સત્તા અને સંસ્થા: ‘અભુ મકરાણી’થી ‘મિર્ચ મસાલા’ સુધી



૧.
જે સંસ્થાઓ આપણને મનુષ્ય તરીકેનો દરજ્જો પૂરો પડે છે, એ જ સસ્થાઓ આપણને આપણા મુખ્ય હક અને ફરજનો ભંગ કરતા પણ શીખવી શકે છે. શું થાય જો આપણે જેમને હમેશા સત્તાના કેન્દ્રથી દુર રાખ્યા છે, એ પોતે જ વિકેન્દ્રીકરણ લઇને તમારી સત્તાને જોખમમાં મુકે? શું થાય જયારે આપણા રક્ષક જ આપણો શિકાર કરવા નીકળે? શું થાય જો તમારી સંસ્થા જ તમારી વિરુદ્ધમાં હોય, ભલે પછી એ સંસ્થા રાજકીય હોય કે કૌટુંબિક? સોનબાઇ અને સરસ્વતી તમારી સમક્ષ આવા કેટલાક પ્રશ્નો મુકે છે ફિલ્મ ‘મિર્ચ મસાલા’ ના માધ્યમ દ્વારા. સાથે સાથે અભુ મિયાં આખા ગામની વિરુદ્ધમાં જઈ ફરજ નહિ પણ ‘ઈમાન’ની વાત કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે. એ પણ એ સ્ત્રીઓને બચાવવા જેમને એમના જ ગામે સુબેદારને સોંપી દીધી છે.
૨.
ફિલ્મ ‘મિર્ચ મસાલા’ ૧૯૮૫માં કેતન મેહતા દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ હતી, જેને રાષ્ટ્રીય સ્તર પર બહુમાન પ્રાપ્ત છે. ફિલ્મની મુખ્ય કથાવસ્તુ ચુનીલાલ મડીયાની ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ પર આધારિત હતી. પરંતુ ફિલ્મ એક સામાન્ય રૂપાંતર કરતા વધુ કહી આપે છે. ફિલ્મ વાર્તાના નાના કથાનકને સંદર્ભ પૂરો પાડે છે અને વાર્તાને સામાન્ય જનતા માટે ગ્રાહ્ય બનાવે છે. ફિલ્મ વાર્તાને એક કારખાનાની બહાર કાઢી, એક ગામની વાત બનાવે છે અને આમ કરતા ઘણા પત્રો પણ વધારવાની ફરજ પડે છે. વાર્તાના મુખ્ય કથા-વસ્તુ પ્રમાણે એક મુસ્લિમ ચોકીદાર કારખાનામાં સંતાયેલ ભીખીને સુબેદારને સોંપી દેવાનો સાફ ઇનકાર કરી દે છે. અને જયારે વાત તેના હાથમાંથી જતી લાગે છે તો પોતાની જ બંદુક વડે પોતાને ગોળી મારી નમકહલાલી અને ઈમાન વચ્ચેનો ત્રીજો રસ્તો શોધી લે છે. ફિલ્મ આ બધું જ કથાનક રજુ કરે છે, પરંતુ કથાને ગામડાનો સંદર્ભ પણ પૂરો પાડે છે અને અભુ મિયાંની ઈમાનદારીને નમકહલાલી કરતા ચઢિયાતી પણ બતાવે છે. ફિલ્મ વાતને સામાજિક અને રાજકીય રંગ પણ પૂરો પડે છે.
૩.
ફિલ્મ વિશેની વાતમાં ઊંડા ઉતરીએ તે પેહલા રૂપાંતરના કેટલાક પાયાના સિદ્ધાંતો પર નજર દોડાવીએ. બોયુમ છ અલગ-અલગ પાસાંઓને રૂપાંતરમાં આવરી લે છે, જેમાંથી કોઈ એક કે કેટલાક એક સાથે આપણે ફિલ્મમાં નોંધી શકીએ છીએ. અહિ, ૧. દર્શક એક વાચક: વિવિધ અર્થઘટન, ૨. ફિલ્મ નિર્દેશક એક વાચક: વફાદારીનો પ્રશ્ન, ૩. દ્રષ્ટિકોણ, ૪. શૈલી અને વલણ, ૫. રૂપકો અને પ્રતિકો ૬. સ્વપ્નો, વિચારો અને આંતરિક ક્રિયાઓ.ફિલ્મ વિવેચન અને રૂપાંતરમાં આ બાબતો પર પણ જરૂર લાગ્યે વાત કરવામાં આવશે. ફિલ્મના કથન પ્રમાણે આગળ વાત જોઈશું.
૪.
ફિલ્મનું શરૂઆતનું દ્રશ્ય ફિલ્મના દર્શકોને આવનારા બનાવો માટે તેય્યાર કરે છે, અને ઘણા નીર્દેશકો પોતાનો વિચાર મુકવામાં ઘણા પાવરધા પણ હોય છે. ‘મિર્ચ મસાલા’ ફિલ્મનું આ શરૂઆતી દ્રશ્ય આપણી હિન્દી સિનેમામાં રૂપકાત્મક શરુઆતનો એક ચીલો ચાતરે છે. શરૂઆતમાં જ ટાઈટલ પુરા થતા જ ખેતરમાં ઉભેલા ચાડીયાના મો પર ગોફેણમાંથી છૂટેલો પત્થર વાગે છે અને માટલું, જેના પર મો ચીતર્યું છે, તૂટી જાય છે, અને એના નીચેથી આઝાદ થઇ જાય છે ઘણી બધી માખીઓ, જે હાથીના કાનમાં ઘુસી જાય તો તેનું પણ મોત નીપજાવી દે. આ દ્રશ્યમાં ચાડિયો અભુ મિયાંનું રૂપક છે જે કારખાના રૂપી ખેતરની રક્ષા કરે છે પણ તેના પર થયેલા હુમલાને કારણે, માખી સમાન નીચ ગણાયેલ સ્ત્રીઓ, કારખાનાના દાડિયા, એક હિંસક રૂપ બતાવે છે.  આ શરુઆતી દ્રશ્ય, જે વાર્તામાં નથી પણ ફિલ્મનો અંત, જે પણ વાર્તા કરતા અલગ છે, બતાવી દે છે.
        આ દ્રશ્ય બીજી પણ એક બાબત પ્રેક્ષકો સમક્ષ રજુ કરે છે. આ ફિલ્મ, વાર્તાની જેમ, એક કારખાના વિષે નહિ પણ એક ગામની કથા છે, અને સાથે સાથે, ખેતરના ચાડીયા અને કારખાનાના ચોકીદારની જેમ ગામના મુખીની પણ કથા છે. અહી, નિર્દેશકે ખુબ જ શિફતપૂર્વક ચોકીદારની સમકક્ષ મુખીને મુક્યો છે, જે પ્રેક્ષકોને ઈમાનદારીની સરખામણી પૂરી પાડે છે. બીજા જ દ્રશ્યમાં ફિલ્મના બે મુખ્ય પાત્રોનો પરિચય થાય છે: સોનબાઇ અને સુબેદાર. જ્યાં સુબેદારની લુચ્ચાઈ અને નફ્ફટાઈની સાથો સાથ સોનબાઇના આત્મસન્માનનો પણ પરિચય મળે છે. અને આ જ આત્મસન્માન સુબેદારને ઘાયલ કરી દે છે, જેના કારણે તે સોનબાઈને ભોગવવા માટે આખા ગામ પર દબાણ લાવે છે. વાર્તામાં આ પશ્ચાદભૂ નથી, જે અહી ફિલ્મકાર પોતાના દર્શકો માટે પૂરું પડે છે. આની સાથો સાથ એ પણ બતાવી દેવામાં આવે છે કે સોનબાઈના પતિને રેલ્વેમાં નોકરી મળતા તે શહેર ગયો છે અને સોનબાઇ હવે એકલી છે.
        ત્યાર પછી શરુ થાય છે, ગામના વિવિધ લોકોનો પરિચય અને ગામનો પરિચય. ગામના મુખી અને તેની પત્ની, મુખીના ચમચા, વાળંદ, મુખીનો ભાઈ, તેની પ્રેમિકા, ગામમાં વેપાર અર્થે આવેલ બારોટ અને એક સ્વરાજમાં માનનાર ખાદીધારી શિક્ષક. ગામના મોભીઓ સુબેદારના આગમનના સમાચાર જાણી, સુબેદાર સામે હાજરી પુરાવવા પહોંચી જાય છે, અને ત્યા સુબેદાર રેકર્ડ પ્લેયર પર ગીત સંભળાવી બધાને પોતાની શક્તિનું દર્શન કરાવે છે અને મંત્ર-મુગ્ધ કરી દે છે. એક પાત્ર તો ત્યા સુધી કહે છે કે, “આવાજ ભી સરકારકી ગુલામ હેં”, જે આવનારા પ્રસંગોનો પડઘો બની રહે છે. આ દરમિયાન જ શિક્ષક ઘોડાની હડફેટે આવી ગયેલા એક બાળકની ફરિયાદ કરવા આવે છે, જ્યાં સુબેદાર સહિત ગામના લોકો તેની હંસી ઉડાવી એના અવાજને રૂંધી નાખે છે. સુબેદાર કહે છે, “ઘોડો કી ફરિયાદ કરને આયા હે, ગધા સાલા” કહી તેની વાત ઉડાવી દે છે. ત્યાર પેહલા એક નોકરથી રેકર્ડ તૂટતા તેને સુબેદાર ઢોરમાર મારે છે. આ દ્રશ્ય દ્વારા ફરી એક વખત સુબેદારનો રોફ છતો થાય છે, તેની સાથો સાથ તેનો રંગીન મિઝાઝ પણ દર્શકોને જોવા મળે છે.
        ગામમાં રાત્રે સુબેદારને ખાસ ગરબાનું નિમંત્રણ પહોંચે છે અને સુબેદાર ગરબા નિહાળવા આવે છે. અહી એવું પ્રતીત થાય છે કે સુબેદારને ખુશ કરવા ગામની યુવતીઓ-સ્ત્રીઓ પાસે તેની સમક્ષ નૃત્ય કરાવવામાં આવ્યું હોય. પણ સુબેદાર આટલામાં ખુશ થઇ જાય એમાંનો નથી. એ તો રાત માટે સોનબાઇની માંગણી કરે છે, પણ તેની જગ્યા એ બીજી સ્ત્રી પહોંચાડવામાં આવે છે.
૫.
સાડત્રીસમી મીનીટે વાર્તા અને ફિલ્મના નાયક અભુ મિયાંના દર્શન થાય છે, નવું પ્રભાત ઉગ્યું છે અને કારખાનાના દાડિયા આવવા શરુ થઇ ગયા છે, મુખ્ય દરવાજા પર અભુ મિયાં બેઠા છે, જે કોઈ પણ જાતના ક્ષોભ વિના બધાને રામ-રામ કરી રહ્યા છે. કારખાનામાં કામ કરતી બધી સ્ત્રીઓ એક પછી એક કારખાનામાં પ્રવેશે છે, અને પોતાના રોજીંદા કામમાં પરોવાય છે. સોનબાઇનો ભેટો ફરી એક વખત સુબેદાર સાથે થાય છે, અને આ વખતે તે સુબેદારને એક ઝોરદાર તમાચો મારી ભાગી છૂટે છે, અને તેની પાછળ સુબેદારના બે-લગામ સિપાહીઓ છે, સોનબાઇ દોડતી-પડતી કારખાનામાં આવી છુપાઈ જાય છે. સિપાહી કારખાનામાં પ્રવેશ કરે તે પેહલા અભુ મિયાં કારખાનાનો મુખ્ય દરવાજો બંધ કરી દે છે. જેમ-જેમ સ્ત્રીઓને વાત ની ખબર પડે છે તેમ તેમ તેઓ સોનબાઈને સુબેદારને તાબે થઇ જવા માટે જણાવે છે. આ તરફ સુબેદાર કારખાનાના માલિક સાથે સ્ત્રીને સોંપી દેવા માટે સોદો કરે છે, નહિતર શેઠના કારખાના સલામત નહી રહે. પરંતુ અભુ મિયાં સોનબાઇની સલામતી ખાતર શેઠની નોકરી પણ ઠુકરાવે છે. સુબેદાર ગામના મુખી સામે આ જ પ્રસ્તાવ મુકે છે અને ગામને નિર્ણય લેવાનું કહે છે. પંચમાં નિર્ણય સુબેદાર માટે લેવાતો હોય એવું જણાય છે, સોનબાઈની કોઈનેય ફિકર નથી. બારોટ ગામના લોકો પર કટાક્ષ કરતા બંગડીઓ વેચવાની વાત મુકે છે, આ કડવા વેણ ન સાંભળી શકતા ગામના લોકો તેને સભામાંથી હાંકી કાઢે છે. તે જ રીતે શિક્ષક પંચના નિર્ણયનો વિરોધ કરે છે અને કહે છે કે એની શું ખાતરી કે સુબેદાર આવી માંગણી ફરી ન કરે?
ફિલ્મમાં સસલા અને સિંહની વાર્તાનો સંદર્ભ અહી લેવામાં આવ્યો છે. પેહલા પણ મુખીની પત્ની – સરસ્વતી પોતાની પુત્રીને આ કથા સંભળાવે છે. સોનબાઇ અને સુબેદારનું પ્રકરણ ત્યાર પછી શરુ થાય છે. ફરી એ જ પ્રશ્ન અહી ગામ લોકો સામે શિક્ષક ઉઠાવે છે. સિંહ ને શિકાર પહોચાડીશું તો એની શી ખાતરી કે એ ફરી બીજો શિકાર નહિ માંગે? આજે સોનબાઇ માંગી, કાલે મુખીની પત્ની માંગશે અને પરમ દિવસે બીજી કોઈ સ્ત્રી? ગામમાં ભેગી થયેલ સમાજ રૂપી સંસ્થા એટલી ભયભીત છે કે શિક્ષકના આ વિચારને પણ ખોટી રીતે લઇ તેનો વિરોધ કરે છે. અને ત્યારે આપણને સુબેદાર સમક્ષ બોલાયેલા શબ્દો “આવાજ ભી સરકાર કી ગુલામ હે” સાચા બનતા હોય તેવું લાગે છે.
અહી, આપણને નિર્દેશકની કલા દૃષ્ટિનો અનુભવ થાય છે. એક તરફ એકલા અભુ મિયાં પોતાના જીવ અને નોકરીની પરવા કર્યા વિના સોનબાઇની સલામતી ખાતર સુબેદાર અને તેના જવાનો સામે બાથ ભીડે છે. બીજી તરફ ગામના મુખી, પંચ અને પુરુષો કે જેમની જવાબદારી છે ગામના લોકોની રક્ષા કરવાની, સોનબાઇ ને સુબેદારને સોંપી દેવા તત્પર છે. આ એ જ પુરુષો છે, જે ગામની સ્ત્રીઓ દ્વારા વિરોધ થતા તેમને ચોટલો પકડી મારવામાં પોતાની મર્દાનગી જુએ છે પણ સુબેદાર અને તેના મુઠ્ઠીભર સૈનિકો સામે વગર લડ્યે શરણે થઇ પડે છે. જે સુબેદાર માંગે છે એ બધું જ આપવા તેય્યાર છે.
૬.
આ તરફ કારખાનામાં સ્ત્રીઓ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળની આપવીતી વાગોળતા સીધી કે આડકતરી રીતે સોનબાઈને સુબેદારના શરણે જવાની સલાહ આપે છે. સોનબાઈ પાસે હિમ્મત અને અભુ મિયાંના નામની ધરપત સિવાય કઈ જ નથી. ગામના શુરવીર પુરુષો અંતે સુબેદરની વાત માની લે છે, અને આખું ગામ અભુ મિયાંને સમજાવવા આવી પહોંચે છે, જ્યાં સમાજ, ધર્મ અને અંતે રાજકીય સત્તા અભુ મિયાં અને સોનબાઈને ઝુકાવવામાં નિષ્ફળ નીવડે છે. અને સુબેદાર પોતાના સૈનિકોને દરવાજો તોડી નાખવાનો હુકમ આપે છે. દરવાજાની બીજી તરફ, અભુ મિયાં પોતાની બંદુકમાં બે કારતુસ ભરી તેય્યાર રાખે છે, તો સોનબાઇ પણ આર-પારનો ફેસલો કરવા હાથમાં દાતરડું લઇ તેય્યાર છે. અભુ મિયાં સિપાહીઓની ગોળીથી વિંધાય છે, પણ સુબેદરની હઠ છે, સોનબાઈને પોતાના તાબા હેઠળ લાવવાની અને તેથી એકલો જ કારખાનામાં પ્રવેશે છે. અને કારખાનામાં છુપાયેલી સ્ત્રીઓનો રોષ મરચાનો ભૂકો બની સુબેદારની આંખો પર ઠલવાય છે.
૭.
ફિલ્મ અને કથાને સમાંતર મુકતા એક બાબત ચોક્કસ થશે કે ફિલ્મમાં દરેક દર્શક પોતાની એક કથાને લઇ ને તંતુ સાંધતો હોય છે. અને તેથી જ ઘણી બધી નાની-મોટી કથાઓ ફિલ્મને એક આખું રૂપ આપે છે. અહી મુખી અને તેની પત્નીની પણ કથા છે, અને મુખીના ભાઈ અને તેની પ્રેમિકાની પણ કથા છે, તો વળી ખુશી ખુશી સુબેદાર સાથે સુવા જતી સ્ત્રીની પણ વાત છે. નાના ખેડૂતોનું શોષણ તો સ્વરાજના વિચારો વાળા શિક્ષકનો બળવો પણ છે. દરેક પ્રેક્ષક આ બધી કથાઓને વાગોળતો આખી ફિલ્મની મઝા માણે છે. નિર્દેશક માટે જરૂરી છે કે તેને વાર્તામાં એવા વિચાર મળે કે જેને ચાક્ષિક દ્રષ્ટિકોણથી રજુ કરવા ન ફક્ત પડકાર રૂપ હોય પણ સથોસાથ અસરકારક પણ બની રહે. આ બાબતે નિર્દેશક પોતાની વાત રજુ કરવા કેવી-કેવી બાંધછોડ કરે છે અને તેનો કથાવસ્તુ પર શું પ્રભાવ પડે છે એ એક વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે. વાર્તા સાથેની વફાદારી એ નિર્દેશકના વલણ પર આધરિત હોય છે. જેમ કે આ ફિલ્મમાં નિર્દેશકે કેટલાક પાયાના ફેરફાર કર્યા, વાર્તા લાંબી કરી, પાત્રો વધાર્યા, વગેરે એ વાત છતી કરે છે કે નિર્દેશકને વાર્તાની જેમ ફક્ત અભુ મિયાં અને સોનબાઈની જ વાત નથી કરવી, નિર્દેશક ને સમાજ સામે અને સમાજના દંભ સામે એક અરીસો મુક્વો હતો.
૮.
વાર્તામાંથી ફિલ્મમાં રૂપાંતરની પ્રક્રિયામાં ઘણા બધા બદલાવ આવ્યા, પેહલા કહ્યું તેમ વાર્તા કારખાનામાંથી નીકળી ગામ વિશેની થઇ ગઈ. વાર્તા ફક્ત અભુ મકરાણીની હતી, જયારે ફિલ્મ અભુ મિયાં, સોનબાઇ, સુબેદાર, મુખી, અને ગામની બની ગઈ. વાર્તાના અભુ મકરાણીને ફિલ્મમાં અભુ મિયાં બનાવી દેવામાં આવ્યા. ‘મકરાણી’ શબ્દ અને અટક એક વિસ્તાર (મકરાણ) સાથેનો સમ્બન્ધ વધુ બતાવે છે, જયારે ‘મિયાં’ સીધો સંદર્ભ મુસ્લિમ હોવાનો આપે છે. આ સંદર્ભ વાર્તાના કથાવસ્તુને વધુ મજબુત બનાવે છે. તેવી જ રીતે સોનબાઇનું સોનાનું રૂપ નથી જ છતું કરી દેવામાં આવ્યું છે. વાર્તામાં છતી થતી અભુ મકરાણીની કર્તવ્યપરાયણતા અને ઈમાનદારીને ફિલ્મમાં જેમ-ની-તેમ મુકવામાં આવી છે, પણ તેમ છતાં ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ વિષે વધારે બની જાય છે. આ મુદ્દા પણ બહાર આપવા જ મુખીની પત્ની અને તેની પુત્રીની વાત ખુબ લંબાણપૂર્વક રજુ થઇ છે. એક છોકરી શાળાએ જાય એ તો આખા ગામમાં હાંસીનું પાત્ર બને છે. ફિલ્મમાં એ બાબત પણ સ્પષ્ટ રીતે રજુ કરવામાં આવી છે કે ગામના મોટા ભાગના પુરુષો બેકાર બેઠા છે, અને સ્ત્રીઓ કારખાનામાં કામ કરી ઘર ચલાવે છે, જે સશક્તિકરણનું જ એક પાસું રજુ કરે છે.
        કારખાનામાં કામ કરતી સ્ત્રીઓમાંથી કેટલીક સ્ત્રીઓના નામ ફિલ્મમાં રજુ થયા છે, જેમકે કાલી, લક્ષ્મી, અંબા, અને આ બધી સ્ત્રીઓની રક્ષા કરી રહ્યો છે એક મુસ્લિમ ચોકીદાર. વાર્તામાં સ્ત્રીઓના નામ નથી જણાવ્યા, પરંતુ અહી પૌરાણિક નામ આપી નિર્દેશકે એક રાજકીય કટાક્ષ કર્યો છે. તેવો જ એક રાજકીય સંકેત છે, તમાકુના કારખાનાને મરચાના કારખાનામાં ફેરવવું, કારણ કે મરચાનો લાલ રંગ એ ક્રાંતિનું પ્રતિક છે.
૯.
આમ, ફિલ્મ વિવિધ સસ્થાઓ અને તેના સ્વીકારાયેલ નિયમો અને સત્તાને પડકારે છે. સુબેદરની સત્તા સામે જયારે ગામ આખું નમ્યું, ત્યારે એક વૃદ્ધ ચોકીદાર અને એક સ્ત્રી પડકાર બની ગયા. મુખીની સત્તા સામે તેની જ પોતાની પત્ની પડકાર રૂપ બની. પુરુષપ્રધાન કુટુંબોનું ગુજરાન ચલાવતી સ્ત્રીઓ કટુંબ સંસ્થા માટે એક કસોટી બની. સામ-દામ-દંડ-ભેદમાં માનતા સુબેદારની રાજકીય સત્તા નમાલી અને નિર્વીર્ય થઇ પડી. પંડિત પણ સ્વાર્થ ખાતર ધર્મ અને બલીદાનની નવી વ્યાખ્યા કરવા લાગ્યા, અને ધર્મ સંસ્થા જાતે જ જાણે સુબેદાર રૂપી રાજકીય સત્તાને શરણે જઈ પડી. છેવટે સ્ત્રીને શિક્ષણ ન અપાય તેવા વિચારનું છડેચોક, બીજાઓની હાંસી અને વિરોધ સહીને પણ, ઉલ્લંઘન થયું.
આમ જોઈએ તો આ ફક્ત સોનબાઈને સુબેદારનો સંઘર્ષ નથી, કે અભુ મિયાની ઈમાનદારીની ગાથા પણ નથી. આ વાત છે, એક વ્યક્તિના પોતાના આત્મસન્માન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યની, જેમાં સામાજિક સંસ્થાઓ પીઠબળ નહી પણ અવરોધ ઉભો કરી રહી છે. શું આ વાત ખરેખર ત્રીસ વર્ષ જૂની થઇ ગઈ છે? વિચારશો ઉત્તર જરૂર ‘ના’માં જ મળશે.
નોંધ:
૧. Boyum, Joy Gould (1986) Double Exposure: Fiction into Film. Hyderabad: Seagull.
૨. 1. Viewer as Reader: Varieties of Interpretation, 2. The Filmmaker as a Reader: The Question of Fidelity, 3. Point of View, 4. Style and Tone, 5. Metaphor, Symbol, Allegory 6. Interiors: Thought, Dream, Inner Actions.
૩. મકરાણ બલુચિસ્તાનનો એક વિસ્તાર છે, સૌરાષ્ટ્ર રાજ્યમાં મકરાણથી બલુચી સિપાહીઓ લાવવામાં આવતા, જે ગુજરાતમાં મકરાણી તરીકે ઓળખાયા.



Comments

  1. dear JAVEDBHAI, please give me your other articles on chunilal madia, so that they can be shared on CHUNILAL MADIA page.
    - amitabh madia

    ReplyDelete
  2. i primarily write on Media, this one was also written because of the film made from the Short Story. My other articles are available on the blog, though not on Chunilal Madia. Hope these might interest you.

    ReplyDelete

Post a Comment