"ધુળકી તારી માયા લાગી": એક અવલોકન




ફિલ્મ ધુળકી તારી માયા લાગીરાઠવા સમાજની એક યુવતી, ધુળકી, ની વાત કરે છે. આ ફિલ્મ રાઠવિસ્તાર તરીકે ઓળખતા છોટાઉદેપુર, પાવીજેતપુર, નસવાડી, બોડેલી, વગેરે જેવા ગામડાંઓમાં ખૂબ સફળ થઇ હતી. આ વિસ્તારના સિનેમાઘરોમાં, જ્યાં ફિલ્મ ફક્ત ત્રણ દિવસ ચાલતી, આ ફિલ્મ મહિનાઓ સુધી ચાલી. પરંતુ, મારા કેટલાક માહિતીદાતાઓના મત અનુસાર આ ફિલ્મ રાઠવા સમાજ વિષે ન હતી. તો પછી આ ફિલ્મ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ આટલી સફળ કેમ થઇ? પ્રસ્તુત પેપર એના કેટલાક કારણો વિષે વાત કરશે, અને ફિલ્મમાં રાઠવાઓળખ કઈ રીતે ઉભી કરવામાં આવી છે તેના વિષે વાત કરશે. સામાજીક રીતે પછાત વર્ગની ઉપલા વર્ગ તરફની ગતિ જે ફિલ્મની મુખ્ય કથાનો ગર્ભીતાર્થ છે, જે ફિલ્મનું અન્ય પાસુ રજુ કરે છે. તદુપરાંત, આપણે ફિલ્મ અને સમાજમાં પ્રસ્થાપિત માલીક્વર્ગ અને પીડીતવર્ગ વચ્ચેના પારસ્પરિક સંબંધોને પણ જોઈશું.
***
                માણસ સહુથી પહેલા એક માણસ છે, ધર્મ, જાતિ, વંશ, બધું જ તેની માનવતા અને માનવધર્મ સામે ગૌણ છે. આવો સરસ સંદેશો રજુ કરતી ફિલ્મ ધુળકી તારી માયા લાગીએક પ્રેમકથાનું નિરુપણ કરે છે. રાઠવા સમાજની યુવતી ધુળકી એક ભિખારી એવા નાથ્યા નામના યુવકના પ્રેમમાં પડે છે, આ નાથ્યાની જાત વિષે કોઈ કશું નથી જાણતું, એ ભિખારી છે અને રાઠવા સમાજનો નથી બસ એટલી જ માહિતી છે એના વિષે. બીજી તરફ ગામનો સરપંચ, વિઠ્ઠલ રાઠવા, પણ ધુળકી ને પ્રેમ કરે છે. ધુળકીના પિતા, ભોમલો, એવું મને છે કે ધુળકીએ પોતે પોતાનો જીવનસાથી નક્કી કરવો જોઈએ. વિઠ્ઠલ નાથ્યાને મારી નાખવાનો પ્રયત્ન કરે છે, ઘવાયેલા નાથીયાને ચાંદની બચાવી લે છે. ચાંદની શહેરમાં રહેતા શ્રીમંત માં-બાપની એક ની એક પુત્રી છે. ઘવાયેલ નાથ્યો પોતાની યાદદાસ્ત ગુમાવી બેસે છે, પરંતુ ચાંદની તેને બધું જ શીખવે છે, અને એને નવું નામ પણ આપે છે. નાથ્યો હવે શહેરનો અત્યાધુનિક નાગરિક બની ગયો છે, જે સડસડાટ અંગ્રેજી પણ બોલે છે. આ તરફ, ધુળકી વિરહમાં દિવસ-રાત રડ્યા કરે છે. ચાંદની અને કેતન ગામડામાં પોતાના ફાર્મ-હાઉસ પર આવે છે, જ્યાં ધુળકી પોતાના પ્રેમીને ઓળખી જાય છે. તે રાવણહાથો વગાડે છે, જેના સૂર થાકી કેતન પોતાની યાદ-શક્તિ પછી મેળવી નાથ્યો બને છે. બંને પ્રેમીઓ પોતાનો જીવ બચાવવા જંગલ અને ડુંગરોમાં ભાગી જાય છે. બીજી બાજુ વિઠ્ઠલ તેમને મારી નાખવા માટે માણસો એકઠા કરી તેમને શોધવા જાય છે. અંતમાં, ભોમલો આખા સમાજની સામે વિઠ્ઠલનો વધ કરી પ્રેમી યુગલને પોતાની સ્વીકૃતિ આપે છે.
***
      આ ફિલ્મ રાઠવા સમાજની વાત કરે છે. મોટા ભાગે, ગુજરાતી ફિલ્મોની કથા ગ્રામીણ વિસ્તાર પર જ આધારિત હોય છે, પરંતુ, અહિયા કયું ગામ છે તે બતાવ્યું નથી, તેના સ્થાને સમાજ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. આમ જોઈએ તો આ સમાજ અને તેના લોકો આ ફિલ્મનો સીધી સીધો લક્ષ્યાંક બનવવામાં આવ્યા છે. તે લોકો ફિલ્મનો મુખ્ય દર્શક વર્ગ બને છે. ફિલ્મ બનાવનારાઓએ આ સમાજની સંસ્કૃતિ અને જીવનશૈલી પારખી, અને તેને વેચી શકાય તે માટેની વસ્તુ બનાવી. હવે, પ્રશ્ન એ કે દર્શકો, એટલે કે રાઠવા સમાજ, આ ફિલ્મમાં પોતાને કઈ રીતે ઓળખશે? પોતાની છબી તેઓ કેવી રીતે શોધશે? ફિલ્મ નિર્માતાએ તેના માટે કેટલીક વ્યૂહરચનાઓનો ઉપયોગ કર્યો કે જેથી તેમને ગમતી અસર મળે.
        રાઠવા સમાજ પર હિંદુ ધર્મની અસર જોવા મળે છે, મુખ્યત્વે સમાજમાં બે મુખ્ય સમુદાય છે. (Rathva 2004: 2). એ બંનેમાં ‘ભગત’ને ઉચ્ચતર સભ્ય માનવામાં આવે છે, અને એ લોકો પુરોહિત તરીકેનું કામ કરે છે, તેઓ માંસાહાર અને દારૂનું સેવન કરતા નથી. તેઓ મોટાભાગે હિંદુ દેવ-દેવીઓનું પૂજન કરે છે. બીજો સમુદાય ‘જગત’ લોકોને છે. તેઓ મુક્તપણે માંસાહાર અને દારૂનું સેવન કરે છે. આપણે વાત કરીએ છે તે ફિલ્મ જગત સમુદાય વિષે વાત કરે છે, ફિલ્મમાં મોટાભાગના પત્રો દારૂનું સેવન કરે છે. ધુળકીની માતા ભગલી પોતાના છોકરાને વધુ પડતો દારૂ ન પીવાની સલાહ આપે છે, પરંતુ છોકરાને દારૂ પીવાની છૂટ છે. ગામનો સરપંચ વિઠ્ઠલ પણ બધાની સામે જ દારૂ પીવે છે. અને ફિલ્મમાં ઠંડી ઠંડી તાડી ને મહુડાનો દારૂએવું ગીત પણ છે. આમ, એમના માટે દારૂ પીવો એ બહુ ગંભીર બાબત નથી.
      ફિલ્મમાં ત્રણ અલગ-અલગ વર્ગોના પત્રો જોવા મળે છે. એક વર્ગ છે રાઠવા સમુદાયનો, બીજો વર્ગ છે ચાંદની અને તેના પિતાનો, જે આર્થિક રીતે ઉચ્ચ ગણાય, તેઓ હિંદુ ધર્મ અનુસરે છે, પરંતુ તેમની જાતિ દર્શાવી નથી. નાથ્યો, એની બહેન અને ફ્કીરાબાબા ભિખારી છે અને નાત-જાત, ધર્મ વગેરેમાં માનતા નથી. આર્થીક દ્રષ્ટીકોણ પ્રમાણે નાથિયો અને રાઠવા સમાજમાં ઝાઝો ભેદ નથી, તેઓ જાતિ ને કારણે અલગ હતા. આ બધા પાત્રો તેમની ભાષાના દ્વારા જુદા પાડવામાં આવ્યા છે. ભોમલો ભણેલો હોવાથી તેની ભાષામાં પ્રમાણભૂત ગુજરાતીના શબ્દો સંભળાય છે, તે છાપું પણ વાંચે છે. ભોમલો અને ધુળકી સિવાયના બધા જ રાઠવા પત્રો રાઠવી બોલે છે. તેમના કપડા બીજું એક વિશિષ્ટ લક્ષણ છે, જેના દ્વારા રાઠવા પાત્રોને અલગ બતાવાયા છે.  બધા જ રાઠવા પુરુષ પત્રો ખમીશ અથવા ટૂંકો ઝભ્ભો અને ધોતીમાં છે, તેઓ પોતાની કમર પર કપડું બાંધે છે જેને કેડિયુંકહેવાય છે. નાથ્યો લાંબો ઝભ્ભો અને ધોતી પહેરે છે,  અને પોતાના માથે લીલું કપડું બાંધે છે. બધા જ રાઠવા પાત્રો પોતાના માથે પાઘડી બાંધે છે, અને વધુમાં રાઠવા પાત્રો પોતાની પાસે ધારિયું રાખે છે. બીજી તરફ નાથ્યા પાસે પોતાનું સંગીતવાદ્ય રાવણહાથો છે. આમ, પાત્રોને કપડા દ્વારા સ્પષ્ટ ઓળખ બક્ષવામાં આવી છે. બીજા સમુદાયના પાત્રો, જેવા કે નાથ્યો, ચાંદની, વગેરેને કોઈ ચોક્કસ સમુદાયને લગતા કપડા પહેરાવવામાં આવ્યા નથી, ફક્ત રાઠવા સમુદાય અને તેની જીવનશૈલીને જ મહત્વ અપાયું છે.
      ફિલ્મનું સંગીત બીજું એક મહત્વનું અંગ છે. રાઠવા સમુદાયનું લોકસંગીત અને ટીમલી લોકનૃત્ય ને ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં સાત ગીતો છે, જેમાંથી બે ગીતો રાઠવા લોકસંગીત પર આધારિત છે, અને ફિલ્મની જાહેરાતોમાં આ બે જ ગીતોનો સહુથી વધુ ઉપયોગ થયો છે. સિનેમાઘરમાં દર્શકો આ ગીતો પર ટીમલી કરતા જોવા મળ્યા છે. આ ફિલ્મનો બીજો ભાગ ટીમલીના નામથી ૨૦૦૬માં પ્રદર્શિત થયો છે. ફિલ્મના બે મહત્વપૂર્ણ દ્રશ્યોમાં હાટ પણ બતાડવામાં આવ્યો છે, જે આદિવાસી સમાજનું અભિન્ન અંગ છે. શીર્ષક ક્રમમાં (title sequence) પશ્ચાદભૂમાં હાટનું દ્રશ્ય છે. અને બીજી વખત નાથ્યના સ્વપ્નમાં હાટ બતાડયો છે, આ સ્વપ્નમાં નાથ્યો પોતે રાઠવા સમાજનો સભ્ય હોય છે અને તે ધુળકી સાથે પ્રેમ-ગીત ગાય છે.
***
      આર્થિક ધોરણોને આધારે જો સમાજને વર્ગીકૃત કરીએ તો અહીં મુખ્યત્વે બે વર્ગો મળે છે, અને મોટાભાગે આર્થિક રીતે શક્તિશાળી વર્ગ સમાજ પર શાસન કરે છે. અહીયા, ચાંદનીના પિતા શેઠ’, એટલે કે માલિક છે, અને રાઠવા સભ્યો એના ખેતર અને ફાર્મ-હાઉસમાં મજૂરી કરે છે. એ ખુરશી અથવા સોફા પર બેસે છે અને એની સામે રાઠવા લોકો ઉભા રહે છે. પરંતુ, નિર્માતાએ એને કેમેરા એંગલ (camera angle) કે સંવાદ મારફતે ઉપલી કક્ષાનો કે બીજા કરતા ચડિયાતો બતાવ્યો નથી. શેઠ બધા જ નોકરો સાથે સારા છે અને બધાને હંમેશા મદદ કરે છે. ફિલ્મના શરૂઆતના દ્રશ્યમાં આદિવાસીઓને હાઈ એંગલ કેમેરા (high angle camera) દ્વારા નીચા બતાવાયા છે જયારે શહેરી લોકોને લો એંગલ કેમેરા (lower angle camera) દ્વારા સામાજીક દ્રષ્ટિએ શક્તિશાળી બતાવાયા છે. આ એક દ્રશ્યને બાદ કરતા બીજા બધા જ દ્રશ્યોમાં શહેરી અને આર્થિક રીતે સદ્ધર લોકોને તટસ્થ બતાવાયા છે. પૂરી ફિલ્મમાં બે પત્રો એકધારા લો એંગલ કેમેરાથી બીજા પાત્રો કરતા વધુ શક્તિશાળી બતાવાયા છે. પહેલા છે ફ્કીરાબબા, જે પોતાના આધ્યાત્મિક વલણને કારણે બીજા કરતા અલગ છે અને બધા જ તેમનો આદર કરે છે. વિઠ્ઠલ રાઠવા ગામનો મુખી હોવાને કારણે બીજા કરતા શક્તિશાળી બતાવાયો છે, અને બધાજ તેનાથી ડરે છે.
        ફિલ્મમાં નાથ્યાનું પાત્ર પણ નોધનીય છે. તેના પાત્રની બે ઓળખ છે, પહેલી ઓળખ છે નાથ્યા તરીકેની જેમાં એ ભિખારી, અભણ અને સુખ સગવડો વિનાનો છે, અને એની બીજી ઓળખ છે કેતન તરીકેની જે એક પૈસાદાર કુટુંબમાં છે, અંગ્રેજી બોલી શકે છે, અને શહેરમાં બધા જ પ્રકારની સુખ-સાહ્યબી સાથે જીવે છે. આ બેવડી ભૂમિકાનો દાખલો નથી, આ દાખલો છે બેવડી ઓળખનો. બીજી ઓળખ નાથ્યનું સ્વપ્ન સાકાર કરે છે. ફિલ્મ અને ફિલ્મકારોની દ્રષ્ટિએ શિક્ષણનો અર્થ છે અંગ્રેજી બોલવું. ફિલ્મના બીજા ભાગમાં કેતન અને ચાંદની દ્વારા બોલાયેલ અરધોઅરધ સંવાદ અંગ્રેજીથી રંગાયેલા છે. સામાજીક રીતે નિમ્ન ગણાતી સ્થિતિમાંથી ઉચ્ચ ગણાતી સ્થિતિ તરફ વધવાના વલણને બંધોપાધ્યાય (Bandhopadhyay 1997: 16) ‘sunflower syndrome’ તરીકે ઓળખાવે છે. ધુળકીના ભાઈને શહેરમાં મોકલી જવાબદારવ્યક્તિ બનાવવાની વાતથી એવું પ્રતીત થાય છે કે જાણે ગામડાં તો વ્યક્તિમાં જવાબદાર શીકાવતા જ ન હોઈ, જે ઉપરોક્ત sunflower syndrome નું બીજું ઉદાહરણ પૂરું પડે છે. પરંતુ, આજના સમાજમાં આ બાબત સામાન્ય થઇ ગઈ છે, આદિવાસીઓ કે ગામડામાં રહેતા લોકો અર્થોપાર્જન માટે કે પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવા માટે ગામડા છોડી શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે.
***
                ફિલ્મના શીર્ષક “ધુળકી તારી માયા લાગીવિષે થોડી વાત કરીએ. ઉપશીર્ષક છે, “બેબી, આઈ લવ યુ.” અહીયા, વાક્યમાં કર્તા અને સહાયક ક્રિયાપદ મુકાયા નથી. સંબોધન વિભક્તિ ધુળકીના આધારે આપણે કહી શકીએ કે તારી” ‘ધુળકીમાટે વપરાયું છે. આમ, ધુળકી એ ફક્ત શીર્ષકનું જ નહી, પરંતુ ફિલ્મમાં male gaze (પુરુષ ત્રાટકશક્તિ)નો પણ object બને છે. અહીયા, ધુળકી નાથ્યાને પ્રેમ કરે છે, અને નાથ્યો ધુળકીને પ્રેમ કરે છે, આ સંજોગોમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અને આ પ્રમાણે શીર્ષકનો અદ્રશ્ય કર્તા નાથ્યો બને છે. પરંતુ, જો આ જ શબ્દો વિઠ્ઠલના મોઢા પર મુકવામાં આવે તો વિઠ્ઠલ કર્તાબની જાય છે. આખી ફિલ્મ આ મુદ્દા પર આધારિત છે, નાથ્યા અને ધુળકીના પ્રેમમાં કોઈ વાંધો ન હોત જો વિઠ્ઠલ વચ્ચે ન હોત. વિઠ્ઠલ ફક્ત પ્રેમી નહિ પરંતુ એ જ સમુદાયમાં રહેતો પ્રેમી છે, જો સમુદાયમાં ધુળકી માટે કોઈ ઉમેદવાર ન હોત તો તેનો નાથ્ય પ્રત્યેનો પ્રેમ સમસ્યા ન બનત. આમ, અહીં ફક્ત પ્રેમ નહિ પરંતુ, સમુદાયની હદ બહારનો પ્રેમ સમસ્યા બને છે. શીર્ષક દર્શકોને આ સંઘર્ષ માટે તૈયાર કરે છે, અને આ દ્રષ્ટિકોણથી જોતા વિઠ્ઠલ શાસક અને નાથ્યો પીડિત તરીકે સામે આવે છે.
***
                મોટાભાગની (લગભગ ૯૦%) જેટલી ગુજરાતી ફિલ્મો ગામડામાં બનતી હોય છે અને તે પ્રેમકથા હોય છે. તો પછી આ ફિલ્મમાં કંઇક તો એવું વિશિષ્ટ હોવું જોઈએ જે એને બીજી ફિલ્મોથી અલગ પાડે, અહીં એ વિશિષ્ટતા છે, રાઠવા સમાજ, જેના વિષે દેશ અને રાજ્ય લગભગ અજાણ છે. આખી ફિલ્મમાં સૌથી નોંધપાત્ર પાત્ર કોઈ બાબત હોય તો તે છે રાઠવા સમાજ, તેમના કપડા, સંગીત, નૃત્ય, વગેરે જે ફિલ્મમાં ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આમ, ફિલ્મ નિર્માતાઓએ યુગ જૂની ગાથા વર્ણવવા માટે એક નવા સમાજનો સહારો લીધો છે. તેમણે પોતાના ઉત્પાદન માટે એક નવું બઝાર શોધ્યું અને તેમાં એ સફળ પણ થયા. સમાજની ઓળખ ઉભી કરવા તેમણે કેટલાક સંકેતોનો ઉપયોગ કર્યો જેવા કે વસ્ત્રો, ગીત-સંગીત, ભાષા, વગેરે. ફિલ્મની સફળતા એ વાતનો પુરાવો છે કે દર્શકો તેમના સંકેતો સમજી ગયા છે અને તેમણે ફિલ્મને સ્વીકારી લીધી છે. ફિલ્મમાં કેટલાક મુખ્ય રાઠવા પત્રો રાઠવી બોલે છે, પરંતુ બીજા પત્રો માન્ય ગુજરાતી જ બોલે છે જેથી કે અન્ય લોકો પણ ફિલ્મની મઝા માણી શકે. કેતન અને ચાંદની ખૂબ જ સરળ કહી શકાય તેવું અંગ્રેજી બોલે છે કે જેથી દર્શકો તેને સમજી શકે, આમ, નિર્માતા દ્વારા દર્શકોનો પુરો ખ્યાલ રખાયો છે.
***
      જો આપણે ફિલ્મને વર્ગભેગ અને સત્તાના દ્રષ્ટિકોણથી જોઈએ , તો અહીં આપણે સત્તાધારી વર્ગનું રાજકારણ (politics of superstructure) જોઈ શકીએ છીએ. ખુલ્લો વર્ગ સંઘર્ષ વિવિધ માધ્યમો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે (Edgar 1999: 65), જે આપણે આ ફિલ્મના માધ્યમ દ્વારા પણ જોઈ શકીએ છીએ. રાઠવા સમાજની મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને રોજગારી પૂરી થતી નથી. પરંતુ ફિલ્મમાં કોઈને પણ આ સમસ્યાઓની ચિંતા નથી, નાથ્યા જેવો ભિખારી પણ હંમેશા ખુશ જણાય છે. તેમની રોજીંદી જરૂરિયાતો કેવી રીતે પૂરી થાય છે? આખો રાઠવા સમાજ વિઠ્ઠલની એક હાકલ પર નાથ્યાને મારી નાખવા એકઠો થઇ જાય છે જાણે કે કોઈને બીજું કોઈ કામ જ ન હોય. શેઠને ખૂબ જ દયાળુ અને પ્રેમાળ દેખાડ્યો છે, પરંતુ એ ક્યારેય આ સમાજના ઉત્કર્ષ માટે કે તેમના શિક્ષણ માટે બોલતો નથી. આમ, શેઠ પોતાના નોકરોને નોકરરાખવા માટે જ કાળજી લેતો હોય એવું લાગે છે.
      ફિલ્મ નિર્માણની પૂરી ટુકડીમાં એક પણ વ્યક્તિ રાઠવા સમાજનો ન હતો. તેઓ સૌ ઉચ્ચ અને મધ્યમ વર્ગના છે. રાઠવા સમાજ હવે તેમના સામાજીક અને રાજકીય હક્કો પ્રત્યે સભાન બન્યો છે. આ ફિલ્મ દ્વારા રાઠવા સમાજને મુખ્ય ધારા સાથે જોડવાનો એક પ્રયત્ન થયો છે. ફિલ્મ રાઠવા સમાજ સાથે જોડાયેલ મોટાભાગના પાસાઓ વિષે વાત કરે છે, પરંતુ તેમની રોજબરોજની મુશ્કેલીઓ વિષે મૌન સેવે છે. અહીં શિક્ષણ વિષે વાત થાય છે, તેની સાથે જ શિક્ષિત ગુંડા પણ બતાવ્યા છે કે જેને કારણે ભોમલીના મનમાં શિક્ષણ પ્રત્યે નકારાત્મક અભિગમ વિકસે છે અને તેથી તે શિક્ષણનો વિરોધ કરે છે. ભોમાલની છાપું વાંચવાની ટેવને કારણે તે પોતાના કામ પર પૂરતું ધ્યાન આપતો નથી, આ વાત પણ શિક્ષણ વિષે નકારાત્મક સંદેશ પુરો પાડે છે. નાથ્યાનો સ્વીકાર અને તેમની મિશ્ર કહી શકાય તેવી રાઠવી એ વાતનો સંકેત છે કે તેઓ પોતાની વિશિષ્ટ ઓળખ ગુમાવી રહ્યા છે.
      રાઠવાએટલે રાઠ વિસ્તાર” – ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતા લોકો. (Singh 1998, cited in Parakh 2002: 2) આમ, તેમનું નામ જ તેમની ઓળખ છતી કરે છે. આજે આપણે જંગલોનો નાશ કરી રહ્યા છે, એટલે કે રાઠવા સમાજ પોતાની ઓળખ-સમું નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે. તેમનું જીવન જંગલ પેદાશ, પશુ-પાલન, વગેરે પર આધારિત હતું, જે બધું આજે તેઓ ગુમાવી રહ્યા છે. હવે, તેઓ ગામડાં છોડી શહેરો તરફ આવી રહ્યા છે કે જેથી તે છુટક મજુરીનું કામ મેળવી શકે. તેમનો દિવસ સખત મહેનત અને સંઘર્ષ ભર્યો હોય છે. આવા સમયે આની કોઈ ફિલ્મ કે તેના ગીતો તેમને પોતાની સમસ્યાઓ ભૂલવામાં મદદરૂપ થઇ શકે. આવું ફિલ્મો ક્યારેય મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરોમાં નથી આવતી, કે ન તો તેની સારી DVD કે CD મળે છે. કદાચ તેનું મુખ્ય કારણ છે કે તેનો દર્શક વર્ગ તેના પર મોટો ખર્ચ કરી શકતો નથી.
      આમ, ફિલ્મ-નિર્માતાઓએ આ એક સમાજને ઓળખી અને પોતાના ભવિષ્ય માટે એક નવું બઝાર ઉભું કર્યું છે. પરંતુ, તેઓને પણ સમાજના ઉદ્ધારની વાત નથી કરવી. જો આવા સમાજોનું જીવન સંઘર્ષમય રહેશે તો તેનાથી નિર્માતાઓને જ ફાયદો થશે કારણ કે તેમની ફિલ્મો સમાજને પલાયનવાદી અભિગમથી બધું ભૂલવી દેશે, ન કે તેમની સમસ્યાઓનું સમાધાન લાવશે.
સંદર્ભ:
Bandhopadhyay, Debaprasad
1997. Folklore and Folklanguage: Myth or Reality?  West Bengal: Kalyani University.
Edgar, Andrew
1999. “Class” in Key Concepts in Cultural Theory (eds.) Andrew Edgar & Peter Sedgwick. Pgs. 65-66. London & NY: Routledge.
Parakh, Mona
                2000. Segmental Phonology of Rathwi. Unpublished Dissertation. MSU: Baroda.
Rathva, Parsing
                2004. A Small Dictionary of Rathwi. Unpublished Dissertation. MSU: Baroda.

Published in Aadilok (May-June 2012: Year-4: Volume-3). Pgs. 32-34 [GUJGUJ/2009/28125]

Comments