"ગુડ્ડુ રંગીલા": જાતિવાદની થીયરી અને હિરોગીરીનું પ્રેક્ટીકલ


સુભાષ કપૂર દ્વારા નિર્દેશિત ૨૦૧૫ની ફિલ્મ "ગુડ્ડુ રંગીલા" હરિયાણા રાજ્યની ખાપ પંચાયત અને જાતિવાદની વાત લઇ ને આવે છે. બંને હીરો, ગુડ્ડુ અને રંગીલા, નીચી જાતિના છે, અને ગવૈયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ સાથે જ કોના ઘરમાં કેટલી મિલકત છે એની મુખબરી લુટારાઓ ને કરીને વધારાની આવક પણ ઉભી કરી લે છે. બીજી તરફ બાહુબલી નેતા બિલ્લુ પેહલવાન, જે શિવજી ના ભક્ત અને બ્રાહ્મણ છે, ખાપ પંચાયતના ઓર્ડર પર નીચી જાતિના પુરુષો સાથે પરણેલ ઉચ્ચ જાતિની દીકરીઓને સજા આપવાનું કામ કરે છે. અને ખાપ પંચાયતની સજા હોય છે યુગલનું મોત.

રંગીલાના આવી એક સઝાનો ભોગ બની ચુક્યો છે, એના મામા અને ગુડ્ડુના પિતાને બીલ્લુએ જાહેરમાં સળગાવી દીધા હતા. રંગીલાને પણ ગોળી વાગી પરંતુ બચી ગયો. આ કારણવશ રંગીલાને બિલ્લુ પાસેથી બદલો લેવો છે, અને એ બદલાની વાર્તા આ ફિલ્મ કરે છે. એક હીરો છે - રંગીલા, એક વિલન છે - બિલ્લુ. અને બીલ્લુંના વધથી વાર્તાનો અંત આવે છે.

જાતિવાદ વિષે હાલમાં કેટલીક સારી ફિલ્મો આવી છે, અને આ મુદ્દો એટલો મજબુત છે કે એના પર ઘણું સારું કામ કરી શકાય. પરંતુ સુભાષ કપૂરને મુદ્દા કરતા ફિલ્મ વધુ મહત્વની લાગી. અહી, વાતને સામાજિકમાંથી વ્યકતિગત બનાવી દેવામાં આવી. જાતિવાદને સમસ્યા તરીકે નહિ પરંતુ એક વ્યક્તિને સમસ્યા તરીકે મુકવામાં આવ્યો. ખાપ પંચાયત અને જાતિવાદી રાજકારણ સમસ્યા નથી. કારણ કે સામાજિક સમસ્યાની આડમાં અહી વ્યક્તિગત લડાઈ રજુ થઇ છે. બિલ્લુ પેહલવાનના મૃત્યુ સાથે ફિલ્મનો અંત થાય છે, જાણે કે એક વ્યક્તિના મૃત્યુ માત્રથી જ જાતિવાદની સમસ્યાનો અંત થઇ જવાનો હોય.

જો "નીચો" ગણાતો સમાજ એકઠો થઇ પોતાને થતા અન્યાય સામે અવાજ ઉઠાવે અને દોષીઓને સજા અપાવે તો એક મજબુત સામાજિક સંદેશ પહોંચે, પરંતુ અહી તો સમાજના નામ પર બે નાયક છે અને તેમને અહ્કાર પૂરો પડતા બીજા માંડ પાંચ લોકો છે. તદુપરાંત, હીરો પોતાનો બદલો ત્યારે જ લઇ શક્યા જયારે "ઊંચી" ગણાતી જાતિની હિરોઈનોએ તેમને સહકાર આપ્યો અને તેમની સાથે ખભાથી ખભા મિલાવીને લડી.

ફિલ્મનું સહુથી નબળું પાસું છે હિરોના પાત્રોની રજૂઆત. હીરો નીચી ગણાતી જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. બંને નીચી જાતિના છે અને ગાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. અહિયાં સુધી ઠીક હતું, પરંતુ પછી તેમને અસામાજિક કામ કરતા દર્શાવાયા છે. આ નાનકડુ પાસું એવું સૂચિત કરે છે કે "નીચી" જાતિના લોકો કોઈને કોઈ અસામાજિક કાર્યોમાં સંડોવાયેલા હોય છે. અને તેથી જ તેમના સામાજિક બહિષ્કારમાં કશું ખોટું નથી.

એક સારી ફિલ્મ નાની-નાની બાબતોને સબળતા પૂર્વ રજુ કરવાથી બને છે. પરંતુ, જ્યાં પાયાના મુદ્દાને જ સમજવામાં ખામી હોય ત્યાં સારા અભિનેતાઓનો સારો અભિનય પણ ફિલ્મને સાચવી ન શકે.

#ગુડ્ડુ_રંગીલા  #ખાપ_પંચાયત #જાતિવાદ

Comments