ધી ડીઝીટલ બ્રાઈડ - જાવેદ ખત્રી



“તો મેકલુહાન સાહેબ, તમારું અહિયાં, કદાચ, આ છેલ્લું ઈન્ટરવ્યું હશે. તમે કેવો અનુભવ કરી રહ્યા છો?” મારો તેમને પહેલો અને સીધો સવાલ.

તેમણે એક સ્મિત વેર્યું અને કહ્યું, “વાત તો તમારી સાચી છે, બધાને એની માહિતી મળવી જોઈએ.” પોતાના ખીસામાંથી એક સ્માર્ટ ફોન કાઢી, તેમાં twitter શરુ કરી, એક twit કર્યું, “last intrvw here, feelin awsm. Catch it soon..” twit પોસ્ટ કરી તેમણે મારી સામે જોયું.

હું એ સ્માર્ટ ફોનની સ્માર્ટનેસમાં ખોવાયેલો હતો, મારા જેવો માણસ આવો ફોન ક્યારે ખરીદશે એ વિચારમાંથી બહાર નીકળી, મેં આગળ વાત ધપાવી.

“લુહાન સાહેબ, તમે લખ્યું છે તેમ, આ વિવિધ સંચાર-માધ્યમો એ મનુષ્યના અંગોનું જ વિસ્તરણ છે, ટી.વી. મનુષ્યની દ્રષ્ટિ અને શ્રવણ શક્તિનું વિસ્તરણ, તો વિવિધ હથિયાર નહોર અને હાથનું વિસ્તરણ. આ દ્રષ્ટિકોણથી જોતા તમે આજની જાહેરખબરો વિષે શું કહેશો?” મને ખબર હતી કે પેહલા પ્રશ્નનો ઉત્તર હવે નહિ આવે.

લુહાનજી એ એમના જાણીતા અંદાઝમાં વિચાર્યું અને જ્ઞાનોદય કરતા હોય તેવા અવાજમાં કહ્યું, “જાહેરખબરો મનુષ્યના સ્વપ્નોનું વિસ્તરણ છે.” બધા બધું સમજી ગયાના વહેમમાં એ ચુપ થઇ ગયા.

“થોડું વધારે, વિસ્તારથી સમજાવશો?” મેં વાત આગળ ચલાવી, સાથે breaking news માટે એમના આ શબ્દોને  નોંધી લીધા.

“બીજા બધા વિસ્તરણ કરતા આ વિસ્તરણ થોડું અલગ છે, અહી, મનુષ્યના સ્વપ્નનું માપ વધી જાય છે, મનુષ્યની હદની બહારના પણ સપના જોવામાં કઈ જ બાધ નથી. જે મનુષ્ય આર્થિક રીતે ક્યારેય કાર ખરીદી શકવાનો નથી, એ પણ હોંશે હોંશે કારનાં સપના જોઈ શકે છે.”

“તમે hot અને cool મીડિયા વિષે વાત કરી, તમારા મતે hot મીડિયા વધુ અસરકારક છે, તો તમે hot મીડિયામાં શેનો શેનો સમાવેશ કરશો?”

“hot હોવું એ relative મુદ્દો છે, કોઈ મીડિયાનો પ્રકાર એક સમયે hot હોય તે બીજા સમયે hot ન પણ હોય, ટી.વી.ની જાહેરખબરો આજથી ૧૦ વર્ષ પેહલા hot હતી, આજે social mediaનો જમાનો છે, રાજકીય જાહેરખબરો આજે પણ હોર્ડિંગ્સ અને પ્રવચનના રૂપમાં સહુથી વધુ અસરકારક છે.”

“આનાથી કોઈ લાંબાગાળાનો બદલાવ?”

“દરેક યાંત્રિક બદલાવ પોતાની સાથે ઘણા બધા સામાજિક, રાજકીય અને સંજ્ઞાનાત્મક ફેરફારો લઈને આવે છે. ગુટનબર્ગના પ્રિન્ટીંગ પ્રેસથી આપણી દુનિયામાં આમૂલ પરીવર્તન જોવા મળ્યું, તેવી જ અસર ટી.વી.થી થઇ, અને આજે ઈન્ટરનેટ અને સ્માર્ટ-ફોનનાં કારણે આપણી જીવન જીવવાની રીત, વિશ્વને જોવાની અને સમજવાની દ્રષ્ટિ બદલાઈ રહી છે. આપણી યાદશક્તિ દિવસે દિવસે ઘટી રહી છે, અને આપણે આ ઉપકરણો પર વધુ ને વધુ આધાર રાખતા થઇ ગયા છે, એના ગુલામ બનતા થઇ ગયા છે.”

મારા માટે આ મહત્વની ઉક્તિ હતી, એનાથી વધુ લોકોને આકર્ષિત કરી શકાય તેમ હતું. મેં મુદ્દો ફરી જાહેરખબર તરફ વાળતા પૂછ્યું, “તમારી મીકેનીકલ બ્રાઇડ હજી કેટલી દુર જણાય છે?”

“એ તો ૧૯૫૦માં હતી એટલી જ નજીક છે, હા, હવે એ મીકેનીકલ નથી રહી, હવે એ ડીઝીટલ થઇ ચુકી છે, એ વિકાસ પામી છે અને તેથી જ વધુ અસરદાર અને ખતરનાક થઇ ચુકી છે.”

“તમે આ યાંત્રિક વિકાસને હકારાત્મક દ્રષ્ટિકોણથી કેમ નથી જોઈ શકતા?”

“એ તો શક્ય જ નથી, કારણકે આ યાંત્રિક વિકાસ સ્વાર્થી લોકોના ઈશારે થઇ રહ્યો છે, જો માણસને યુદ્ધ ન કરવું હોત તો માણસે કરી છે એનાથી અડધી પણ વૈજ્ઞાનિક પ્રગતી ન સાંધી શક્યો હોત. સહુથી મહત્વની બાબત છે કે એ આપણી સ્વતંત્ર વૃત્તિ અને મતિ છીનવી રહ્યા છે.”

આમ, તો એ સાવ સામાન્ય અને ગંભીર છોકરો હતો, ખબર નહિ આવું કેમ કરતો હતો? ક્યારે શાળાના વર્ગખંડમાં પણ એને સજા નથી થઇ, કઈ જ ખોટું નહિ, એટલો સામાન્ય કે વિશ્વાસ ન કરી શકાય. હું એનો ખાસ મિત્ર, મારી ફરજ છે કે હું એની સમસ્યાનું સમાધાન કરાવું, પણ સમસ્યા તો ખબર પડવી જોઈએ ને?

“યાર વિનાયક, તું આમ કેમ થઇ ગયો છે? તું તો આવો ન હતો. મને કહીશ તને શું થયું છે?”

“કઈ નહી યાર, તું નહિ સમજે, તું મને પાગલ માની લઈશ.”

“ના, મારા ફેસબુકના પાસવર્ડ ના સમ, હું તને પાગલ નહિ ગણું. તું મને કહે તો ખરો.”

“હું પ્રેમમાં પડ્યો છું..”

“અને છોકરી ના પાડે છે? ઓહો, તેમાં આટલી બધી ચિંતા??”

“ના, તું સમજે છે એવું નથી.”

“તો પછી?”

“હું એવી સ્ત્રીના પ્રેમમાં પડ્યો છું, જે બોલી જ નથી શકતી.”

“સ્ત્રી? શું થઇ ગયું છે તને?”

“હા, સ્ત્રી. એટલી તો સુંદર છે કે હજારો સ્ત્રીઓ તેના જેવી બનવા માંગે છે. હું એના પ્રેમમા છું, પણ...”

“પણ શું? એ બોલતી નથી? બોલી શકતી નથી? ઈશારો તો કરશે ને...?”

“ના, એ પણ નહિ કરી શકે. એ આ મેગેઝીનમાં આવેલી એક કોસ્મેટીકની જાહેરાતની મોડલ છે.”

વિનાયકે એ મેગેઝીન મારા હાથમાં મુક્યું. અને મારા અચંબાનો પાર ન રહ્યો. અત્યાર સુધી ફિલ્મોમાં જોયેલું, ‘રઘુ રોમીઓ’ નો રઘુ ટી.વી. સીરીઅલની હિરોઈનના પ્રેમમાં પડેલો, ‘Tie me up, Tie me down’નો લબરમૂછિયો નાયક ત્રીસી વટાવી ચુકેલી ફિલ્મની હિરોઈનના પ્રેમમાં પડે છે. બંને ફિલ્મોમાં હીરો હિરોઈનનું અપહરણ કરે છે. અહી પણ, એવી નોબત તો નહિ આવે ને? મેં પાના ફેરવી, એ જાહેરખબર કાઢી, મોડલ કોણ છે એ ખબર તો પડે. વિનાયકે મને એક જાહેરખબર બતાવી, મોટ્ટી બે પાના જેટલી, રંગીન, આકર્ષક, આંખોને અંજવી દે તેવી, એ જાહેરખબરમાં એક સ્ત્રીનું આખું શરીર જોઈ શકાતું હતું, રંગ, વમળ, નાક, આંખો બધું જ આહલાદ્ક. દુ:ખ એટલું જ હતું કે એ કોઈ મોડલ કે હિરોઈનનો ફોટો ન હતો, એ કમ્પ્યુટર પર તૈયાર કરેલ એક એવી સ્ત્રીનું ચિત્ર હતું જે એક આદર્શ સ્ત્રીનું શરીર રજુ કરે. એ આદર્શ હતું, અસલી ન હતું.



હું વિચારતો રહ્યો, મારા મિત્રની સમસ્યાનું સમાધાન વિચારતો રહ્યો. હવે તો એ સપનામા પણ એ આદર્શ શરીરને જોતો હતો અને ભોગતો હતો. એ હવે દુનિયાથી દુર ને દુર જઈ રહ્યો હતો. જેવી રીતે એક બાળકને ક્મ્પ્યુટરની ગેમ રમવાની લગની લાગે,  તેમ મારા મિત્રને એ કમ્પ્યુટર-કન્યાની લગની લાગી છે.

        મારી પત્ની ઘરે ન હતી, આજ કાલ એ ઘણી બહાર ફરવા લાગી છે, એને મારા પ્રેમ પર વિશ્વાસ નથી બેસતો, કારણ કે હું એને કોઈ કંપનીનું કુકર નથી લાવી આપતો. હું જાણું છું કે મારા ઘરની જરૂરિયાત પ્રમાણેના વાસણો ઘરમાં છે જ, પછી નવો ખર્ચો શા માટે કરવો? મેં ના પાડી ત્યારે એ કેહતી હતી કે હું એને પ્રેમ જ નથી કરતો. શું પ્રેમની પારાશીશી એ કુકર માત્ર છે? જો મારી પત્ની પણ પેલી કમ્પ્યુટર-કન્યા જેવી હોત તો? કોઈ પણ વસ્તુનો વિરોધ નહિ, કોઈ પણ બાબતની માંગણી નહિ, કેટલું આદર્શ જીવન, ફિલ્મોની હિરોઈનનેય નીચું જોવડાવે એવું રૂપ, જીવનમાં બીજું શું જોઈએ? હું વિચારોમાં ખોવાયેલો હતો કે વિનાયકનો ફોન આવ્યો, અને હું એને મળવા એના ઘરે ઉપડ્યો.

        વિનાયક આજે ખુબ ખુશ લાગતો હતો, મેં કારણ પૂછ્યું તો એણે જણાવ્યું કે તે આજે બાર વાગે પેલી કમ્પ્યુટર-કન્યાને મળવા જશે અને તે ત્યાં જ રહેશે, એની પાસે, પાછો નહિ આવે. મને કઈ સમજ ન પડી. એણે મને સમજાવતા કહ્યું કે તે આજે છપાયેલ દુનિયામાં જશે, મારે એના ઘરના લોકોને એના આમ ગાયબ થવા વિષે સમજાવવાના છે, પણ મને હજી પણ એ સમજણ ન પડી કે એ છપાયેલ દુનિયામાં કઈ રીતે જશે.  એણે મને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ શરુ કર્યો, “આજે પ્રિન્ટીંગ પ્રેસના જનેતા ગુટનબર્ગનો જન્મ દિવસ છે અને એની કૃપાથી એક પોર્ટલ દ્વારા આ અસલી દુનિયામાંથી છપાયેલા શબ્દો અને માણસોની દુનિયામાં જઈ શકાય છે, હું છેલ્લા કેટલાય સમયથી એ પોર્ટલની શોધ કરી રહ્યો હતો, મને હવે એ મળી ગયું છે, અને આજે હું એમાં પ્રવેશી હંમેશા માટે એ શાશ્વત દુનિયામાં પ્રવેશીસ.” મારા મનની શંકાઓ એટલી મોટી હતી કે એ શબ્દો એને ઓળંગી શક્યા નહિ. “હું ત્યાં જઈ તારો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશ,” એણે મને કહ્યું.

        આમ તો મને એની વાતનો બિલકુલ વિશ્વાસ ન થયો, પણ “Inception”, “Vanilla Sky”, “Matrix” અને “Being John Malkowich” જેવી ફિલ્મો જોયા પછી મને લાગ્યું કે કદાચ આ પણ શક્ય હશે. જો કોમ્પ્યુટરની દુનિયામાં જઈ શકાતું હોય, કોઈના મનની દુનિયામાં જઈ શકાતું હોય, કોઈના સ્વપ્નોમાં જઈ શકાતું હોય, તો પછી છપાયેલા શબ્દોની દુનિયામાં જવાનો પણ કોઈક રસ્તો તો હશે જ. મારા મનના આ પ્રશ્નોને વાચા મળે તે પહેલા વિનાયકનો ફોન આવી ગયો, અને એણે મને એના ઘરે બોલાવ્યો, કારણ કે ‘મુહુર્ત’નો સમય થવામાં હતો.

        હું બાઈક દોડાવી એના ઘરે પહોંચ્યો, એણે મેગેઝીનમાં પેલી કમ્પ્યુટર-ક્ન્યાવાળું પાનું ખુલ્લું મુક્યું હતું. બાજુમાં એ બેસી બધાને ફોન કરી, છેલ્લા સલામ ભરી રહ્યો હતો. એના ફોન પુરા થયા એટલે અમે ભેટી પડ્યા, હજીય મને વધુ સમજાતું ન હતું. એના ચેહરાની ખુશી અને વિશ્વાસ જોઈ મારી કોઈ પ્રશ્ન કરવાની હિંમત ન થઇ. પરંતુ મારા મનમાં નિરુત્તર પ્રશ્નો રમત કરી રહ્યા હતા. “જો વિનાયક ધારે છે, તેમ આ પોર્ટલ કામ ન કરી શક્યું તો?”, “જો એ છપાયેલા શબ્દોની દુનિયામાં ન પહોચી શક્યો તો?” અને “જો એ ત્યાં પહોંચી ગયો અને પેલી કમ્પ્યુટર-કન્યા એની અપેક્ષાઓ પ્રમાણે ન નીકળી તો?” અગણિત પ્રશ્નો હતા, ઉત્તર બનવાના હજીય બાકી છે.

        અચાનક એને યાદ આવ્યું કે એણે એની ‘અસલી’ પ્રેયસીને જાણ જ નથી કરી, કદાચ એને આ બધું સમજાવી ન શક્યો હોત એટલે. પણ હવે એને લાગ્યું કે એ બીચારી છોકરીને માહિતી પૂરી પાડવી જોઈએ. વિનાયકે એને ફોન લગાવ્યો અને કદાચ ફોનની વાતચીત મારા ધાર્યા કરતા વધુ ચાલી. અને વીજળીનો એક ઝબકારો થયો, કદાચ શોટ-સરકીટ થઇ અને હવે પહેલા કરતા વધુ અજવાળું થઇ ગયું.


મેકલુહાન જયારે પ્રિન્ટીંગ પ્રેસની અસરોની વાત કરે છે ત્યારે એક સહુથી મહત્વનો મુદ્દો છે, authenticity, કઈ વાત સાચી અને કોની વાત સાચી? ક્યા આકારમાં વાત રજુ થાય તો સાચી માનિ શકાય? કારણ કે પ્રિન્ટના ઉદગમ પછી, જે છપાતું એને જ સાચું માનવામાં આવતું, એ વાત કાને સાંભળેલી વાત કરતા આંખે જોયેલી વાતની જેમ વધુ સાચી મનાતી. આ એક એવી પ્રગતિ હતી જેણે માણસની દુનિયાને દેખવાની અને સમજવાની રીત બદલી નાખી. બધા જ છપાયેલા શબ્દોને ગંભીરતાથી લેવા લાગ્યા. ધીરે ધીરે એ શબ્દો સાથે છબીઓ જોડાઈ. છબી તો પહેલાથી જ સત્યનું સ્વરૂપ માનવામાં આવતી, એટલે એના આગમનથી છપાયેલા શબ્દો વધુ મહત્વના બન્યા. ધીરે ધીરે એ જુના જમાનાના black & white ફોટોગ્રાફની સાથે રંગીન અને પછી ક્મ્પ્યુટરથી બનાવેલ ચિત્રો પણ આવવા લાગ્યા. ક્મ્પ્યુટરની મદદથી હવે જોઈએ એવી દુનિયા બનાવી શકાય છે અને એને છાપી પણ શકાય છે. એ દુનિયાનાં પોતાના પુરુષો - સ્ત્રીઓ – પશુઓ – પક્ષીઓ  છે, જે આ દુનિયાના સ્ત્રી-પુરુષોને લોભી રહ્યા છે.


એ ઝબકાર પછી હું વિનાયક તરફ ફર્યો, એ ફોન ફેંકી એકદમ મારી તરફ દોડી રહ્યો હતો. એ મારી સામે પહોંચ્યો અને હાથ મારી તરફ લંબાવ્યો, મેં પણ સામે હાથ લંબાવ્યો પણ મારા હાથ કોઈ અજાણી અને અદ્રશ્ય વસ્તુ સાથે ભટકાઈ પડ્યા, અને અચાનક હું હવામાં ઊંચકાવા લાગ્યો. સામે વિનાયક રડમસ ચહેરે મારી તરફ જોઈ રહ્યો હતો, “આ શું થઇ ગયું? મારી જગ્યાએ તું ત્યાં પહોંચી ગયો? હું તને નથી જોઈ શકતો, શું તું મને જોઈ શકે છે?” હા, હું એને જોઈ શકતો હતો, સાંભળી શકતો હતો, પરંતુ એ ન તો મને જોઈ શકતો, ન સાંભળી શકતો. હવે, મેં હિંમત કરી મારી નજર ચારે તરફ ફેરવી, હું એ છપાયેલા શબ્દોની દુનિયામાં પહોંચી ચુક્યો હતો.

            હવે હું સમજી ચુક્યો હતો કે ખરેખર શું થયું છે? મારા માટે હવે અહિયાં રહી અને બહાર નીકળવાનો રસ્તો શોધવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. હું જે પાન પર હતો તે એક જાહેરખબર હતી. જે કમ્પ્યુટર કન્યા પાછળ મારો મિત્ર પાગલ થયેલ હતો, તે મારી સામે જ ઉભી હતી. એ કોઈ કોસ્મેટીકની જાહેરાત હતી. એ કન્યા પણ હવે મારી સામે જોઈ રહી હતી, બાજુમાં એક મોટી પ્લાસ્ટીકની બોટલ હતી. એ બોટલ સામે મારું કદ ખુબ ખુબ નાનું લાગતું હતું. પેલી કન્યા મેં મેગેઝીનમાં જોઈ એ જગ્યા પર જ હતી. મારા માટે હવે પ્રશ્ન હતો કે શું તે બોલી શકતી હતી? અને બોલશે તો શું એ મને અહીંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે?

        એ અદભુત દેખાતી હતી, પણ એની પાસે સામાન્ય માણસોને હોય એવું આખું શરીર ન હતું. એ કોઈ કાગળ પર દોરાયેલ ચિત્રની જેમ ફક્ત આગળથી જ સંપૂર્ણ લાગતી હતી. હું ડરતો ડરતો તેની પાસે ગયો અને બોલ્યો, “EXCUSE ME”. એણે નજર મારી તરફ ફેરવી, મને નવાઈ એ વાતની હતી કે હું અહિયાં છું એ વાતથી એને જરા પણ અચરજ ન થઇ, કઈ પણ નવું ન લાગ્યું.

“આપનું નામ શું છે?” મેં પૂછ્યું.

“નામ એટલે શું? મને નથી ખબર.” એને એ જ હાવભાવથી જવાબ આપ્યો. “તમે આખી જાહેરાત જોઈ હશે, એમાં ક્યાંક નામ હતું મારું?” એ આગળ બોલી.

“એમાં તો પ્રોડક્ટનું નામ હતું” મેં નકાર માં માથું હલાવતા બોલ્યો.

“બસ તો પછી, એ જ મારું નામ. મારું આખું અસ્તિત્વ જ એ નામ થી છે, જો એ ના હોત તો હું પણ ના હોત.”

વાત તો એની સાચી હતી, પણ એને કોઈ ક્રીમના નામથી બોલાવવી મને ન ગમે. એટલે મેં પૂછ્યું, “હું તમને માયા કહી શકું?”

“તમે મને ‘માયા’ ગણી પણ શકો.”

“તો માયા તમે અહિયાં કેટલા સમયથી રહો છો? તે પણ આમ ઉઘાડા શરીરે? તમને ઠંડી-ગરમી નથી લગતી?” પળવાર માટે હું ભૂલી ગયેલો કે હું છપાયેલી દુનિયામાં છું.

“મારું તો અસ્તિત્વ જ આ મેગેઝીન છે, આ મેગેઝીન સાથે જન્મી અને એની સાથે જ પૂરી પણ થઇ જઈશ. અને રહી વાત ગરમી ઠંડીની, તો એ તો જેના શરીર હોય એમને લાગે. મારું ઉઘાડું શરીર તો show-piece છે, પ્રદર્શન માટે જ બનાવવામાં આવ્યું છે.”

“આ ક્રીમ તો મોઢા પર લગાડાય, તો એની અસર, એટલે કે એના દ્વારા મળતી સુંદરતા આખા શરીર પર, કેવી રીતે દેખાય?”

“જાહેરાત એટલા માટે જ ચાલે છે કે મનુષ્યને જે દેખાડવામાં આવે તે જ તે જુએ છે, જે દિવસે મનુષ્યજાતિ જે નથી દેખાડ્યું એ પણ સમજતી થઇ જશે તે દિવસથી જાહેરાત બંધ થઇ જશે.”

હવે એ સારી રીતે ઉત્તર આપતી હતી, પણ હજી પણ એના હાવભાવ સહેજ પણ બદલાયા ન હતા. હવે મને લાગ્યું કે એને બહાર નીકળવાના રસ્તા વિષે પૂછવું જોઈએ.

“તમારે જો અહીંથી બહાર નીકળવું હોય તો તમે શું કરશો?” મેં આડકતરી રીતે પૂછ્યું.

“હું અહિયાથી બહાર ના નીકળી શકું, આ છપાયેલા પાના જ મારું અસ્તિત્વ છે, હું અહીંથી બહાર નીકળું તો મારું અસ્તિત્વ જ ન રહે.”

“અને જો મારે બહાર નીકળવું હોય તો?”

“એ તો તમને ખબર, જે રસ્તો અંદર આવ્યો છે, તે બહાર પણ જતો જ હશે? જે રીતે તમે આ ‘માયા-જાળ’માં ફસાયા તે જ રીતે પાછા નીકળો.”

“એ જ તો સમસ્યા છે, આ રસ્તા પર ફસાયા પછી જ ખબર પડે છે કે તમે માયા-જાળમાં પહોંચી ચુક્યા છો. અને હું તો મારા મિત્રનાં કારણે અહિયાં, આ જાળમાં, છું.”

“આ જાળમાં તો દરેક માણસ બીજા કોઈક ના કારણે જ હોય છે. કોઈક બીજાની પત્ની કે પ્રેયસીના કારણે, તો કોઈક બીજાનાં ફિગરના કારણે, કોઈ ગોરા રંગના કારણે તો કોઈક સમાજના દંભના કારણે. અહિયાં કોઈ પોતાની મરજીથી નથી, હું પણ નહિ.”

પણ, તમને અહીંથી બહાર જવાનો કોઈ જ રસ્તો ખબર નથી? તમે આટલા સમયથી અહિયાં છો, તેમ છતાં.”

“મને કઈ રીતે ખબર હોય? મારે ક્યાં બહાર નીકળવું છે તે ચિંતા? આ તમારી માયા-જાળ છે, મારી તો દુનિયા છે અને આ દુનિયાને કારણે ઘણા લોકોની દુનિયા ચાલે છે અને ઘણા લોકો દુનિયા ચલાવે છે.”

 “પણ હું શું કરું?” મારાથી અહી થોડું બેસી જવાય, હું એના માટે નથી બન્યો.”

“રસ્તો શોધો, અથવા રાહ જુઓ, કોઈ રસ્તો તમને શોધતો આવે, તો તે અપનાવી લેજો.”

“એવું કઈ રીતે શક્ય છે?”

“અમે જાહેરખબરની દુનિયાવાળા તો એવું જ બધું શક્ય કરી બતાવીએ, ફોટામાં અને શબ્દોમાં તો શક્ય થઇ જ જાય.”

“શું હું બીજા પાનાં પર જઈ શકું?”

“પ્રયત્ન તો કરી જ શકો. કદાચ, બીજા કોઈ પાનાં પર તમને કોઈ મદદ કરી શકે.

મેં પાનાં નંબર પર લટકી બીજા નંબર પર ઠેકડો માર્યો, મને પોતાનેય ખ્યાલ ન હતો કે હું ક્યાં પડીશ. મારા માટે જરૂરી હતું કે હું ક્યાંક, કોઈ નવી જગ્યા પર પહોંચું. ગમે ત્યાં. હું પડ્યો, ઘણા બધા શબ્દોની વચ્ચે, શબ્દો ને છિન્ન-ભિન્ન કરી, એમનો આકાર તોડી-મરોડી, એ શબ્દો રૂપી જંગલમાં મેં મારી જાતને રોપી. થોડા સમય પછી સામાન્ય થઇ મેં ચોતરફ જોયું. એક આકાર દેખાયો, કોઈ ઈશ્વર સમાન પ્રતિકૃતિ હતી, કદાચ ઈશ્વર પણ હોય. હું થોડો પાસે ગયો, ધ્યાન ધર્યું, શૂટ-બુટમાં એક વિદેશી સજ્જન પોતાની આંખો ઝીણી કરી મને જોઈ રહ્યા હતા. હું તેમની પાસે ગયો અને એમને જોઈ ચોકી ગયો. એ તો બીજું કોઈ નહિ, પણ communication guru શ્રી માર્શલ મેકલુહાન, સાક્ષાત ત્યાં હાજર હતા. એમના દર્શન માત્રથી મને નવું મનોબળ મળ્યું.

“પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમે જ મને અહીંથી બહાર કાઢી શકશો. મને બહારની દુનિયામાં પાછો લઇ જાવ.” હું બે હાથ જોડી એમના પગમાં પડી ગયો. એમનાં મોઢા પરની સ્મિતની રેખા હજી એવી જ હતી, હાવભાવમાં કોઈ તફાવત ન જોવા મળ્યો.

“ઉભો થા, હે આધુનિક માનવ.” એમણે મને હુકમ કર્યો. હું એમની સામે હાથ જોડી ઉભો રહ્યો. “આપણે એવી દુનિયામાં પુરાયા છે, કે જ્યાંથી આપણે બોલેલા શબ્દો બધા જ જોઈ શકશે, પરંતુ ખુબ જ ઓછા લોકો એ સમજી અને અનુભવી શકશે. અહીંથી બહારની દુનિયાને પોતાનો સંદેશ મોકલવા માટે બહારની દુનિયાનો પણ સહકાર જોઈએ. મુલાકાત એના માટેનો ઉત્તમ નમુનો છે, મુલાકાતમાં બોલાયેલા શબ્દોને લોકો સહજતાથી અને ગંભીરતા પૂર્વક સ્વીકારતા હોય છે.”

મને એમની વાત થોડી થોડી સમજાઈ રહી હતી, મેં પેન-પેપર શોધી કાઢ્યા અને એમની ખુરશીની સામે ગોઠવાઈ, એમને પેહલો પ્રશ્ન પૂછ્યો, “તો મેકલુહાન સાહેબ, તમારું અહિયાં, કદાચ, આ છેલ્લું ઈન્ટરવ્યું હશે. તમે કેવો અનુભવ કરી રહ્યા છો?”

૫.

મેકલુહાન સાહેબ થોડા ધીરા પડી ગયા હતા. જાહેરાતો ઘણી આગળ વધી ગયેલી. દરેક ને જોવી, જાણવી, સમજવી એમના માટે લગભગ અશક્ય થઇ ગયેલું. બીજી તરફ વધારે અને વધારે લોકો વિનાયકની જેમ કમ્પ્યુટર-કન્યાઓ, ઠંડા-પીણાઓ, વિવિધ રંગી મોટર સાયકલો અને કાર, કપડા, ઘરેણા, વગેરે તરફ આકર્ષાતા જતા હતા. એ અથવા એમના મિત્રો, મા-બાપ, જીવનસાથી, કોઈને કોઈ આ માયા-જાળમાં ફસાતું જતું હતું, અને ધીરે ધીરે ભ્રમણાનું વિશ્વ, આ વિશ્વ પર હાવી થઇ રહ્યું છે. મેકલુહાન સાહેબ પણ હવે કોઈ રોલાં બાર્થ કે કોઈ બોદ્રીયાદની રાહ જોતા બેઠા છે.

નોંધ:

૧. માર્શલ મેકલુહાન સંચાર-માધ્યમો પર રીસર્ચ કરનાર સહુથી પહેલા અને સહુથી મહત્વના લેખક હતા, જેમણે The Gutenberg Galaxy (1962), The Mechanical Bride (1951) અને Understanding Media (1967) જેવા મહત્વના પુસ્તકો લખ્યા છે.

૨. માર્શલ મેકલુહાનનો આ મુખ્ય ગૃહિત હતો, એમના મતે દરેક યાંત્રિક શોધ એ મનુષ્યના અંગોનું વિસ્તરણ માત્ર છે, અને તેથી જ આ શોધો સરળતાથી આવકારવામાં આવે છે.

૩. માર્શલ મેકલુહાન સંચાર માધ્યમોને બે ભાગમાં વહેંચે છે, જેને એ hot અને cool આમ બે નામ આપે છે.

૪. The Gutenberg Galaxy પુસ્તક printing pressના ઉદભવ અને તેનાથી થતા સંજ્ઞાનાત્મક ફેરફાર વિષે વાત કરે છે.

૫.The Mechanical Bride પુસ્તક સામયિકો અને તેમાં જોવા મળતી જાહેરાતોનું વિશ્લેષણ રજુ કરે છે.

૬. રઘુ રોમીઓ (Di. રજત કપૂર, 2003), ‘Tie me up, Tie me down’ (Di. Pedro Almodovar, 1990)

૭. “Inception” (Di. Christopher Nolan, 2010), “Vanilla Sky” (Di. Cameron Crowe, 2001), “Matrix” (Di. The Wachowski Brothers, 1999) અને “Being John Malkowich”(Di. Spike Jonze, 1999).

Published in Farbes Gujarati Sabha: Aanganu ane Aakash (Vol. 76, Issue 1) Pgs. 58-65.




Comments