાણાધારિત હોય એ રીતે રજૂ થાય છે. અહીં, એના માટે સંકેતક અને સંકેતિતનો સંબંધ સ્વાભાવિક થઈ પડે છે. સાંકેતિક રચના સંકેતના મૂલ્ય પર આધારિત હોય છે, પરંતુ મીથ-વાચક માટે મીથનું Signification સીધું તથ્યોથી જોડાયેલું હોય છે, એની સામે રહેલ કૃતિ એ કૃતિ નહિ પરંતુ હકીકત છે જેને એ વાંચતો નથી, સ્વીકારે છે. બાર્થની આ દ્વિતીય ક્રમની સાંકેતિક રચનાને ચોક્કસ વિચારધારાના માળખાનો સંદર્ભ પ્રાપ્ત છે. તે પ્રથમ ક્રમની સાંકેતિક રચનાને યોગ્ય બનાવી એવા signification ના રૂપમાં ફેરવે છે જે સામાજિક-સાંકૃતિક માળખાની તૈયાર માહિતીની પુષ્ટિ કરે, તેને પુનરોત્પાદિત કરે, અને પ્રસારિત કરે.
          મીથ પાસે હમેશા અન્યત્ર હાજર હોવાનું બહાનું હોય છે (alibi). એનો મહાવરો કરનાર વ્યક્તિ દ્વિતીય સંકેતિત રચના અને અર્થને નકારી શકે છે. બાર્થ ત્યાં સુધી કહે છે કે મીથનું વિશ્લેષણ આપવું અને તેનો વિરોધ અને નકાર કરવો એ પૂરતો નથી; હકારાત્મક સંકેતને પ્રોત્સાહન આપવા કરતા સંકેતનો નાશ કરવો વધુ યોગ્ય છે. સંકેતને સંકેતિત અને સંકેતકમાં વિભાજિત કરવું નહિ પરંતુ સંકેતના વિચારને જ ઉકેલવો રહ્યો. બુર્ઝવા પોતાની વાચાને પ્રસ્તુત કરતી વખતે તેને સહજ બતાવવાનો પ્રયત્ન કરે છે, તે બુર્ઝવા છે એ સત્ય છુપાવે છે; જયારે ક્રાંતિની વાચા ખુલ્લી જાહેરાતની ભાષા છે અને તેથી તે મીથનો લોપ કરે છે. બાર્થના મતે ક્રાંતિની ભાષા મીથીકલ ન હોઈ શકે કારણ કે એ કાર્ય (action)ની ભાષા છે, એ વાસ્તવિકતાને બદલવા માટે બોલાય છે. જયારે બુર્ઝવા ભાષા એક છબિ ઊભી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બુર્ઝવા સમાજ લાક્ષણિક રીતે સંકેતનો ઇનકાર કરે છે અને લેખન-પાઠને સાહજિક ગણાવે છે. તે એવા સંકેત માંગે છે જે સંકેત ન લાગે. સંકેતવિજ્ઞાન એક એવું શાસ્ત્ર નીકળ્યું જે સામૂહિક પ્રતિનિધિત્વને તપાસે છે, નહિ કે સામે મુકાયેલી વાસ્તવિકતાને: અહીં, સંકેત વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરે છે અને સંકેતવિજ્ઞાન સંકેતોના અભ્યાસને પ્રાથમિકતા આપે છે. બાર્થનું ફેશન, કપડાં, પેઈન્ટીંગ, અને ફોટોગ્રાફી પરનું કામ શબ્દો સાથેના નવા સંબંધને આકાર આપે છે, જેમાં સંકેતક એટલે કે વાતચીતનો પદાર્થ (Communicative Object) સંકેતિત એટલે કે અર્થ કરતા વધુ મહત્વનો બની જાય છે. બાર્થના કામનું એક સહુથી મહત્ત્વનું પરિણામ એ હતું કે એણે સ્વાભાવિક અથવા પ્રાકૃતિક અર્થને ભ્રામક માન્યતા સાબિત કરી દીધી.
          બાર્થના સંકેતવિજ્ઞાન પરના વિચારો મુખ્યત્વે ત્રણ પુસ્તકોમાં રજૂ થયા છે. “Elements of Semiology (Barthes 1968) પુસ્તકમાં બાર્થ સ્યોસુરના સંકેતવિજ્ઞાનના નિદર્શનના આધારે મુખ્ય વિભાવો વિષે માહિતી આપે છે. “The Fashion System (Barthes 1967) પુસ્તકમાં બાર્થ ફેશનનું સંકેતવિજ્ઞાન આધારિત વિશ્લેષણ પૂરું પાડે છે, પરંતુ અહીં બાર્થ ફેશન વિષે નહિ પરંતુ ફેશન પર લખાયેલ અથવા ફેશનનું વર્ણન કરતી ભાષાનું વિશ્લેષણ પૂરું પાડે છે. “Mythologies (Barthes 1991), એ બાર્થનું સહુથી જાણીતું પુસ્તક છે, જેમાં એ ફ્રેંચ સમાજના વિવિધ પાસાઓનું વિશ્લેષણ આપે છે. “Myth Today” લેખ બધા નાના-નાના લેખોના અંતે એમને સૈદ્ધાંતિક પાયો આપે છે. આ ત્રણ મુખ્ય પુસ્તકો સિવાય કેટલાય વિવિધ લેખ અલગ-અલગ પુસ્તકોમાં પ્રગટ થયા છે. “The Eiffel Tower and Other Mythologies (Barthes 1979) પુસ્તકમાં પણ ઘણા મહત્ત્વના લેખોનો સંગ્રહ થયો છે, કેટલાક “Mythologies” ના લેખ અહીં ફરી વાર પણ છપાયા છે. તેવી જ રીતે, એમના જાપાનના પ્રવાસને આધારે તેમણે “Empire of Signs (Barthes 1983) પુસ્તક કર્યું. “Image-Music-Text (Barthes 1977) માં પ્રગટ થયેલ લેખ ‘Change the Object Itself: Mythologies Today’ એમની સંકેત વિશેની ફિલોસોફીમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને આ લેખને એમનો અનુસંરચનાવાદ તરફનો વળાંક પણ ગણવામાં આવે છે.

*

બાર્થના કામમાં એમનું સંકેતવિજ્ઞાન પરનું કામ અને સંરચનાવાદી વિવેચન બંને અલગ દેખાઈ આવે છે. સંકેતવિજ્ઞાનમાં એ કોઈ ચોક્કસ વસ્તુ પકડી રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભે તેનું વિશ્લેષણ પૂરું પાડે છે. જયારે સંરચનાવાદી વિવેચનમાં બાર્થ મુખ્યત્વે લેખન-વિવેચનને લગતા નિયમો વિષે વાત કરે છે, કોઈ ચોક્કસ કૃતિ વિષે નહી. બાર્થ પોતાના પુસ્તક “On Racine” (1992) માં, ઝાં રેસીન (Jean Racine) ની કૃતિઓનું આધુનિક વિશ્લેષણ આપે છે. બાર્થ પોતાના વિશ્લેષણમાં બે પ્રકારના વિવેચનની વાત કરે છે: 1. અર્થઘટનને લગતું વિવેચન (Interpretive Criticism), આ વિવેચન વિચારધારાને લઈને વાત કરે છે અને સંરચનાવાદ, માર્કસવાદ, મનોવિશ્લેષણ (psychoanalysis) જેવા સિદ્ધાંતોના આધારે કામ કરે છે અને 2. વિદ્યામૂલક વિવેચન (Academic Criticism) જે વિવેચન વિચારધારાથી દુર રહી કામ કરે છે, એ લેખકના જીવન, સંદર્ભ અને ઇતિહાસના આધારે વિવેચન કરે છે. બાર્થ પોતે એક રીસર્ચ બેઝ્ડ (Research Based) સંસ્થા સાથે જોડાયેલ હતા, અને તેથી એમનો વિદ્યામૂલક વિવેચન પરનો હુમલો યુનિવર્સિટી અને તેમાં કામ કરતા વિવેચકો પરનો હુમલો ગણાયો. રેસીન પરના વિદ્વાન રેયમંડ પિકાર્ડે  (Raymon Picard) બાર્થને જવાબ આપતો લેખ કર્યો, જેમાં એમણે બાર્થ, આવાં-ગાર્ડ (Avant Garde) વિવેચન અને નવ્ય-વિવેચન (New Criticism) વિરુદ્ધ લખ્યું. ‘New Criticism or New Fraud?’ લેખમાં એમણે બાર્થ જે વિવેચન વિષે વાત કરતા એને ગુંચવણભર્યું, અસ્પષ્ટવાદી અને સાહિત્યિક મહાનતા માટે અપમાનજનક ગણાવ્યું. પિકાર્ડના મતે બાર્થનું પુસ્તક ‘રેસીનને વાંચવા-સમજવા’ માટે નહિ પરંતુ ‘રેસીનને બાર્થ વાંચે-સમજે છે તે રીતે વાંચવા-સમજવા’ માટે લખાયું હતું. આ વિવાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો, જેને કારણે બાર્થને આવાં-ગાર્ડ વિવેચનના પ્રતિનિધિ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થઇ. ૧૯૬૬માં બાર્થ ‘Criticism and Truth’ (Barthes 1987) પુસ્તક દ્વારા પિકાર્ડને જવાબ આપે છે. એમના મતે નવ્ય-વિવેચન ફક્ત વિવેચનાત્મક વિશ્લેષણથી જ નહિ પરંતુ ભાષા સાથે પણ જોડાય છે. વિદ્યામૂલક વિવેચન વસ્તુલક્ષીપણું, સારી અભિરુચિ, અને ભાષાની સ્પષ્ટતા પર ભાર મુકે છે. એ, બાર્થના મતે, સાહિત્યને વિચારધારાથી, ઇતિહાસથી અને પ્રતીકાત્મક ભાષાથી સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે કારણ કે આવા લક્ષણોવાળું સાહિત્ય એકાર્થી બનાવી શકાતું નથી.
          સંરચનાવાદની વ્યાખ્યા આપતા બાર્થ કહે છે કે એ સાંસ્કૃતિક વસ્તુઓનું વિશ્લેષણ આપવાની એક રીત છે જેના મૂળ  ભાષાવિજ્ઞાનની પદ્ધતિઓમાં છે. ૧૯૬૦માં સંરચનાવાદ અને સંકેતવિજ્ઞાનમાં ભેદ કરવાની જરૂર ઊભી નહોતી થઇ પરંતુ સમય જતા સંકેતવિજ્ઞાન સંકેતનો અભ્યાસ કરતું વિજ્ઞાન તરીકે ઓળખાયું અને સંરચનાવાદ વિવિધ માનવીય પ્રવૃત્તિઓ અંતર્ગત રહેલ સંરચના વિષે વાત કરે છે. બાર્થ કહે છે કે નેરેટીવ (Narrative) માનવ અસ્તિત્વ સાથે જ અસ્તિત્વમાં આવ્યા છે અને એમની સંખ્યા અગણિત હોઈ એમનું વિશ્લેષણ કઈ રીતે શક્ય બને? અહીં, સંરચનાવાદનું મુખ્ય કાર્ય વિષયવસ્તુનો સંપૂર્ણ અર્થ ઓળખવાનું નહિ પરંતુ એ અર્થ કઈ રીતે શક્ય બન્યો એ સમજવાનું હતું. સાહિત્યના અભ્યાસના સંરચનાવાદી અભિગમની ચાર મુખ્ય ખાસિયત હતી: 1. સાહિત્યિક ભાષાના વિવરણને ભાષાવૈજ્ઞાનિક શબ્દોમાં આલેખવાનો પ્રયત્ન કે જેથી સાહિત્યિક ભાષા ને રોજબરોજની ભાષાથી અલગ પાડી શકાય. 2. એવી narratology તૈયાર કરવી જે narrative ઘટકોને ઓળખે અને તેના વિવિધ શક્ય સંયોજનો વિષે વાત કરે. ફ્રેંચ સંરચનાવાદમાં મુખ્યત્વે પ્લોટ (plot) પર કામ થયું. 3. ફ્રેંચ સંરચનાવાદે સંસ્કૃતિ અને જૂનાં સંભાષણના આધારે વિવિધ code ઓળખ્યા અને કઈ રીતે આ codes સાહિત્યિક ભાષાના અર્થમાં મહત્વના છે તેનું નિરૂપણ કર્યું. 4. આપણે કૃતિને કઈ રીતે સમજીએ છીએ એ સમજવા માટે સાહિત્યને જીવનની રજૂઆત કે પ્રત્યાયન તરીકે નહિ પરંતુ સાહિત્યના સંસ્થાન દ્વારા ઉત્પાદન પામેલ વિવિધ આકારો (forms) તરીકે અને સાંસ્કૃતિક સંભાષણના વિવિધ codes તરીકે જોવું પડે.
          આધુનિક નવલકથા પાત્રો અને વાતાવરણના વિગતવારના વર્ણનથી વાસ્તવિકતાનો ભ્રમ ઊભો કરે છે. બાર્થ કહે છે તેમ બુર્ઝવા સાહિત્ય વિગતોથી ‘વાસ્તવિકતા’ ઊભી કરે છે, સાહિત્ય વાસ્તવિકતા રજૂ કરતું હોય એવું મીથ ઊભું કરે છે. બાર્થ અહીં નેરેટીવનું સંરચનાવાદી વિશ્લેષણ પૂરું પાડી બુર્ઝવા સાહિત્યના રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરે છે, એ જણાવે છે કે આ સાહિત્ય ચોક્કસ રચના/વ્યવસ્થા (system)ના આધારે છે, વાસ્તવિકતાના આધારે નહીં. બાર્થ કહે છે કે નેરેટીવને અંતે તો એ કથક અને વાચકને કઈ રીતે આગળ કરે છે એ સંદર્ભે સમજવાનું છે. પરમ્પરાગત વિવેચનમાં કથકને હમેશાં વર્ણનના સંકેતોની પાછળ મૂકવામાં આવ્યો છે. આમ, નેરેટીવને કોઈ એક કથક/લેખક દ્વારા રજૂ થયું હોય એમ માનવામાં આવે છે, જે સંરચનાવાદી વિશ્લેષણની વિરુદ્ધમાં જાય છે. કથકની હાજરીનો અર્થ છે કે નેરેટીવના અર્થ અને આકાર કોઈ એક મનુષ્યની સભાનતાનું ફળ છે. વિશ્લેષણમાં લેખકની હાજરી સૂચવે છે કે નેરેટીવ કોઈ અધિકૃત ચેતના દ્વારા થયેલ અધિકૃત અભિવ્યક્તિ છે, એને પરંપરામાંથી જન્મેલ અને કોઈ અર્થ-આકારમાં પરિણમેલ કૃતિ માની શકાય નહિ.
          લેવી-સ્ત્રોસ (Levi-Strauss)ના પ્રભાવ હેઠળ બાર્થ સંરચનાવાદ તરફ વળ્યા. સંરચનાવાદને કારણે બાર્થ લેખન કાર્યને સંસ્કૃતિ તરીકે, સમાજના ભાગ તરીકે જોતા થયા (Willette 2013). તેમના સંરચનાવાદ આધારિત મોટાભાગના લેખ “Critical Essays (Barthes 1972)માં સંકલિત કરવામાં આવેલા છે. સંરચનાવાદની એક દલીલ છે કે દરેક કૃતિ એક મોટા માળખા (structure)નો ભાગ છે, એટલે કૃતિના વિશ્લેષણમાં માળખાને સમજવું જરૂરી છે. અહીં, સંરચનાવાદે કૃતિના “રચયિતા” અને વ્યક્તિગત કલ્પનાના મુદ્દાઓ પર પ્રશ્નાર્થ મૂકી દીધો. “S/Z(Barthes 1975) પુસ્તકમાં બાર્થ બાલ્ઝાક (Balzac)ની નવલિકા ‘સેર્રાસીન’ (Serrasine)ના  સંરચનાવાદી વિશ્લેષણના આધારે પાંચ કોડ (code) આપે છે. આ પાંચ કોડ આ પ્રમાણે છે: 1. The Hermeneutic code: કથાનો કોઈ પણ એવો ભાગ છે સંપૂર્ણપણે ખુલ્લો મુકવામાં ન આવ્યો હોય અને જેનાથી વાચકના મનમાં એક રહસ્ય બની રહે. આ કોડમાં લેખકનો મુખ્ય હેતુ વાચકને વાચન દરમિયાન વિચારતો રાખવાનો છે, જેથી અંત સુધી કૃતિમાં રસ જળવાય રહે. 2. The Proairetic code: આ કોડ પણ તણાવ ઉભો કરે છે; અહીં, પ્રયોગાત્મક દ્રષ્ટિકોણથી કોઈ ક્રિયા બતાવાય છે. વાર્તાના તણાવને વિકસાવવા માટે Hermeneutic અને Proairetic કોડ્સ જોડી તરીકે કામ કરે છે. 3. The Semantic code: આ કોડ Semic code અથવા Connotative code તરીકે પણ ઓળખાય છે. આ કોડ એ વાર્તામાં રહેલો સુચિતાર્થ. શબ્દોના મૂળભૂત અર્થ પર અતિરિક્ત અર્થ આપે છે. 4. The Symbolic code: આ કોડ Semantic કોડથી ખૂબ જ નજીક છે, પરંતુ આ વિશાળ ફલક પર કામ કરે છે. એનો મુખ્યત્વે વિરોધાભાસમાં ઊપયોગ થાય છે, જ્યાં વિરોધી વિચારોને કારણે નવા અર્થની રચના થાય છે. 5. The Cultural code: આ કોડ Gnomic તરીકે પણ ઓળખાય છે. આ કોડ કોઈ એવી વસ્તુનો સંદર્ભ આપે છે જે અમુક પ્રકારના પ્રમાણભૂત કાર્યો પર આધારિત છે જેને પડકાર આપી શકાતો નથી અને તેને સત્યનો પાયો માનવામાં આવે છે.

*

બાર્થ સંકેતોની વ્યવસ્થાના વૈજ્ઞાનિક અભ્યાસને એક શક્યતા તરીકે જોતાં અને તેથી જ ‘Criticism and Truth’માં જયારે સંરચનાવાદને ‘સાહિત્યના વિજ્ઞાન’ તરીકે મૂલવતા સમયે એ ભવિષ્યકાળનો ઉપયોગ કરે છે. પોતાના સંરચનાવાદી તબક્કા વિષે વાત કરતા બાર્થ કહે છે કે એ શ્રેણીઓ અને વર્ગીકરણમાં જોડાયેલા હતા. આપણે એ સંરચનાવાદી બાર્થને વર્ગીકરણના પ્રેમી તરીકે જોઈ શકીએ જેમણે પોતાના ખાતર એક – મીથની - ભાષાને જન્મ આપ્યો. પરંતુ, પોતાના લેખ “Change the Object itself: Mythology Today”માં બાર્થ સંરચનાવાદ અને સંકેતવિજ્ઞાનના સિદ્ધાંતોને જ પડકારે છે. જે રીતે એ બુર્ઝવા સમાજની મીથને ખુલ્લી પાડતા, એ પ્રક્રિયાને સામાન્ય વર્ગે આત્મસાત કરી લીધેલ છે અને તેથી જ demythification એ હવે મીથને ખુલ્લી પાડતી પદ્ધતિ નથી, પરંતુ મુખ્યધારાનો જ એક discourse બની રહે છે. બાર્થના મતે ક્રાંતિકારી આલોચના અને સંકેતના ખ્યાલને જ વિખેરી કાઢવો એ હવે જરૂરી થઇ પડયા છે. હવે, મીથના મોહરા હટાવવાનો ફાયદો નથી. પહેલા આપણે વૈચારિક સંકેતિતના વિનાશ વિષે વાત કરતા, જયારે હવે સંકેતના વિનાશને જ શોધવો રહ્યો. સંકેત, જે સંકેતવિજ્ઞાન અને સંરચનાવાદનો પાયો છે, એના પર જ હુમલો કેમ? કારણ કે બાર્થ માટે સંકેત અને બુર્ઝવા સમાજ એકસમાન થઇ ગયા છે. હવે એમના માટે ટીકાત્મક મુદ્દો આખું Western Civilization – પશ્ચિમી સભ્યતા – છે, જે એકેશ્વરવાદમાં મને છે. અર્થ-રચના પશ્ચિમી સભ્યતાને મજબુત બનાવે છે, અને સંકેત એનો પાયો છે. અને તેથી જ સંકેત પર પ્રહાર થયો છે.
          દેરીદા જણાવે છે તેમ સંરચના (Structure)નો ખ્યાલ એ ફક્ત સંરચનાવાદ માટે જ મહત્ત્વનો નથી, તત્ત્વચિંતનની શરૂઆતથી જ એ વિચાર માત્રની રચના-વ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક વિચાર-રચના કોઈ એક કેન્દ્ર પર આધારિત હોય છે; જે કેન્દ્રમાંથી અર્થ-પ્રવાહ નીકળે છે. જો આપણે સાહિત્યનું ઉદાહરણ લઈ વાત કરીએ તો અહીં, લેખકને પારમ્પરિક રીતે સાહિત્ય-કૃતિનું કેન્દ્ર માનવામાં આવે છે; સાહિત્યનો અર્થ એ લેખકના અર્થ પર આધારિત છે. આમ, લેખક સંપૂર્ણ અર્થનો સ્ત્રોત માનવામાં આવે છે; લેખક એવું મૂળ છે જેમાંથી સાહિત્યિક-કૃતિ ઉતરી આવી છે. જો આપણે સાહિત્યિક-કૃતિને સંરચના તરીકે જોઈએ તો લેખક એનો પ્રાકૃતિક સ્ત્રોત થઇ પડે. જેમ ભગવાન આ બ્રહ્માંડના રચયિતા છે, તેમ લેખક કૃતિનો રચયિતા છે. જે રીતે પ્રભુને ધાર્મિક સંવાદમાં બ્રહ્માંડના સ્ત્રોત તરીકે જોવામાં આવે છે, તેમ જ લેખક સાહિત્યના અર્થનો સ્ત્રોત છે.
          સ્યોસુર સંકેતને સંકેતિત અને સંકેતકના બનેલ છે એમ જણાવે છે, પરંતુ તે બંને વચ્ચેનો સંબંધ યાદ્દચ્છિક છે. તદુપરાંત, સ્યોસુર જણાવે છે કે સંકેતની સંરચનામાં differences છે, જે સંકેતને અર્થ બક્ષે છે; અર્થાત સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ સંરચના પર આધારીત છે, તે સંપૂર્ણપણે Relational છે, એટલે કે સંકેતનો અર્થ ‘કૂતરો’ એટલે થાય છે કારણ કે તેનો અર્થ ‘બિલાડી’, ‘ઘોડો’ કે ‘વાઘ’ નથી થતો. આમ, ગુજરાતી ભાષામાં “ક-ઉ-ત-ર-ઓ”, આ ધ્વનિ-સાંકળનો અર્થ ગુજરાતી ભાષામાં એનો અર્થ શું નથી થતો એના પર પણ આધાર રાખે છે; એ ‘બિલાડી’, ‘ઘોડો’ કે ‘વાઘ’ જેવા શબ્દો અને ધ્વનિ-સાંકળથી અલગ પડે છે અને એના સંદર્ભે તેનો અર્થ પણ અલગ બને છે. આમ, સંકેતનો અર્થ સંકેતક અને સંકેતિતના આંતરસંબંધ પરથી નહિ પરંતુ ચોક્કસ ભાષાની સાંકેતિક સંરચનામાં સંકેતના સ્થાનથી ફલિત થાય છે. દેરીદા આ બિંદુથી પોતાનું કાર્ય શરુ કરે છે અને પશ્ચિમી સભ્યતામાં અર્થના ખ્યાલ વિષે વિગતે વાત કરે છે. દેરિદાની સ્યોસુરની સંકેતની વિભાવનાની સમજ પ્રમાણે અર્થ એ ક્યારેય સંકેતમાં સમાવિષ્ટ નથી; આમ, એના માટે કોઈ ચોક્કસ અર્થને પકડી શકાય નહિ કારણ કે અહીં એક સંકેતનો સંકેતિત બીજા સંકેતનો સંકેતક બની જતો હોય છે; એક સંકેતને સમજવા માટે આપણે બીજા સંકેતનો સહારો લેવો પડે છે. આ રમતને રોકવા, દેરિદા, કહે છે તેમ, transcendental signified એવો સંકેત કે જેના વિશ્લેષણ અને અર્થ માટે બીજા સંકેત પર નિર્ભર ન રહેવું પડે – શોધવો રહ્યો. 
          કેન્દ્ર એક એવું ઉદગમસ્થાન અથવા સ્ત્રોત છે જે અર્થની રમતને આગળ ધપાવે છે, સાથોસાથ કેન્દ્ર જ તેના પર લગામ લગાવી શકે છે. આમ, કેન્દ્ર પ્રત્યક્ષ રીતે અર્થની રમતમાં શામેલ નથી અને તેથી જ રમત દ્વારા ઉત્પન્ન થતી સંરચનામાં પણ નહિ. સંરચનાવાદ પણ, પહેલાના બૌદ્ધિક સંવાદની જેમ, કેન્દ્રના આધાર પર ઊભું છે. સંરનચાવાદનું કેન્દ્ર છે સંકેતનો ખ્યાલ. દેરિદા ભાષા અને સંકેતની અવિરત રમત લઇને વાત કરે છે, જ્યાં તે સંકેત અને અર્થના પશ્ચિમી ખ્યાલને પડકારે છે. દેરિદાના આ વિચારોથી પ્રભાવિત થઇ, ‘Empire of Signs’ (1970) પુસ્તકમાં બાર્થ પશ્ચિમી સંસ્કૃતિથી તદ્દન અલગ એવી જાપાની સંસ્કૃતિમાં સંકેત કઈ રીતે કામ કરે છે અને અર્થ કઈ રીતે ઉદ્ભવે છે તેની વાત કરે છે. આ પુસ્તકમાં બાર્થ આ સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના આપણા ખ્યાલો, સંકેત વિશેની આપણી પૂર્વધારણા અને અર્થને કઈ રીતે પજવે છે અને વિખેરે  છે, તેના વિષે વાત કરે છે. જાપાની સભ્યતા, પશ્ચિમી સભ્યતાથી વિરુધ્ધ, અર્થની ઘેલછાથી મુક્ત હતી એમ બાર્થ કહે છે. પશ્ચિમી સભ્યતા માટે દરેક વસ્તુમાં અર્થ શોધવો, સંકેતકમાં સંકેતિત શોધવો એ એક ઘેલછા છે જે જાપાની સંસ્કૃતિમાં નથી. બાર્થ જાપાનને એક કૃતિ તરીકે વાંચે છે, જે છેવટે તો પરંપરાગત સંકેત અને અર્થના સંદર્ભમાં તો અવાચ્ય જ રહે છે. એ વાંચનમાં અર્થનો દોરી-સંચાર કરતો Transcendental Signified અથવા Centre/કેન્દ્રનો અભાવ છે, જેના કારણે સંકેત સ્વતંત્ર રહે છે. સંકેતના કેન્દ્રનો અભાવ અને જાપાન-રૂપી કૃતિના અવાચ્યપણાએ બાર્થને – એક વાચકને – લેખન માટે ઉશ્કેર્યા. જે વાચક, સંકેતકના સર્વોચ્ચ સંકેતિતને ન પામી શકે તે લેખક બની કૃતિને પુનારૂત્પાદિત કરી પોતાનો અર્થ આપવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયામાં વાંચન જ લેખન બની જાય છે. અનુસંરચનાવાદી બાર્થનો આ સહુથી મોટો મુદ્દો હતો – લેખક અને વાચક.

*

1977માં જ અંગ્રેજીમાં પ્રગટ થયેલ લેખ “The Death of the Author” કૃતિ અને સંકેત વચ્ચેનો ભેદ, સંબંધ, લેખન, અને વાંચન વિષે વાત કરે છે, જે અનુસંરચનાવાદના સિદ્ધાંત તરફ વધતા બાર્થના વિચારોમાં પાયાનું સ્થાન ધરાવે છે. બાર્થ કહે છે કે લેખકને હંમેશા સાહિત્યિક કૃતિના સંકેતિત અર્થના કર્તા માનવામાં આવે છે. લેખકને કૃતિના અર્થનું ઉદગમસ્થાન માનવામાં આવે છે. અહીં, વાચનપ્રક્રિયા એ લેખકના મનમાં રહેલ અર્થને પામવાની પ્રક્રિયા બની જાય છે. આમ, લેખક કૃતિને સ્થગિતતા બક્ષે છે. બાર્થનો લેખ ભગવાન, પિતા અને લેખક વચ્ચેના રૂપકાત્મક સંબંધને ખુલ્લો પાડે છે; સાથોસાથ પુરુષપ્રધાન પશ્ચિમી સંસ્કૃતિને પણ ઉઘાડી પાડે છે. બાર્થના મતે સાહિત્યનો પોતાનો કોઈ ચોક્કસ અર્થ નથી, એ તો અર્થનું આલોચક છે. આમ, સાહિત્યને એક અંતિમ અર્થ ન આપવાથી એ ધર્મશાસ્ત્રની વિરુદ્ધમાં એક ક્રાંતિકારી મિશન બની જાય છે. આ લેખમાં બાર્થનો સંરચનાવાદથી અનુસંરચનાવાદ તરફનો ઢળાવ જોઈ શકાય છે. એ પણ નોંધ લેવા જેવી બાબત છે કે ફક્ત ‘લેખકના વિલય’ને કારણે જ આ લેખ અનુસંરચનાવાદી નથી બનતો, પરંતુ કૃતિ અને તેના આંતરકૃતિત્વ (Intertextuality)ના સિદ્ધાંતો પણ એટલા જ મહત્ત્વના છે. અર્થના સ્થિરીકરણ માટે લેખકના બિંદુનો ઉપયોગ કરવાનો અર્થ છે એક જ, એકીકૃત, અને નિર્વિવાદ અર્થ અને સત્યનો સ્વીકાર કરવો. બાર્થ માટે મહત્વની સંજ્ઞાઓ હતી, લેખન, કૃતિ અને વિષયવસ્તુ. લેખનની સંજ્ઞા એવી ભાષા વિષે છે જેનો કોઈ સર્વોચ્ચ સંકેતિત નથી. સ્થગિત અને અસંદિગ્ધ અર્થને ઉપભોક્તાવાદ અને ઉપભોગ સાથે જોડવામાં આવેલ છે. સાહિત્યિક કૃતિ એ કોઈ આઈસક્રીમ કે સાબુ જેવી થઈ પડે છે: તમે કૃતિ ખરીદો, વાંચો (એનો ઉપયોગ કરો), એનો સીધે-સીધો અર્થ ગ્રહણ કરો; આમ, એ “પૂરી” થઇ જાય એટલે બીજી કૃતિનો ઉપભોગ શરુ કરો. જો લેખનને લેખકના અર્થથી મુક્ત કરવામાં આવે તો તેનો આમ, ઉપભોગ ન થઇ શકે. બાર્થ ‘કૃતિ’ના ખ્યાલની વાત કરે છે, જે કોઈ લેખકનું ‘કાર્ય’ નથી. આ ‘કૃતિ’, લેખકના કાર્યથી વિરુદ્ધ, અર્થના ઘણા બધા આયામો રજૂ કરે છે. સાહિત્યને આમ, કૃતિના, દ્રષ્ટિકોણથી જોવાથી સાહિત્ય ઉપભોક્તાવાદી વિચારધારાથી મુક્ત થઈ શકશે. જયારે બાર્થ લેખકના વિલયની વાત કરે છે, ત્યારે એની પાછળ ‘કૃતિ’નો મહત્ત્વનો સિદ્ધાંત પણ રજૂ કરે છે.
          અહીં, લેખમાં બાર્થે વાંચક-કેન્દ્રિત સાહિત્યિક વિવેચનનો પ્રારંભ કર્યો. અહીં, સાહિત્યિક વાચન એ જ પુનર્લેખન બની જાય છે. બાર્થ માટે લેખન કોઈ એવું માધ્યમ ન હતું કે જે લેખક-કેન્દ્રિત હોય, એ તો “દરેક અવાજ, દરેક ઉદ્ભવનો વિનાશ હતું.” તો પછી કૃતિમાં કોણ બોલે છે? બાર્થના મતે એ ભાષા જ છે જે કાર્યરત છે. હવે, કૃતિનો અર્થ ‘લેખક’ના બિંદુથી નથી સમજવાનો, કૃતિરૂપી ગૂંચ ને ઉકેલવાની છે. કૃતિનું બાહુલ્ય ‘વાચક’ નામના બિંદુ પર એકઠું થાય છે. બાર્થની દલીલ હતી કે આપણે કૃતિનો અભ્યાસ કરવો જોઈએ નહિ કે લેખકનો. બાર્થ માટે સાહિત્યિક કૃતિ એ અર્થના ઉત્પાદનની એક જગ્યા છે, અને એ અનંત સંભાવનાઓથી ભરેલ છે. કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અર્થ છે દરેક કૃતિના તફાવતને સમજવો, જે આગવી શૈલી કે રહસ્યમય તત્ત્વના સંદર્ભમાં નહિ પરંતુ ભાષાકીય તંત્રની અસર તરીકે જોઈ શકાય.
          કૃતિના અર્થના ઉદગમસ્થાન પર પારમ્પરિક રીતે બિરાજમાન લેખકને હટાવવા બાર્થ બખ્તીન (Bakhtin) ના intertextuality નો સહારો લે છે. બખ્તીન સ્યોસુરના ‘સંરચના રૂપી ભાષા’ પર ધ્યાન કેન્દ્રિત કરી એના અભ્યાસને મહત્ત્વ આપવાની વાતને નકારે છે. અભ્યાસ માટે વાણી પર ધ્યાન કેન્દ્રિત ન કરવું એ પાયાની ભૂલ છે. કારણ કે બખ્તીન માટે ભાષા હમેશા બે વ્યક્તિઓ વચ્ચે સામાજિક સંદર્ભે જ આકાર પામે છે. ભાષા સંવાદ (Dialogic) રૂપે જ ઉદ્ભવે છે અને તેથી જ કોઈ એક જ વ્યક્તિ સ્વતંત્ર રીતે ભાષાકીય અર્થને આકાર ન આપી શકે. આપણે ઉચ્ચારેલા શબ્દો અને તેના  અર્થ ફક્ત આપણા જ નહિ પરંતુ આપણી પહેલાં જે કંઈ બોલાય ગયું છે તેના પર પણ આધાર રાખે છે. દરેક બોલાતો શબ્દ એક ઇતિહાસ સાથે આવે છે અને એ ઇતિહાસના આધાર પર તેનો અર્થ ઘડાયેલો હોય છે. ભાષાના આ લક્ષણને intertextuality કહેવામાં આવ્યું. Intertextaulity ના સિદ્ધાંતે અર્થના ઉદગમસ્થાનની પરંપરાગત માન્યતાને તોડી નાખી, ભલે પછી એ અર્થ લેખક દ્વારા ઉત્પન્ન થતો હોય કે સંકેત દ્વારા. Intertextual પ્રકૃતિને કારણે સાહિત્યિક ભાષાનો ચોક્કસ અર્થ શક્ય નથી, કારણ કે ભાષા ભૂતકાળની કૃતિઓ અને સંવાદ પર આધારિત છે, એ અવતરણોથી બનેલ રચના છે. લેખક એ અર્થનું ઉદગમસ્થાન નથી, કારણ કે અર્થનું કોઈ મૂળ જ નથી. સાહિત્ય કૃતિ, આ દ્રષ્ટિકોણથી, કોઈ વિશિષ્ટ અને સ્વાયત્ત વસ્તુ નથી; તે પણ ભૂતકાળની અન્ય અસ્તિત્વ ધરાવતી સંહિતા, સંવાદ કે કૃતિઓના આધાર પર ઘડાયેલ હોય છે. આમ, કૃતિનું અસ્તિત્વ નવા-નવા વાચક સાથેના સંવાદમાં જ ઘડાય છે. કૃતિનો અનુભવ ફક્ત પ્રક્રિયામાં જ થાય છે, અને તેથી જ લેખકના અર્થના વિલયની સાથે જ વાચન પ્રક્રિયામાં વાચકનો અર્થ જન્મે છે, જે અર્થ વાચકે-વાચકે અલગ હોઈ શકે છે.
          જયારે કૃતિને જ ઉત્પાદન નહિ પરંતુ ઉત્પાદનની પ્રક્રિયા સાથે જોડવામાં આવે ત્યારે અર્થસૂચકતા (Signification) એ પૂરતો ખ્યાલ રહેતો નથી. કૃતિ પોતે જ અર્થની બહુલતામાં ઓળખાતી હોય ત્યારે એકાર્થી અર્થસૂચકતાને કિનારે કરવી જ યોગ્ય રહે. “The Semiotic Challenge (Barthes 1994) પુસ્તકમાં બાર્થ સંરચનાવાદી અને કૃતિલક્ષી વિશ્લેષણ પૂરા પાડતા લેખ રજૂ કરે છે. સંરચનાવાદી લેખ કૃતિ કઈ રીતે ઘડાય છે એના વિષે વાત કરે છે, જયારે કૃતિલક્ષી વિશ્લેષણ કૃતિમાં અર્થસૂચકતા કઈ રીતે જન્મે છે અને કઈ રીતે વિવિધ અર્થ ખુલ્લા પાડે છે તેના વિષે વાત કરે છે. “S/Z” પુસ્તકમાં બાર્થ readerly અને writerly નો ભેદ આપે છે; સુવાચ્ય એટલે જેમાં વાચક માટે પારદર્શિતા હોય, જેણે સરળતાથી સમજી શકાય. writerly આત્મભાનવાળું અને સરળ વાચનની પ્રક્રિયાનું પ્રતિકાર કરનારું હોય છે. આ ભેદના મૂળ ક્લાસિકલ અને મોર્ડન લેખનમાં છે. આ ભેદ મુખ્યત્વે સાહિત્યના બજારીકરણ અને શું વપરાશ યોગ્ય છે અને શું પ્રત્યાયન કરવા યોગ્ય છે એ વચ્ચેની સામાજિક મંજૂરી વિષે છે. કારણ કે સાહિત્યિક કૃતિનો આશય વાચકને ગ્રાહક બનાવવાનો નહિ પરંતુ કૃતિના ઉત્પાદક તરીકે સ્થાપિત કરવાનો છે.

*

જેને સહજ માનવામાં આવે છે કે સહજ તરીકે રજૂ કરવામાં આવે તેને ખુલ્લું પાડવાનું કાર્ય બાર્થે કર્યું. મુખ્ય પ્રવાહને ખુલ્લો પાડવાની સાથોસાથ પોતાનું જ કામ મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ ન થઈ જાય તેની તકેદારી બાર્થે લીધી અને તેથી જ પોતાના સિદ્ધાંતોને બદલતા ગયા. બાર્થનું કામ Doxa, એટલે કે સામાન્ય જનતા કે વાચક જેને સહજ અને સામાન્ય માને છે, તેને ખુલ્લું પાડવાનું હતું. બાર્થ encratic અને acratic ભાષા વચ્ચે ભેદ પાડે છે. Encratic ભાષા, બાર્થના મતે, સત્તાની ભાષા છે, અને આ એ ભાષા છે જે પોતાને સહજ તરીકે, doxa તરીકે, લાદે છે. બીજી તરફ acratic ભાષા સત્તા સિવાયના સંવાદની ભાષા છે. Doxa અને paradoxaના ભેદમાં તટસ્થ (neutral) એ તૃતીય પદ નહિ, પરંતુ એક નવા paradigmનું એક દ્વિતીય પદ છે જેમાં હિંસા પ્રાથમિક પદ છે.
          બાર્થ ‘The Pleasure of the Text’ (1975b)માં બે પ્રકારની કૃતિ વિષે વાત કરે છે: the text of pleasure અને the text of bliss. Text of pleasure પરમ્પરાગત છે, સંસ્કૃતિ અને પરંપરાને તોડવાનો પ્રયત્ન નથી કરતી. તેનું વાચન આરામદાયક છે, તે કોઈ અગવડ ઊભી કરતી નથી. Text of bliss અસ્વસ્થતા ઊભી કરનારી છે, વાચકની સામાજિક-સાંસ્કૃતિક-માનસિક માન્યતાઓને અનિશ્ચિત કરનારી છે. આનંદ (Pleasure)ને બાર્થ કૃતિના સિદ્ધાંત સમક્ષ એક પ્રશ્નાર્થ તરીકે જુએ છે. આ મુદ્દો કૃતિના સિદ્ધાંતને નૈતિકતા અને સત્યતાના રસ્તે જતા રોકે છે. આનંદ, બાર્થ માટે, નિષ્પક્ષ છે. કૃતિનો આનંદ એ બદનક્ષીકારક (scandalous) છે, કારણ કે તે અનૈતિકની સાથે-સાથે ‘atopic’ – જેનાથી લોકોને એલર્જી થાય – એવો છે. એ atopic છે કારણ કે એ પરંપરાગત માળખામાં બંધબેસતો નથી, ભલે પછી એ જે સંભાષણ (discourse) રજૂ કરે છે એ રૂઢિચુસ્ત હોય કે બૌદ્ધિક હોય. બાર્થનું આ સમયગાળાનું લખાણ અસૈદ્ધાંતિક હતું અને એ વાસ્તવિકતા અને કલ્પનાની હદને વિચલિત કરનાર હતું. પ્રેમ, લાગણી અને આનંદ જેવા વિષયોનું ચયન કરી, બાર્થ કૃતિના સિદ્ધાંતને શારીરિક ક્ષેત્રની તરફ લાવે છે અને સુખોપભોગવાદના આનંદ સાથે કૃતિને જોડે છે. આ લખાણ સૈદ્ધાંતિક ઓછું અને નવલકથાત્મક વધુ છે.
          બાર્થનું ફોટોગ્રાફી પરનું શરૂઆતનું કામ Mythologies ના સંદર્ભમાં જોઈ શકાય છે, જેમાં સંકેતોને સહજ અને સ્વાભાવિક ઢબમાં પ્રસ્તુત કરવાની બુર્ઝવા સમાજની ચેષ્ટાની આલોચના રજૂ થઈ છે. બાર્થના મતે ફોટોગ્રાફ કોઈ પણ સંહિતા (Code) વિના સંદેશ વ્યક્ત કરે છે. બાર્થ માટે આ એક ક્રાંતિકારી મુદ્દો છે કારણ કે કૃતિ આધારિત સંદેશ સાદ્રશ્યતા (analogy) પર આધાર રાખે છે, એમાં સંકેત અને તેના સંદર્ભ (referent)ની સુસંગતતા જરૂરી છે. કળાનો દરેક પ્રકાર સંદર્ભ (referent) બનાવે છે, જયારે ફોટોગ્રાફ સંદર્ભ પકડે છે; જે વસ્તુનો ફોટોગ્રાફ લેવાય છે તે વસ્તુ જ સંદર્ભ બને છે. આમ, લેવાયેલ ફોટોગ્રાફ, એટલે કે સંદર્ભ, સંહિતા વિનાનો છે, કેમ કે તે બનાવેલ નહિ પરંતુ, પકડેલ છે, પ્રતિબિંબિત કરેલ છે. સામાન્ય માન્યતા એવી છે કે ફોટોગ્રાફ આપણી સામે વસ્તુ જ મૂકી આપે છે, બાર્થ આ માન્યતાને મીથ કહે છે. જે વસ્તુ આપણી સમક્ષ ફોટોગ્રાફ દ્વારા મુકાઇ છે તે રજૂઆત, વર્તમાન નથી, પરંતુ ભૂતકાળના કોઈ એક સમયમાં એ વસ્તુ એ પ્રમાણે હતી. અહીં, બાર્થ સમયના સાપેક્ષમાં સંદર્ભની વાત કરે છે. સંકેતવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ફોટોગ્રાફને વાંચવામાં બાર્થ ફોટોગ્રાફના દ્વિતીય સ્તર પરના અર્થઘટનને અને પ્રથમ સ્તર પરથી દ્વિતીય સ્તર પરના સંક્રમણને સમજવામાં પ્રયત્નશીલ છે. આમ, બાર્થ પોતાનું ધ્યાન ફોટોગ્રાફના તત્ત્વ પર નહિ પરંતુ તેના ઉપયોગ પર કેન્દ્રિત કરે છે.
          Camera Lucida(Barthes 1980) બે ભાગમાં વહેચાયેલી છે: પહેલા ભાગમાં ફોટોગ્રાફી વિષે સૈદ્ધાંતિક વાત થાય છે, જયારે બીજા ભાગમાં એ સિદ્ધાંતોને બાર્થ પોતાન કૌટુંબિક ફોટોગ્રાફ પર લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે. આ કૃતિમાં બાર્થ સૈદ્ધાંતિક ભાષાના સંભાષણને અંગત શોકના સંભાષણ સાથે મિશ્રિત કરે છે અને તેથી જે પરિણામ મળે છે તે અસ્વસ્થ અને વિચલિત કરનાર છે. અહી, બાર્થ ફોટોગ્રાફના વિશ્લેષણને studium અને punctum એમ બે પાસાંમાં વિભાજિત કરે છે. Studium એ ફોટોગ્રાફનો પ્રતીકાત્મક અર્થ છે, જે સામાજિક-સંસ્કૃતિક રીતે ઘડાયેલો છે અને તેથી જ વાચકને એ સમજવામાં અઘરો પડતો નથી. બીજી તરફ punctum આ દેખીતા અર્થના વિશ્લેષણમાં ખલેલ પહોંચાડે છે. Punctum સંકેતકના સ્તર પર કામ કરે છે, એ સંહિતાની બહાર રહે છે અને તેથી જ તે સીધે-સીધા વર્ણનથી પણ પકડાતો નથી. Studium બનાવેલ છે, જયારે punctum એમાં જાતે જ ઉદ્ભવેલ છે. Studium એ ફોટોગ્રાફમાં કેદ કરાયેલ માહિતી છે, એવી માહિતી જેના પર ફોટોગ્રાફરનો સીધો ફોકસ હોય, જયારે punctum એ ફોકસ્ડ માહિતી સાથે અનાયાસે કેદ થયેલ ‘માહિતી’ છે.
          બાર્થ કહે  છે કે ફોટોગ્રાફ તેના referent સાથે ‘co-natural’ છે અર્થાત, referentના અસ્તિત્વને નકારી શકાય નહિ, referent નું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એ ફોટોગ્રાફના માધ્યમથી અસ્તિત્વમાં આવ્યું નથી. બાર્થ કહે છે કે ફોટોગ્રાફીનો વિરોધાભાસ એ વાતમાં છે કે એનું મૂળ તત્ત્વ અને punctum મૃત્યની વાસ્તવિકતાના સાક્ષી છે, એના referentનો ‘એક સમયે અહીં હોવાનો ભાવ’, જે હવે નથી – એ મુખ્ય વિરોધાભાસ છે. ફોટોગ્રાફ પદાર્થની હાજરી બતાવે છે, સાથો-સાથ એ પદાર્થની હાજરી ભૂતકાળમાં હતી તે પણ છતું કરી આપે છે. આમ,ફોટોગ્રાફીનો referent આપણી સમક્ષ કોઈક વસ્તુની વાસ્તવિકતા તો રજૂ કરે જ છે પણ એની સાથે જ એનો ક્ષય પણ બતાવી આપે છે.

*

College de France માં પોતાનું પ્રારંભિક પ્રવચન આપતા, બાર્થ પોતાને એક નિબંધકાર તરીકે ઓળખાવે છે. (O’Mearra 2012: 3) અહીં, નોંધનીય છે કે નિબંધનો પ્રકાર લેખકને અંગત અને સૈદ્ધાંતિક બંને પ્રકારના લેખનમાં વિહરવાની સ્વતંત્રતા આપે છે. અહીં, આપણે બાર્થના સૈદ્ધાંતિક કામ વિષે જ વાત કરી છે, એમના નવલકથાત્મક અને સર્જનાત્મક લેખનને જોવું રહ્યું. બાર્થનું માનવું હતું કે આપણે વિશ્વની દરેક વસ્તુ વિષે સમજાવી શકીએ છીએ, પરંતુ માનવીય સંચારના રહસ્યને નહિ, કારણ કે એ ઓછામાં ઓછી બે વ્યક્તિઓના આંતરછેદનો સમાવેશ કરે છે અને એમાં અગણ્ય શક્યતાઓ રહેલ છે. એ માનતા કે ભાષા અને છબી, એટલે કે “શબ્દો” દ્વારા  રચાતી અને ફેલાતી વિચારધારા, સામાજિક અસમાનતાને મદદરૂપ તો થાય જ છે પરંતુ એને ઉત્તેજન પણ આપે છે અને તેના દ્વારા વર્ગવાદ, વંશવાદ, અને જાતિવાદનું શોષણ જાળવે છે. બાર્થને પોતાના સંશોધનથી આ વિશ્વને બુદ્ધિગ્રાહ્ય બનાવવું હતું. અને તેથી જ બાર્થના કામમાં સંકેતની બદલાતી વિભાવના અને બુર્ઝવા સમાજ-વ્યવસ્થાનું વ્યવસ્થિત વિવેચન અને સમાજ અને લેખકને તેના પ્રત્યે સભાન બનાવવાની પ્રતિબદ્ધતા, આ બે મુદ્દા સામાન્ય છે.

References:

Barthes, Roland

(1967) The Fashion System. (tr.) Matthew Ward & Richard Howard. Berkley: University of California Press.

(1968) Writing Degree Zero. (tr.) Annette Lavers and Colin Smith. New York: Hill and Wang

(1968) Elements of Semiology (tr.) Annette Lavers & Colin Smith. NY: Hill and Wang

(1972) Critical Essays. (tr.) Richard Howard. Northwestern University Press.

(1975a) S/Z: An Essay. (tr.) Richard Miller (Prefaced by) Richard Howard. NY: Hill and Wang.

(1975b) The Pleasure of the Text. (tr.) Richard Miller. NY: Hill and Wang.

(1977) Image-Music-Text. (Selected & Translated) Stephen Heath. London: Fontana Press.

(1979) The Eiffel Tower and Other Mythologies. (tr.) Richard Howard. Berkeley: University of California Press.

(1983) The Empire of Signs. (tr.) Richard Howard. New York: Hill and Wang.

(1987) Criticism and Truth. (tr.) Katrine Pilcher Keuneman. London: The Athlone Pr.

(1980) Camera Lucida. (tr.) Richard Howard. NY: Hill and Wang.

(1991) Mythologies. (tr.) Annette Lavers.  NY: The Noonday Press.

(1992) On Racine. (tr.) Richard Howard. Berkley: University of California Press.

(1994) The Semiotic Challenge. (tr.) Richard Howard. Berkley: University of California Press.

O’Mearra, Lucy

(2012) Roland Barthes and the Collège de France. Liverpool: Liverpool University Press.

Sartre, Jean-Paul

(1949) What is Literature? (tr.) Bernard Frechtman. NY: Philosophical Library.

Saussure, Ferdinand de 

(1983) Course in General Linguistics. (eds.) Charles Bally & Albert Sechehaye (tr.) Roy Harris. La Salle, Illinois: Open Court.

Willette, Jeanne

(2013) “Roland Barthes: Structuralism” retrieved from https://arthistoryunstuffed.com/roland-barthes-structuralism/ on 16/07/2019, 9:53PM


Published in Tathapi: A Dialogue (June-November 2019)

Comments